ગયા મહિને તા. 12 જૂને અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર પ્લેન ક્રેશ બાદ બોઇંગને મુશ્કેલીમાં જોઈને અમેરિકન મીડિયાએ આખા મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમદાવાદ ક્રેશ પછી વિશ્વસનીયતા ગુમાવી રહેલા બોઇંગને બચાવવા માટે અમેરિકન મીડિયાએ ભારતીય પાયલટને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકન મીડિયાએ AAIB રિપોર્ટને પણ પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે.
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)આ અહેવાલને ટાંકીને અમેરિકન અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ એ લખ્યું છે કે કોકપીટ રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે ફ્લાઇટના કેપ્ટને પોતે વિમાનના એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો. અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી દરેક ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે AAIB રિપોર્ટમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે કેપ્ટને ઇંધણ નિયંત્રણ સ્વીચ બંધ કરી દીધી હતી.
ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કર્યો હતો. બોઇંગને બચાવવા અમેરિકા પાઇલોટને જવાબદાર ઠેરવી રહ્યું હોવાનું મનાય છે. અમેરિકન મીડિયા બોઇંગને સપોર્ટ કરે છે અને પાઇલટનું કૃત્ય હોવાની થિયરી રજૂ કરી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી છે.
તે દિવસે શું થયું?
ગઈ તા. 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન લંડન માટે ઉડાન ભરી ગયું. અમદાવાદના રનવે પરથી વિમાન ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડોમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના પહેલાં કોકપીટમાં હાજર સિનિયર કેપ્ટન સુમિત સભરવાલે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરને પૂછ્યું હતું, ‘તમે ફ્યુઅલ સ્વીચ ‘કટઓફ’ કેમ કરી?’ આ પ્રશ્ન સાંભળીને પાયલટ કુંદર ચોંકી ગયા હતા. પોતાના જવાબમાં તેમણે કહ્યું – મેં એવું નથી કર્યું.
તમને જણાવી દઈએ કે અમેરિકન મીડિયા જે પાયલટ્સ પર અકસ્માત માટે દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે કેપ્ટન સભરવાલને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો, જ્યારે કુંદરને 3403 કલાકનો અનુભવ હતો. આવી સ્થિતિમાં બે પાયલટ્સમાંથી કોઈ પણ આવી ભૂલ કરે તે શક્ય નથી.
વિમાનમાં શું થયું?
ગઈ તા. 12 જૂને ટેકઓફ કર્યા પછી બળતણ પુરવઠો બંધ થઈ ગયો જેના કારણે વિમાનના એન્જિનને પાવર મળ્યો નહીં. પરિણામે, વિમાન ઉડાન ભરતાની સાથે જ તેની સ્પીડ અને થ્રસ્ટ ઓછો થવા લાગ્યો અને તે નીચે તરફ જવા લાગ્યું. અકસ્માત પછીની તપાસમાં જાણવા મળ્યું કે ક્રેશ સ્થળ પરના બંને બળતણ સ્વીચો ‘કટ ઓફ’ સ્થિતિમાં હતા.
એટલે કે કદાચ પછીથી ફરીથી સ્વીચ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિમાનના બંને એન્જિનમાં ફરીથી બળતણ પુરવઠો મળવાના સંકેતો હતા પરંતુ ત્યાં સુધીમાં વિમાન ખૂબ જ નીચે આવી ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું. સીસીટીવી ફૂટેજમાં એ પણ જોવા મળ્યું હતું કે વિમાન ઉડાન ભરતાની સાથે જ રેમ એર ટર્બાઇન નામનો બેકઅપ ઉર્જા સ્ત્રોત બહાર આવ્યો. આ એક સંકેત હતો કે વિમાનના એન્જિનમાંથી પાવર ખતમ થઈ ગયો હતો.
પાઇલટ એસોસિએશન ગુસ્સે છે
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના કોઈને દોષી ઠેરવવું ખોટું છે. એસોસિએશને એક નિવેદનમાં કહ્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં દોષારોપણ કરવું ઉતાવળિયું અને બેજવાબદારીભર્યું છે. આનાથી પાઇલટ્સની વ્યાવસાયિક છબીને નુકસાન થાય છે અને તેમના પરિવારોને નુકસાન થાય છે.