સુરત: સુમુલની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી મિટિંગનો ઓડિયો વાઇરલ થવાનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. ઘટનાની ગંભીર નોંધ લઈ રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લા રજિસ્ટ્રાર અને સુમુલના ઓડિટર મિલ્કને ગાંધીનગર તેડાવ્યા હતા. તેમણે ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પ્રતિનિધિ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની હાજરીવાળી બેઠકનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરી, વાઇરલ કરનારાં તત્ત્વોને ઉઘાડા પાડવા ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
- સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લા રજિસ્ટ્રાર અને સુમુલના ઓડિટર મિલ્કને ગાંધીનગર તેડાવી ફોજદારી કાર્યવાહી કરવા આદેશ આપ્યો
શનિવારે મળેલી સુમુલ ડેરીની વ્યવસ્થાપક કમિટીની બોર્ડ મિટિંગમાં સુમુલના ચેરમેન માનસિંહ પટેલ, વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, ડિરેક્ટર અને ધારાસભ્ય સંદીપ દેસાઈ, નરેશ પટેલ અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ હરેશ કાછડ વચ્ચે ડેરીની ખાનગી બોર્ડ મિટિંગનો આખો સંવાદ કોઈક ડિરેક્ટર દ્વારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી સળંગ સંવાદ અને કટકે કટકે એડિટ કરેલો સંવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સનસની ફેલાઈ છે.
દરમિયાન સુમુલ ડેરીના 4 ડિરેક્ટરોએ માધ્યમોમાં નિવેદન આપ્યું હતું કે, તેમની પાસે બોર્ડ બેઠકનું 2 કલાક 7 મિનિટનું રેકોર્ડિંગ પુરાવા સ્વરૂપે છે અને જરૂર પડશે ત્યારે તેઓ જાહેર કરશે. આ દાવો કેટલો સાચો-કેટલો ખોટો એની તપાસ થશે. સહકાર મંત્રી વિશ્વકર્માએ મંગળવારે સુરત જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડ અને મિલ્ક ઓડિટર ધ્રુવિન પટેલને ગાંધીનગર બોલાવ્યા હતા અને હકીકતલક્ષી અહેવાલ માંગ્યો હતો. જે મંત્રીને સુપરત કરી દેવાયો છે.
સુમુલ ડેરીની પ્રાથમિક સહકારી મંડળીઓમાં પશુપાલકો દ્વારા ભરવામાં આવતા તરોતાજા હુંફાળા દૂધમાં કેટલાક લાલચુ ડિરેક્ટરના પરિવારજનો દ્વારા મહારાષ્ટ્રથી ચીલિંગ પ્લાન્ટનું ઠંડું દૂધ લાવી ભેળવવાના મામલે બેઠક ઉગ્ર બની એ ખાનગી મિટિંગની આખી ગતિવિધિ ઓડિયો રેકોર્ડિંગ કરી વાઇરલ કરી દેવામાં આવતાં સુમુલના ડિરેક્ટરો અને સરકારી કર્મચારીઓની ગુપ્તતા ભંગ થઈ છે.