વલસાડ: વલસાડ જિલ્લાના નેશનલ કક્ષાના બ્લાઇન્ડ, ફૂટબોલ અને ક્રિકેટ ખેલાડી નીરવ ડાકેની ઇજિપ્ત ખાતે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રમાનાર ઇજિપ્તીયન પિરામિડ્સ ઇન્ટરનેશનલ ગોલ બોલ ચેમ્પિયનશિપ-2025 ટુર્નામેન્ટમાં ભારતની ટીમમાં પસંદગી થઈ છે.
- નીરવ પ્રતિભાવાન ખેલાડી, ક્રિકેટ, ફૂટબોલ બાદ હવે ગોલ બોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
સમગ્ર ગુજરાતમાંથી પુરુષ કેટેગરીમાં તે એકમાત્ર ખેલાડી છે, જે પસંદગી પામ્યો છે. નોંધનીય છે કે, વલસાડના પારડીના બરઈ ગામના અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા 25 વર્ષીય નીરવે નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 12 ગોલ કરી રેકોર્ડ સર્જ્યો હતો. એ અગાઉ જાપાનની ટીમ સાથેની ભારતની સિરીઝ માટે ભારતીય ટીમ પસંદગી કેમ્પ માટે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નીરવની પસંદગી થઈ હતી.
દેશની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં પણ તે પસંદગી પામી મેચ રમી ચૂક્યો છે. આમ ક્રિકેટ, ફૂટબોલ અને હવે ગોલ બોલ આમ ત્રણેય રમતમાં તે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. નીરવ ડાકેએ નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પ્રેક્ટિસ કરી 8 રાજ્ય વચ્ચેની ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાંથી 12 ગોલ કરી ખળભળાટ મચાવી દીધો હતો. સૌથી વધુ ગોલનો એવોર્ડ નીરવ ડાકેને મળ્યો હતો.
પરિણામે ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝના પસંદગી કેમ્પમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નીરવની પસંદગી કરવામાં આવી હતી. ભારત અને જાપાન વચ્ચે રમાયેલી ત્રણ મેચની બ્લાઇન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી પસંદ કરાયેલા માત્ર બે ખેલાડીઓમાં સમાવેશ થયો છે.
દેશનું પ્રતિનિધિત્વ કરવું એ બહુ મોટું સન્માન છે: નીરવ ડાકે
નીરવ ડાકેએ ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે, બ્લાઇન્ડ ક્રિકેટ, ફૂટબોલ અને હવે ગોલ બોલમાં ભારતની ટીમમાં પસંદગી થવી ખુશીની બાબત છે. દેશનું પ્રતિનિધિત્વ કરવું એ બહુ મોટું સન્માન છે. હું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટીમને વિજય અપાવી દેશનું ગૌરવ વધારીશ.