Columns

ઈશ્વર જે કરે તે

ભગવાન રામના અવતારની કહાની જોઇને એટલું તો સમજાય છે કે જીવનમાં જે થાય છે તે નિર્ધારિત હોય છે અને ઈશ્વર જ તે નક્કી કરે છે અને તેની ઈચ્છા પ્રમાણે જ થાય છે.પામર મનુષ્ય કંઈ નથી કરી શકતો. રામાયણમાં હનુમાનજી સમુદ્ર લાંઘીને લંકા પહોંચે છે. આ શક્તિ ભગવાન જ તેમને આપે છે. અશોકવાટિકામાં હનુમાનજી પહોંચે છે ત્યારે હજી તેઓ સીતા માતા સમક્ષ કેમ જવું તે વિચારતા હોય છે તે પહેલાં રાવણ આવે છે. સીતાને ડરાવે છે અને સીતામાતા હાથમાં તણખલાની ઓથ લઇ રાવણને તેની ભૂલ કહે છે ત્યારે રાવણ હાથમાં તલવાર લઈને સીતાને મારવા દોડે છે ત્યારે હનુમાનજી ત્યાં હાજર હોય છે.

તેમને થાય છે આગળ વધી તલવાર લઇ રાવણનું જ ગળું કાપી નાખું.પણ તેમ તેઓ કરે તે પહેલાં રાવણની રાણી મંદોદરી જ રાવણને સ્ત્રી પર હથિયાર ઉગામતાં રોકી લે છે.અહીં સીતા માતાની ભાળ લાવવાનું કામ પ્રભુ હનુમાનજી પાસે કરાવે છે પણ તેમને બચાવવાનું કામ મંદોદરી પાસે કરાવે છે. આગળ ત્રિજટા બધાને પોતાના સપનાની વાત કરે છે કે એક વાનરે સપનામાં લંકા બાળી. આ સાંભળી હનુમાનજી વિચારે છે કે મારે તો માત્ર સીતા માતાની ભાળ જ કાઢવાની છે.લંકા બાળવાની કોઈ સૂચના નથી અને મારી પાસે તો એવાં કોઈ સાધન પણ નથી.

હશે જેવી પ્રભુની ઈચ્છા. આગળ હનુમાનજી સીતા માતાને મળે છે.અશોકવાટિકા ઉજાડે છે.રાવણના પુત્ર અક્ષયકુમારને મારી નાખે છે. ઇન્દ્રજીત તેમને બ્રહ્માસ્ત્રથી બાંધીને રાવણ સામે લઇ જાય છે અને રાવણ રામના દૂતને જોઈ અને તેમની વાત સાંભળી ગુસ્સે થઈ મારી નાખવાની વાત કરે છે ત્યારે વિભીષણ આવીને રાવણને સમજાવે છે કે ‘રાજનીતિ અનુસાર દૂતને મારી ન શકાય. હા, કોઈ સજા જરૂર કરી શકાય. અહીં હનુમાનજી સમજી જાય છે કે મને બચાવવાનું કામ ભગવાન વિભીષણ પાસે કરાવે છે. રાવણ હનુમાનજીની પૂંછડી બાળવાનો હુકમ આપે છે અને હનુમાનજીને પૂંછડી પર કપડાં વીંટાળી તેલ છાંટી આગ ચાંપવામાં આવે છે.

અહીં લંકાને બાળવામાં જરૂરી તૈયારી  ભગવાન રાવણ દ્વારા જ કરાવે છે. હનુમાનજી સમજી જાય છે કે આ બધી જ પ્રભુની ઈચ્છા છે; ભગવાન જે ઈચ્છે તે કામ કરવા માટે કોઈ ને કોઈને નિમિત્ત બનાવે છે. યાદ રાખજો. આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થાય છે, બાકી બધાં તો માત્ર તેના હાથનાં રમકડાં છે. ભગવાન પર ભરોસો રાખવો કે તે જે કંઈ કરશે તે સારા માટે જ કરશે. કારણ તેની ઈચ્છા જ બળવાન છે. માટે ક્યારેય અભિમાન કરવું નહિ કે આ કાર્ય મારા લીધે થાય છે અને કયારેય ડરવું નહિ કે શું થશે. પ્રભુને મંજૂર હશે તે થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top