Editorial

નવી નોકરીઓ ઊભી કર્યાના દાવાઓ વચ્ચે આંકડાઓ બતાવે છે કે દેશમાં બેરોજગારી ઘટતી નથી

રાજકારણીઓ ભલે વાતો કરતા હોય, શાસકો ભલે લાખો નોકરીઓ આપતા હોવાનો દાવો કરતાં હોય પરંતુ ભારતમાં બેરોજગારીનો દર ઘટતો જ નથી. ભારતમાં વર્ષોવર્ષ બેરોજગારોની સંખ્યા વધતી જ રહે છે અને તે પણ આંકડાઓ દ્વારા સાબિત થઈ રહ્યું છે. આજે પણ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.1 ટકા જેટલો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ દર 4.9 ટકા જેટલો છે. તાજેતરમાં સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જણાવાયું હતું કે, દેશમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર જૂન મહિનામાં 5.6 ટકાનો હતો. જે ગયા મહિનાની સરખામણીમાં પણ એટલો જ છે. એટલે કે બેરોજગારી વધી નથી પરંતુ ઘટી પણ નથી. ખરેખર દર મહિને બેરોજગારીનો દર ઘટવો જોઈએ. તો જ નવી નોકરીઓ ઊભી થઈ છે તેવું ગણી શકાય.

પુરૂષો માટે બેરોજગારીનો દર 5.6 ટકા રહ્યો છે. જ્યારે તેની સામે મહિલાઓ માટે જૂન માસમાં બેરોજગારીનો દર 5.6 ટકા નોંધાયો છે. જ્યારે મે માસમાં આ દર 5.8 ટકા હતો. બેરોજગારી વધી તે એટલા માટે સાબિત થાય છે કે મે મહિનામાં 15થી 29 વર્ષની વયના યુવાનોનો બેરોજગારીનો દર 15 ટકા હતો. જ્યારે જૂનમાં આ દર 15.3 ટકા થવા પામ્યો છે. આ જ ઉંમરની સ્ત્રીઓમાં આ દર 16.3 ટકાથી વધીને 17.4 ટકા થવા પામ્યો છે. જ્યારે પુરૂષોમાં તે 14.5 ટકાથી વધીને 14.7 ટકા થવા પામ્યો છે. આ સરવે મુજબ, 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં શ્રમબળ ભાગીદારી દર જૂનમાં 54.2 ટકા હતો. જ્યારે મે મહિનામાં તે 54.8 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ દર 56.1 ટકા હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર 50.4 ટકા હતો. જૂન મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં સમાન વય જૂથ માટે કામદાર વસ્તી ગુણોત્તર 53.3 ટકા હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં તે 46.8 ટકા હતો.

આ જે આંકડાઓમાં ઘટાડો થયો એટલે કે બેરોજગારી વધી તેની પાછળ એવા કારણોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે કે જેમાં બિન વેતન ગ્રામીણ સહાયકો, તીવ્ર ગરમી, મોસમી કૃષિ પેટર્ન તેમજ મહિલાઓના ઘરકામ તરફ વળવાના છે. ગ્રામીણ મહિલા કામદારોનો હિસ્સો મે મહિનમાં 70.2 ટકાથી ઘટીને જૂનમાં 69.8 ટકા થવા પામ્યો છે. આંકડાઓ જ બતાવી રહ્યા છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. ભારતમાં હાલમાં 140 કરોડથી વધુની વસતી છે. આ સંજોગોમાં ભારતમાં રોજગારીની તાતી જરૂરીયાત છે.

પરંતુ ટેકનોલોજીના વિકાસ સાથે આ બેરોજગારી વધી જ રહી છે. સરકારો દ્વારા બેરોજગારી નાબૂદ કરવાની વાતો થાય છે પરંતુ બેરોજગારી નાબૂદ કરવામાં આવતી નથી. નવી નોકરીઓ ઊભી કરવામાં આવતી નથી. જે સરકારી નોકરીઓ હતી તેમાં હવે કોન્ટ્રાક્ટથી નોકરી અપાય છે અને ગમે ત્યારે આ નોકરી મેળવનાર બેરોજગાર પણ થઈ જાય છે. આ આંકડાઓ જોઈને સરકારે મનન કરવું જોઈએ. જે ઉંમરે નોકરીની જરૂરીયાત હોય તેવી 15થી 29 વર્ષની વયમાં જ બેરોજગારીનો દર વધારે છે. સરકારોએ ખરેખર દેશમાં નવી નોકરીઓ અને રોજગાર ઊભા કરવાની જરૂરીયાત છે. જો તેમ થશે તો જ દેશમાં બેરોજગારી ઘટશે તે નક્કી છે.

Most Popular

To Top