આશ્રમમાં પ્રાર્થના શરૂ થઇ ગઈ. બધા શિષ્યો આવી ગયા. એક માત્ર સોહમ આવ્યો ન હતો. પ્રાર્થના પૂરી થવા આવી ત્યારે દોડતો દોડતો ભીના કપડામાં સોહમ આવ્યો અને બોલ્યો, ‘ગુરુજી માફી, મને મોડું થઇ ગયું.’ગુરુજી બોલ્યા, ‘વત્સ, હું સમયપાલનનો આગ્રહી છું એટલે સજા તો તને મળશે પણ તારાં કપડાં કેમ ભીનાં છે અને તને મોડું શું કામ થયું તે જણાવ.’સોહમે ફરી માફી માંગતાં કહ્યું, ‘ગુરુજી, હું પ્રાર્થના કક્ષ તરફ આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક નાનકડું ગલુડિયું આશ્રમના કૂવા પાસે રમી રહ્યું હતું અને અચાનક તે કૂવાની દીવાલ પર ચઢી ગયું અને કૂવાની અંદર પડી ગયું. હું દોડીને ગયો અને મેં કૂવાની અંદર છલાંગ મારી તેને બહાર કાઢ્યું તેમાં મોડું થયું. મને માફ કરજો, પ્રાર્થનામાં મોડા આવવાની આપ મને જે સજા કરશો તે મને મંજૂર છે.’બધા શિષ્યોએ વિચાર્યું, હવે સોહમને ચોક્કસ આજે મોડા આવવા બદલ ભોજન નહિ મળે. એક ગલુડિયાને બચાવવામાં આજે તેણે ભૂખ્યા રહેવું પડશે. ગુરુજી બોલ્યા, ‘ચાલો, પ્રાર્થના બાદ હવે સમય થઈ ગયો છે.
આજના પ્રશ્નનો …આજનો પ્રશ્ન છે કે જીવનમાં સૌથી મહાન કોણ?’ એક પછી એક શિષ્યો જવાબ આપવા લાગ્યા. કોઈકે કહ્યું, ‘જે સૌથી વધારે ધન કમાય તે સૌથી મહાન’. બીજાએ કહ્યું, ‘જે સૌથી વધુ જ્ઞાની હોય તે સૌથી મહાન.’ ત્રીજાએ કહ્યું, ‘જે સૌથી વધુ દાન કરે તે મહાન.’ ચોથાએ કહ્યું, ‘જેની પાસે સૌથી વધુ શારીરિક શક્તિ છે તે સૌથી મહાન.’આમ ઘણા જવાબ મળ્યા. ગુરુજીએ બધાના જવાબ સાંભળ્યા અને પછી કહ્યું, ‘ના, તમારા બધાના જવાબ ખોટા છે. તમે જે બધાં ઉદાહરણ આપ્યાં તે બધા વ્યક્તિઓને જીવનમાં સફળ કહી શકાય પણ મહાન નહિ.’ ગુરુજીની આ વાત સાંભળી બધા શિષ્યોને બહુ નવાઈ લાગી.
એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, તો સૌથી વધુ મહાન કોને કહી શકાય.’ગુરુજી બોલ્યા, ‘ધ્યાનથી સાંભળજો મારી વાત. જે વ્યક્તિ જીવનમાં મુસીબતોનો હિંમતથી સામનો કરે…તેની સામે લડે અને ડર્યા વિના લડીને મુસીબતને હરાવી જીતી જાય તે વ્યક્તિ મહાન છે અને એથી આગળ સૌથી મહાન વ્યક્તિ એ છે કે જે બીજાને મુશ્કેલીમાં જુએ અને તેને મદદ કરવા દોડી જાય અને પોતાની તકલીફોને ભૂલીને બીજાને મદદ કરે અને તેને મુશ્કેલીમાંથી બહાર કાઢે અને આજે મારી દૃષ્ટિએ સોહમ સૌથી મહાન વ્યક્તિ છે.તમારે બધાએ તેની પાસેથી શીખવું જોઈએ અને આજે સોહમને કોઈ સજા નહિ થાય. તે મારી સાથે ભોજન કરશે.’સોહમે ગુરુજીને પ્રણામ કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.