Sports

વિરાટ-રોહિતની ટેસ્ટમાંથી નિવૃત્તિ માટે BCCIની કોઇ ભૂમિકા નથી : રાજીવ શુક્લા

લંડન, તા. 16 : વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી એકસાથે નિવૃત્તિ બાદ જાગેલી ચર્ચાના આટલા દિવસ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી હતી કે રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય માત્ર આ બે ખેલાડીઓ દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં બોર્ડ તરફથી કોઈ દખલગીરી કે દબાણ નહોતું. લંડનમાં પત્રકારો સાથે પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન, તેમણે કહ્યું કે આ બંને ખેલાડીઓ વન ડે મેચો માટે ઉપલબ્ધ રહેશે.બીસીસીઆઈના ઉપપ્રમુખે કહ્યું હતું કે હું આ વાતની હંમેશા માટે સ્પષ્ટ કરવા માંગુ છું. રોહિત અને વિરાટની નિવૃત્તિ અંગે ઘણી વાત થાય છે, પરંતુ રોહિત અને વિરાટે આ નિર્ણય જાતે લીધો છે. બીસીસીઆઈની નીતિ છે કે અમે ક્યારેય કોઈ ખેલાડીને નથી કહેતા કે તેણે ક્યારે અને કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. તે ખેલાડી પર નિર્ભર છે કે તે ક્યારે નિવૃત્તિ લઈ રહ્યો છે. તે તેમનો પોતાનો નિર્ણય હતો. તેઓ પોતાની મેળે નિવૃત્ત થયા છે. આપણે હંમેશા તેમની ખોટ અનુભવીશું. અમે તેમને મહાન બેટ્સમેન માનીએ છીએ. અમારા માટે સારી વાત એ છે કે તેઓ વનડે માટે ઉપલબ્ધ છે.

શુક્લાએ આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 4-1થી હાર પછી ફેલાયેલી અફવાઓનો ઉલ્લેખ કર્યો હતો. એવી અટકળો ફેલાઈ રહી હતી કે બીસીસીઆઇ ટેસ્ટ ટીમમાં યુવા-સંચાલિત પરિવર્તન તરફ ઝુકાવ ધરાવે છે અને કદાચ તેણે તેના અનુભવી ખેલાડીઓને પદ છોડવા માટે દબાણ કર્યું હશે. જોકે, શુક્લાએ આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા, ભારપૂર્વક કહ્યું કે નિવૃત્તિનો નિર્ણય ફક્ત ખેલાડીઓ પર નિર્ભર છે.

Most Popular

To Top