Business

પૂણાની સોનાની લગડી જેવી સુરત મનપાની જમીનની અદલા-બદલીનું ભોપાળું કમિશનરે પકડ્યું

સુરત : મનપાના વોર્ડ નંબર 17 સ્થિત પૂણા વિસ્તારની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 60માં મનપા દ્વારા બનનારી 50 બેડની હોસ્પિટલ માટે 18 મીટરના રસ્તાવાળી ખાનગી માલિકીની જગ્યાની મનપાની 45 મીટરના રસ્તા પરની સોનાની લગડી જેવી જમીનની અદલાબદલીનું ભોપાળુ મનપા કમિશનરે શાલીની અગ્રવાલની ચકોર નજરે પકડી પાડતા મનપાના વર્તુળોમાં ચર્ચાનો ચકડોળ જામ્યો છે.

આ કારસ્તામાં જમીનની અદલા-બદલી માટે મનપાના એક સૌરાષ્ટ્રવાસી પૂર્વ પદાધિકારી અને હાલના કોર્પોરેટરે બ્રિફ પકડી હોવાની પણ ચર્ચા છે. જો કે મનપા કમિશનરના ધ્યાને આ વાત આવતા હોસ્પિટલ બનાવવા માટે અદલાબદલી વાળી મનપાની મુળ જગ્યા માટે જ ટેન્ડર મંગાવી મનપાની કિંમતી જમીન બિલ્ડરને પધારવવાના કરતુત પર બ્રેક મારી દીધી છે.

  • જમીનની અદલા-બદલીની બ્રિફ પકડનાર સોરાષ્ટ્રવાસી પૂર્વ પદાધિકારીએ ફાળવાયેલી જમીન પર પ્લાન પાસ કરાવવા દબાણ કરવા જતાં કમિશનરની ચકોર નજરે ભોપાળું પકડાયું

મળતી વિગતો મુજબ પૂણાના યોગીચોક વિસ્તારમાં વોર્ડ નંબર 17માં મનપા દ્વારા 50 બેડની હોસ્પિટલ બનાવવા માટે અયોજન કરાયું હતું. જેના માટે 18 મીટરના રસ્તા પરના એક ખાનગી માલિક પાસે રજુઆત કરાવી તેની જગ્યા હોસ્પિટલ માટે લઇ લેવા અને કેનાલ રોડ પર 45 મીટરના બીઆરટીએસ રસ્તા પરના મનપાની સોનાની લગડી જેવા પ્લોટને ફાળવવા માંગ કરી હતી. જેના માટે સરકારના ટીપીઓ સુધી સેટીંગ કરાયું હતું.

જો કે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે બબ્બે વખત આવી ફેરબદલની કોઇ જરૂર નથી તેવો અભિપ્રાય આપવા છતાં, એક પૂર્વ કમિશનરે આ અદલા-બદલી પર મંજુરી મહોર મારી દીધી હતી. દરમિયાન બિલ્ડરની બ્રિફ લઇને ચાલતા પૂર્વ પદાધિકારીએ અનામત પ્લોટ (મૂળ આર-45) પર 50 બેડની હોસ્પિટલનું આયોજન કરવા દબાણ કર્યું હતું અને ટીએસસીમાં આ માટેના ટેન્ડરને વહીવટી મંજૂરી પણ મળી ગઈ હતી.

જોકે, સ્થાયી સમિતિ સમક્ષ કોન્ટ્રાક્ટ માટેની દરખાસ્ત રજૂ થાય તે પહેલાં જ મનપા કમિશનરે આ ભોપાળું પકડી પાડી બ્રેક લગાવી દીધી હતી. તેમણે હોસ્પિટલનો પ્રોજેક્ટ અન્ય સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તેથી સ્થાનિક લોકો અને ભાજપના હોદ્દેદારો પાસે રજુઆત કરાવી રાજકીય દબાણ લાવવા પણ પ્રયાસ કરાયો હતો. પરંતુ સાચી હકીકત ખુલ્લી પડી જતા પૂર્વ પદાધિકારીના હાથ હેઠા પડ્યાં છે.

મનપાએ બિલ્ડરને ફાળવેલી જમીન પર પ્લાન પાસ કરાવવાની ઉતાવળ કરવા જતા ભોપાળુ પકડાયું
વાત એવી છે કે, પૂર્વ પદાધિકારીએ પૂર્વ કમિશનરેને ઉંઠા ભણાવી, ડ્રાફ્ટ ટીપી સ્કીમ 60ની સરખામણીમાં ફાઇનલ પ્લોટનો જમ્પ કરાવી, મૂળ ફાઇનલ પ્લોટની જગ્યાએ મહાનગરપાલિકાને અનામત પ્લોટ તરીકે પધરાવી દીધો હતો. આ ઉપરાંત, જમ્પ કરાવેલા ફાઇનલ પ્લોટ (એફપી નં. ૯૬) પર વિકાસ પરવાનગી મેળવવા માટે બિલ્ડરની બ્રિફ પકડીને ચાલતા પૂર્વ પદાધિકારીએ મનપા કમિશનરને વારંવાર એવુ કહ્યું કે, મનપાને હોસ્પિટલ માટે જમીન આપનારના પ્લાન પાસ કરવામાં શા માટે અખાડા થાય છે ? તેથી કમિશનરને સવાલ થયો હતો કે, મનપા પાસે એટલી બધી જગ્યા હોવા છતાં ખાનગી જમીન શા માટે લેવાઇ ? તેથી આ વાતના મુળમાં જતા આ ભોપાળુ પકડાયું હતું.

ભાજપના સ્થાનિક હોદ્દાદારો-કોર્પોરેટરોને આગળ ધરી દબાણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
એવી પણ ચર્ચા છે કે, આ પૂર્વ પદાધિકારીએ બિલ્ડર પાસેથી મસમોટું કમિટમેન્ટ લઈને વિકાસ પરવાનગીની ફાઇલ મંજૂર કરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમનો આ દાવ ઊંધો પડતાં, તેમણે વોર્ડ નં. ૧૭ના વોર્ડ પ્રમુખો અને અન્ય કોર્પોરેટરોને આગળ ધરીને મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મનપા કમિશનરને હોસ્પિટલનું લોકેશન બદલવું નહીં તે માટે રજૂઆત કરાવવાનું શરૂ કર્યું છે.

મનપા કમિશનરે આ રજૂઆતોને સ્પષ્ટપણે નકારી કાઢી, જણાવ્યું કે ફાઇનલ પ્લોટ નં. આર-45 (જમ્પ કરાવેલા એફપી 96) સિવાયના અન્ય કોઈ પણ પ્લોટમાંથી હોસ્પિટલ માટે યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવશે, પરંતુ આ લોકેશન પર હોસ્પિટલ નહીં બને. આ ઘટનાએ મહાનગરપાલિકામાં રાજકીય ગરમાગરમી સર્જી છે, અને આ પૂર્વ પદાધિકારીની કથિત ગેરરીતિઓની ચર્ચા શહેરભરમાં થઈ રહી છે.

Most Popular

To Top