લોકડાઉન મહિનાથી વધારે ખેંચાયું. હવે મધ્યમ વર્ગીય પરિવારોમાં તકલીફ થવા લાગી. એક નાનકડી સોસાયટીમાં એક ગેલેરીમાં પતિ, પત્ની,મીતા અને અજય વાત કરતાં હતાં કે માર્ચ અને એપ્રિલ બે મહિનાનો પગાર મળ્યો નથી. જે થોડી બચત હતી તે વપરાઈ ગઈ છે. હવે ઘરમાં આ છેલ્લી પાંચસો રૂપિયાની નોટ છે. ગયા મહિને બેન્કમાંથી બા ની બીમારીને લીધે પૈસા ઉપડ્યા હતા એટલે બેંકમાં પૈસા જ નથી. અજયે કહ્યું, ‘મીતા, તારી પાસે ક્યાંક બચાવેલા હશે, તને સાચવીને મૂકી દેવાની ટેવ છે યાદ કર ને..’ મીતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, ‘મેં બધે જ જોઈ લીધું,આ છેલ્લી નોટ છે અને નાનકડા સાગરની પિગી બેંકમાં સો બસો રૂપિયા હશે.હવે શું કરીશું.આપણે તો ભૂખ્યાં પણ રહી શકીશું. એક ટાઈમ ખાઈશું;પણ નાનકડો સાગર કઈ રીતે ભૂખ્યો રહેશે? બા ની દવાનું શું કરીશું?’
અંદરથી સાગરે બૂમ મારી, ‘મમ્મી, ભૂખ લાગી છે.’ મીતા અંદર ગઈ અને સાગરને બિસ્કીટ આપ્યું.પ્રાઇવેટ નોકરી કરતો અજય મૂંઝાયો. હવે શું કરવું? અજયે હિંમત ભેગી કરી પોતાના શેઠને ફોન કર્યો અને પગાર આપવા વિનંતી કરી. શેઠ સાહેબે વાત સારી રીતે કરી,ખબરઅંતર પૂછ્યા પછી એમ કહી દીધું કે ‘હું ક્યાં પગાર આપવાની ના પાડું છું પણ લોકડાઉન ખૂલે અને થોડું કામ ચાલુ થાય એટલે પગારનું કંઇક કરીશું.’ અજય ચૂપ થઇ ગયો. વધુ કંઈ બોલે તો તેના મનમાં નોકરી જવાનો ડર હતો. ચુપચાપ આગળ શું કરવુંની ચિંતા કરતો તે ગેલેરીમાં ઊભો ઊભો બહાર જોઈ રહ્યો.મીતા આવી આંખોથી પૂછ્યું કૈંક વ્યવસ્થા થઈ. અજયે ના પાડી.
આ દૃશ્ય બરાબર બાજુની ગેલેરીમાં કુંડાને પાણી પીવડાવતાં હીનાબહેને જોયું અને બધી વાત સાંભળી. તેઓ અંદર પોતાના પતિ રોહન પાસે ગયાં. બધી વાત કરી અને તરત જ રોહનભાઈએ એક કવર લીધું. તેમાં થોડા દસ હજાર રૂપિયા મૂક્યા અને બાજુમાં અજય અને મીતાના ફ્લેટમાં જઈ કવર દરવાજા નીચે સરકાવી દીધું અને પછી ગેલેરીમાં જઈ; બાજુની ગેલેરીમાં ચિંતામાં ઊભેલા અજય અને મીતાને કહ્યું, ‘ચિંતા શેની કરો છો. આપણાં ઘરોની વચ્ચે ભલે બિલ્ડરે બાંધેલી દીવાલો હોય પણ મન વચ્ચે નથી. ભાઈ,પહેલો સગો પાડોશી. જો દરવાજો ખોલ અને એક કવર છે તે લઇ લે.’
અજયે જઈને દરવાજો ખોલી કવર લીધું અને જોયું તો તેમાં દસ હજાર રૂપિયા હતા.તે દોડીને ગેલેરીમાં ગયો અને આંખમાં આંસુ સાથે બોલ્યો, ‘આ શું રોહનભાઈ, આ પૈસા….’તે આગળ કંઈ બોલે તે પહેલાં રોહને કહ્યું, ‘ભાઈ, આપણે એક જ છીએ.આ કોઈ ઉપકાર નથી. આભાર માનવાની જરૂર નથી. તારો પગાર આવે ત્યારે આપી દેજે. બસ આ અઘરા દિવસોમાં આપણે એક બીજાની સાથે રહેવાનું અને હિંમત આપવાનું કામ કરવાનું છે.’ બસ આમ જ એકબીજાને હિંમત આપીએ તો આ કપરા દિવસો નીકળી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.