Business

…તો સુરત એરપોર્ટ પર મોટા પ્લેન લેન્ડ નહીં થાય

સુરત: મોટા વિમાનને નડતરરૂપ બાંધકામો બચાવવા વેસુ તરફ રનવે 22 નો ડિસ્પ્લેસ્ડ થ્રેશોલ્ડ 133 મીટર વધારી 749 મીટર કાયમી કરવાની હિલચાલ સામે સુરતના ફ્રીકવન્ટ ફ્લાયર્સમાં ભારે રોષ ફેલાયો છે.

  • નડતરરૂપ બાંધકામો બચાવવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા બંધબારણે ચાલી રહેલા ખેલમાં રન વેનો થ્રેશોલ્ડ વધારાશે તો નુકસાન
  • હાલમાં વેસુ તરફના રન વેના 616 મીટરનો ઉપયોગ કરાતો જ નથી તેમાં વધુ 133 મીટરનો ઉમેરો થશે તો 2156 મીટરનો રનવે જ બચશે
  • સુરતને સતત અન્યાય કરવા માટે ચાલી રહેલી પેરવીમાંથી એરપોર્ટ ઓથોરિટી પણ બાકાત નથી

અત્યારે વેસુ રનવે 22નો 616 મીટરનો ઉપયોગ થતો નથી. એમાં વધુ 133 મીટરનો ઉમેરો થશે તો 2156 મીટરનો રનવે જ બચશે. આવી સ્થિતિમાં સુરત એરપોર્ટ પર ક્યારેય મોટા વિમાનો લેન્ડ નહીં થાય. એટલું જ નહીં ઈન્ટરનેશનલ એરલાઇન્સ કંપનીઓ કાયમ માટે સુરત એરપોર્ટથી વિમાન સેવા શરૂ કરવા મામલે વિચારણા પણ નહીં કરે.

ઊંચાઈના અવરોધોથી સુરક્ષિત ઉતરાણ માટે રનવે 22 ને 615 મીટર દૂર કરવામાં આવ્યો છે, છતાં બાકી રહેલી રનવેની લંબાઈ માત્ર 2290 મીટર પૂરતી નથી , અત્યારે રનવે 22 નો મહત્તમ ઉપયોગ થાય છે, એટલે કે સમગ્ર વર્ષમાં કુલ ગતિવિધિઓના 80%, જેમાંથી ચોમાસાના 4 મહિના દરમિયાન 99% ગુમાવી દેવામાં આવ્યું છે, ત્યારે મોટા વિમાનો માટે રનવેની આટલી ટૂંકી લંબાઈ સુરત એરપોર્ટના વિકાસ માટે સૌથી મોટો અવરોધ છે. જેમ દિલ્હી એરપોર્ટ પર કરવામાં આવતી રીતે જ ડિસ્પ્લેસ્ડ થ્રેશોલ્ડ R22 ને કાયમી થ્રેશોલ્ડ તરીકે બનાવવો, એ પછી થ્રેસ હોલ્ડનું સ્થળ બદલવામાં આવે તેવી માંગણી અગાઉ ક્રેડાઈ દ્વારા કરવામાં આવી હતી.

જો એમ થશે તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડશે. વાઇડ બોડી એરક્રાફ્ટ આવી સ્થિતિમાં સુરત એરપોર્ટ પર લેન્ડ અને ટેક ઓફ નહીં કરી શકે,સુરત એરપોર્ટથી 182 થી 215 સિટર નાના વિમાનોનું જ એર ઓપરેશન શક્ય બને.

હાલ થ્રેસ હોલ્ડ એરિયામાં ફેરફારની કોઈ પ્રપોઝલ નથી : એ.એન.શર્મા
સુરત એરપોર્ટ ડિરેક્ટર એ.એન.શર્મા એ જણાવ્યું હતું કે, હાલ સુરત એરપોર્ટનો વેસુ રનવે 22 તરફનો થ્રેસ હોલ્ડ એરિયામાં ફેરફારની કોઈ પ્રપોઝલ નથી.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આવી કોઈ દરખાસ્ત આવી નથી.

સમાંતર રનવે શક્ય નથી: આભવા, ગવિયર, ભીમપોરની જમીનો પણ સંપાદનમાં લેવી પડે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હયાત રનવે સામે પેરેલલ રનવે બનાવવાની દરખાસ્ત અભરાઈએ ચઢાવી દેવાઈ છે. કારણ કે, સમાંતર રનવે માટે આભવા,ગવિયર,ભીમપોરની જમીનો સંપાદનમાં લેવી પડે, એમ છે. એની પાછળ રાજ્ય સરકારને કરોડોનો ખર્ચ કરવો પડે, ઉપરાંત મગદલ્લાથી ભીમપોર સુધી રેસીડેન્સિયલ ઝોનની જમીનો આવે તો કોળી પટેલ સમાજનો રોષ વહોરવા પડે. સત્તાધારી પક્ષ માટે આ વિસ્થાપન મોટો મુદ્દો બની શકે.

Most Popular

To Top