ભારત અને અમેરિકા વચ્ચે જે વેપાર મંત્રણાઓ ચાલી રહી છે તેમાં દૂધ અને દૂધની બનાવટો મડાગાંઠનો મોટો મુદ્દો બની ગયો છે. અમેરિકા તેના દૂધ, દહીં, માખણ, બટર ઓઇલ વગેરે પદાર્થોની ભારતમાં મોટા પાયે નિકાસ કરવા માગે છે પણ ભારત પોતાનાં પશુપાલકોને અમેરિકાનાં સસ્તા ડેરી ઉત્પાદનોથી બચાવવા માગે છે. અમેરિકામાં પેદા થતાં દુગ્ધ ઉત્પાદનોમાં બીજી મોટી તકલીફ એ છે કે અમેરિકાનાં પશુપાલકો પોતાની ગાયને માંસ, માછલી, મટન વગેરે નોન-વેજ પદાર્થો ખવડાવે છે, જે ભારતનાં બિનમાંસાહારીઓ માટે સંવેદનશીલ ધાર્મિક મુદ્દો બની શકે તેમ છે.
જો ભારત સરકાર અમેરિકાનાં ડેરી ઉત્પાદનોને કોઈ પણ જાતના નિયંત્રણ વિના ભારતમાં આયાત કરવાની છૂટ આપી દે તો ભારતનાં અન્નાહારીઓના પેટમાં એવા દુગ્ધ પદાર્થો જઈ શકે છે, જે પેદા કરવા માટે ગાયને માંસ કે માછલી ખવડાવવામાં આવી હોય. ભારતે અમેરિકા પાસે એવી મતલબના સર્ટિફિકેટની માગણી કરી છે કે તેઓ જે દુગ્ધ ઉત્પાદનની ભારતમાં નિકાસ કરશે તે ગાયને માંસાહાર કરાવવા દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યાં નથી. જો આ શરત સાથે પણ ભારત અમેરિકાના દુગ્ધ પદાર્થો આયાત કરવા તૈયાર થશે તો તેને કારણે ભારતને દૂધ-ઘી વગેરે પૂરાં પાડીને પોતાની રોજી રળતાં આઠ કરોડ પશુપાલકો પાયમાલ થઈ જવાનો ભય પણ રહે છે.
ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોનો ઉદ્દેશ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦૦ અબજ ડોલર સુધી વધારવાનો છે, જે હાલમાં ૧૨૯ અબજ ડોલર જેટલો છે. ભારતનું ડેરી ક્ષેત્ર દેશનાં ૧૪૦ કરોડ લોકોને પોષણ આપે છે અને આઠ કરોડ લોકોને રોજગારી આપે છે, જેમાં મુખ્યત્વે નાના કિસાનો અને ભૂમિહીન મજૂરોનો સમાવેશ થાય છે. હાલ ભારતમાં દૂધ અને તેનાં ઉત્પાદનો પર એટલા ભારે કરવેરા લાદે છે કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા વિપુલ દૂધ ઉત્પાદન કરતાં દેશો પણ ભારતમાં દૂધની કે દૂધની પેદાશોની નિકાસ કરી શકતા નથી. ભારત હાલમાં ચીઝ પર ૩૦ ટકા, માખણ પર ૪૦ ટકા અને દૂધના પાવડર પર ૬૦ ટકા આયાત જકાત લાદે છે, જેને કારણે આયાતી પદાર્થો કરતાં ભારતના પદાર્થો સસ્તા પડે છે. અમેરિકા ભારતને આયાત જકાત ઘટાડવાનો આગ્રહ રાખે છે, જે ભારતનાં પશુપાલકો માટે હાનિકારક છે.
ભારતનાં ડેરી ક્ષેત્રનાં ઉત્પાદનોનું મૂલ્ય હાલમાં ૧૬.૮ અબજ ડોલર છે, જે વૈશ્વિક દૂધ ઉત્પાદનના લગભગ એક ચતુર્થાંશ (૨૩.૯ કરોડ મેટ્રિક ટન) જેટલો હિસ્સો ધરાવે છે અને કરોડો ગરીબ લોકોની આજીવિકાને ટેકો આપે છે. અમેરિકા વર્ષે ૮.૨૨ અબજ ડોલરના ડેરી પદાર્થોની નિકાસ કરી રહ્યું છે અને તે દુનિયાનું સૌથી મોટું નિકાસકાર છે. અમેરિકા વર્ષોથી ભારત પર તેનું ડેરી બજાર ખોલવાનું દબાણ કરી રહ્યું છે પણ ભારત તેના ડેરી પદાર્થો નોન-વેજ નથી તેવાં સર્ટિફિકેટની માગણી કરી રહ્યું હોવાથી આ સોદો અટકેલો છે. ભારતમાં ધાર્મિક દૃષ્ટિએ ગાયનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. જો અમેરિકાથી આયાત કરવામાં આવેલા દુગ્ધ પદાર્થો ગાયને માંસાહાર કરાવવા દ્વારા મેળવવામાં આવ્યા છે તેવો ખ્યાલ ભારતના હિન્દુ લોકોને આવે તો તેમની ધાર્મિક લાગણીઓ ઘવાઈ શકે છે.
SBIના વિશ્લેષણમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો ભારત તેના ડેરી ક્ષેત્રને અમેરિકાથી સસ્તા માલની આયાત માટે ખોલશે તો ભારતને વાર્ષિક રૂ. ૧.૦૩ લાખ કરોડનું નુકસાન થશે. ભારતનો ડેરી ઉદ્યોગ ગ્રામિણ અર્થતંત્રનો મહત્ત્વનો ભાગ છે. તે રાષ્ટ્રીય ગ્રોસ વેલ્યુએડેડ (GVA) માં આશરે ૨.૫ થી ૩ ટકા ફાળો આપે છે, જે રૂ. ૭.૫ થી ૯ લાખ કરોડ જેટલું છે. GVA એ કાચા માલના ખર્ચને બાદ કર્યા પછી અર્થતંત્રમાં ઉત્પાદિત માલ અને સેવાઓનું કુલ મૂલ્ય છે. સરકારે ખાતરી કરવાની જરૂર છે કે આપણે અન્ય દેશોમાંથી થતી સસ્તી આયાતથી પ્રભાવિત ન થઈએ. જો આવું થશે તો પશુપાલન ઉદ્યોગને નુકસાન થશે.
અમેરિકામાં ગાયનો ઉછેર દૂધ અને માંસ માટે કરવામાં આવે છે. ગાયને ડુક્કર, માછલી, ચિકન, ઘોડા, બિલાડી કે કૂતરાના ભાગોનો સમાવેશ કરતો ખોરાક ખવડાવવામાં આવે છે. પશુઓને પ્રોટીન માટે ડુક્કર અને ઘોડાના લોહીનું સેવન કરાવવામાં આવે છે, તેમજ પશુઓના ભાગોમાંથી બનાવેલ સખત ચરબીને ચરબીયુક્ત ખાવાનું ચાલુ રાખી શકે છે, જેને ટેલો તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં પોલ્ટ્રી ફાર્મના કચરા, ઢોળાયેલો ખોરાક, પીંછાં અને ચિકનના મળનું મિશ્રણ પણ ગાયના ઓછા ખર્ચના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે.
વળી અમેરિકામાં ગાય દૂધ આપતી બંધ થાય ત્યારે તેની કતલ કરવામાં આવે છે અને તેના માંસનું વેચાણ કરવામાં આવે છે. આ કતલખાનાંનો કચરો પણ ગાયોનો ખોરાક બની જતો હોય છે. આ રીતે ગાયોને માંસાહાર કરાવવાને કારણે અમેરિકામાં મેડ કાઉ નામનો રોગ ફાટી નીકળ્યો હતો. ભારતમાં ગાયનો ઉપયોગ દૂધ આપવા માટે કરવામાં આવે છે. ગાયને ઘાસ, અનાજના સાંઠા, ગુવારનો ભરડો, કપાસિયાં, ખોળ વગેરે શાકાહારી ખોરાક જ ખવડાવવામાં આવે છે, જેને કારણે તેના દૂધમાં માંસના અંશો જોવા મળતા નથી. ભારતમાં ગાયનો ઉછેર પરિવારના સભ્ય તરીકે કરવામાં આવે છે. તે ઘરડી થાય કે દૂધ આપતી બંધ થાય તો પણ તેને કતલખાને મોકલવામાં આવતી નથી. આ રીતે ભારતમાં ગાયના ઉછેરમાં બિલકુલ હિંસા આચરવામાં આવતી નથી.
નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI) ના અજય શ્રીવાસ્તવે કહ્યું કે કલ્પના કરો કે તમે એક ગાયના દૂધમાંથી બનાવેલ માખણ ખાઓ છો, જેને બીજી ગાયનું માંસ અને લોહી ખવડાવવામાં આવ્યું છે. ભારત કદાચ ક્યારેય આવું કરવાની મંજૂરી નહીં આપે. ભારત વિશ્વભરમાં ટોચના દૂધ ઉત્પાદક તરીકે તેના લાખો નાના ખેડૂતોના રક્ષણ માટે સમર્પિત છે. SBIના રિપોર્ટમાં ભારતના ડેરી ક્ષેત્ર માટે સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપવામાં આવી છે. જો આ ક્ષેત્રને અમેરિકાનાં ડેરી ઉત્પાદનોની આયાત માટે ખુલ્લું મૂકવામાં આવે તો ભારતમાં દૂધના ભાવમાં ૧૫ ટકાનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે પશુપાલકોને અંદાજે રૂ. ૧.૦૩ લાખ કરોડનું આવકમાં નુકસાન થઈ શકે છે. તેનાથી ભારતના ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) ને રૂ. ૫૧,૦૦૦ કરોડનું નુકસાન પણ થઈ શકે છે, જેની ગ્રામીણ રોજગાર પર મોટી અસર પડશે.
ભારતે સફરજન, બ્લૂબેરી અને બ્લેકબેરી જેવા બદામ અને પસંદગીનાં પ્રોસેસ્ડ ફુડ ઉત્પાદનો સહિત અમેરિકાની કેટલીક કૃષિ આયાત પર ટેરિફ ઘટાડવા સંમતિ આપી છે. જો કે, નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે આનુવંશિક રીતે સુધારેલા (GM) પાક પર કોઈ કરાર થશે નહીં. અધિકારીઓના મતે સ્થાનિક ચિંતાઓ અને યુરોપિયન યુનિયન (EUFTA) સાથે આગામી વેપાર વાટાઘાટોને કારણે ભારત માટે GM પાક લાલ રેખા બની રહે છે. અમેરિકા GM પાકનું મોટા પાયે ઉત્પાદન કરે છે. તેનો આગ્રહ ભારતનાં બજારો GM ઉત્પાદનો માટે ખુલ્લાં મૂકવાની છે, પણ ભારત તે માટે તૈયાર નથી.
જો ભારતમાં અમેરિકાનાં GM ઉત્પાદનોની આયાતની છૂટ આપવામાં આવે તો તેને કારણે ભારતનાં નાના અને સીમાંત કિસાનો બરબાદ થઈ જાય તેમ છે. ભારતમાં કપાસને બાદ કરતાં કોઈ પણ GM પાકની છૂટ આપવામાં આવી નથી. અમેરિકા તો સોયાબીન અને મકાઈ જેવા GM પાકનું વિપુલ ઉત્પાદન કરે છે. અમેરિકાનો આગ્રહ છે કે ભારતે કંઈ નહીં તો પશુ આહારના ક્ષેત્રમાં મકાઈ જેવા GM ઉત્પાદનની આયાતને મંજૂરી આપવી જોઈએ. ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે વાટાઘાટોના અંતિમ તબક્કામાં હોય તેવું લાગે છે ત્યારે અમેરિકાએ ફરીથી વિશ્વ વેપાર સંગઠન (WTO) માં ભારતની ડેરી પ્રમાણપત્ર આવશ્યકતાઓનો મુદ્દો ઉઠાવ્યો છે.
અમેરિકાએ ભારતની ડેરી પ્રમાણપત્ર આવશ્યકતાઓ અંગે WTO માં નવી ચિંતા વ્યક્ત કરી છે અને તેને અમેરિકન ડેરી નિકાસ માટે બિનજરૂરી અવરોધો ગણાવ્યા છે. ભારતને દૂધ અને દૂધનાં ઉત્પાદનોની આયાત માટે વ્યાપક પશુચિકિત્સા આરોગ્ય પ્રમાણપત્રની જરૂર છે, જેમાં દવાઓ, એન્ટિબાયોટિક્સ, જંતુનાશકો અને ભારે ધાતુના અવશેષોની ગેરહાજરી ચકાસવી આવશ્યક છે. અમેરિકાએ ભારતની પ્રમાણપત્ર પૂર્વશરતો અંગે આશંકા વ્યક્ત કરી છે અને તેને અમેરિકન ડેરી ઉત્પાદનોના ભારતીય બજારમાં પ્રવેશ માટે બિનજરૂરી અવરોધો તરીકે જોયા છે. આ બાબતમાં ભારત સરકાર મક્કમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.