Business

વીર નર્મદ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર યશ્વી ફાઉન્ડેશનના ગરબા નહીં રમાય, કુલપતિએ નમતું જોખી ઠરાવ રદ કર્યો

શિક્ષણના ધામ વીર નર્મદ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ ખાનગી કંપની યશ્વી ફાઉન્ડેશનને ટેન્ડરિંગ વિના નવરાત્રિના આયોજન માટે ભાડે આપી દેવાના મામલે ભારે વિવાદ સર્જાતા આખરે કુલપતિ કિશોર ચાવડાએ નમતું જોખવું પડ્યું છે. 48 કલાકમાં કુલપતિએ નિર્ણય બદલવો પડ્યો છે.

આજે એક્ઝિક્યુટીવ કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવી કુલપતિએ ઠરાવ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. દરમિયાન આ મામલે શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું જ્યારે યુથ કોંગ્રેસે સીધી વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ કરી હોવાની માહિતી સાંપડી છે.

શું છે મામલો?
સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી અને સરકાર સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુપપતિ ડો.કે.એન.ચાવડા વારસાઈ પેઢી હોય તે રીતે મનફાવે તેમ કોઈપણ પ્રકારના ટેન્ડરિંગ વિના બારોબાર 1.80 લાખ ચોરસ મીટર જમીન યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રિ માટે કોઈપણ જાતના ટેન્ડર વગર ભાડે આપી દીધી મોટો વિવાદ ઊભો થયો હતો.

અચરચની વાત એ હતી કે કુલપતિએ યશ્વી ફાઉન્ડેશનને જે જમીન ભાડે આપી તેનું પ્રતિ ચોરસ મીટર ભાડું ફક્ત 34.44 રૂપિયા રાખવામાં આવ્યું હતું. વિશેષ વાત એ હતી કે આ ભાડું વિના ટેન્ડર પ્રક્રિયા અને પારદર્શક જાહેરાત વિના અપાયું હતું, જેને પગલે આ વેપલામાં મોટો ‘ખાયકી’ થયાની ચર્ચાઓ થઈ હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમગ્ર જમીન રાજ્ય સરકારની મિલકત છે અને શિક્ષણ હેતુથી જ સંપાદિત કરાઈ હતી. આથી, આવા પ્રવૃત્તિઓને સંવૈધાનિક ભંગ અને શિક્ષણ વ્યવસ્થાનો ખંડન ગણવામાં આવી રહ્યો છે. કેમ્પસમાં સમરસ હોસ્ટેલ, ફેકલ્ટીઓ અને રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ હોવા છતાં, રાત્રિબેળાની અવાજ, ટ્રાફિક અને ભીડ શિક્ષણના માહોલને બગાડી શકે છે.

Most Popular

To Top