“આરોપીનું સરઘસ કાઢો”, “આરોપીને કડક સજા આપો” “દીકરી રડે નહિ, હવે સમાજ બોલશે”ના બેનર સાથે…..
સુરત: કતારગામમાં રહેતી 19 વર્ષીય ટયુશન શિક્ષિકા સ્વ. નેનુ રજનીભાઇ વાવડિયાએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ દુ:ખદ ઘટનામાં, એક દીકરીએ બ્લેકમેઇલના લીધે દુષપ્રેરણાના કારણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આવા ગંભીર મુદ્દાઓને પ્રકાશમાં લાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા તથા ભયમુક્ત રીતે પોલીસ ફરિયાદ સુધી પહોંચી શકાય તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વ સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો મળીને 20 હજારથી જાગુત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બુધવારની સાંજે 8 કલાકે ડભોલી ચાર રસ્તાથી પ્રમુખ ચોક પાસેથી પસાર થઇને આંબાતલાવડી ટેન્ક સર્કલ સુધી મૌનરેલી કાઢીને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘‘આરોપીનું સરઘસ કાઢો’’, ‘‘આરોપીને કડક સજા આપો’’, ‘‘હે નારી તું કદી ન હારી’’ , ‘‘દીકરી રડે નહિ, હવે સમાજ બોલશે’’, જે અંગેના બેનરો સાથે મૌનપાળીને સ્વ. નેનુબેન વાવડિયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.કેન્ડલમાર્ચનું આયોજન કરનાર અભિન કળથિયા, ઉમેશ ઝડફિયા, વિજય માંગુકિયા જેવા સામાજિક યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે જણાવ્યું હતું કે, આવા દુષણ સામે એકતાથી અવાજ ઊભો કરવો જરૂરી છે. આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને એ માટે સામૂહિક જાગૃતિ જરૂરિયાત બની ગઈ છે, આ કેન્ડલ માર્ચનો હેતુ એ છે કે સમાજના દરેક વર્ગે એક સાથે એકત્ર થઇને આવી ગંભીર ઘટનાઓનો વિરોધ વ્યક્ત કરે અને ભવિષ્યમાં આવું ફરી ન બને તે માટે સામૂહિક જાગૃતિ ઉભી થાય. કતારગામમાં ચાલી રહેલા લુખ્ખા તત્વોનો ત્રાસ હવે સમાજ માટે ચિંતાનો વિષય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય, દિકરીઓને સુરક્ષા અને ન્યાય મળે એ માટે આ માધ્યમથી મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.