Charchapatra

આવા વિપક્ષો દેશનું દુર્ભાગ્ય

બિહારમાં મતદાર યાદીની સઘન સુધારણાનાં મુદ્દે દેશનાં મુખ્ય વિપક્ષોનો ઊહાપોહ ‘ચોર મચાએ શોર’ કહેવતને સાચી ઠેરવે છે. દાયકાઓથી કેટલાક રાજ્યોમાં બાંગ્લાદેશી, રોહિયા અને પાકિસ્તાની નાગરિકોને દેશમાં ઘુસાડી, વસાવી અને તેમને આધારકાર્ડ, રેશનકાર્ડ અને તેના જોરે મતદાર કાર્ડ અપાવી તેમને મતદાતા  બનાવી દેવાનું કામ વ્યવસ્થિત રીતે કોઈ ઉદ્યોગની જેમ કરતાં આવ્યા છે. હવે ચૂંટણી પંચે બિહારથી મતદાર યાદીની સાફસૂફી શરૂ કરી છે, પછી બધા જ રાજ્યોની વારો આવવાનો છે, જેમાં એમાંથી ઘણાના નામો નીકળી જવાની સંભાવના છે. 

પાણી પહેલા પાળ બાંધવા બધા જ વિપક્ષો અને ઘૂસણખોરોનાં હમદર્દોએ ચૂંટણી પંચની આવી સુધારણા કરવાની સત્તાને પડકારતા કહ્યું કે આનાથી દલિતો, મુસ્લિમો અને ગરીબોનો મતદાનનો અધિકાર છીનવાઇ જશે અને  ચૂંટણી પંચ પર શંકા દર્શાવી. આ કાર્યવાહી રોકવાની માંગણી કરી છે.  કાનૂની રીતે આધાર કાર્ડ વ્યક્તિની ઓળખનો પુરાવો છે, રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો છે. આ બંને નાગરિકતાના પુરાવા નથી.

આ સુધારણા અત્યારે શા માટે એ સવાલ જ બેહૂદો છે. મતદાર યાદીની સુધારણા ચૂંટણી માથે હોય ત્યારે ન કરાય તો ક્યારે કરાય? વળી વિપક્ષો કહે છે કે, વ્યક્તિની નાગરિકતા નક્કી કરવાનું કામ ગૃહ મંત્રાલયનું છે, ચૂંટણી પંચનું નથી. એ અર્ધસત્ય છે. મત કોણ આપી શકે તે ચૂંટણી પંચ જ નક્કી કરી શકે અને મતદાર હોવાની પહેલી શરત નાગરિકતા છે. દુનિયાના કોઈ પણ દેશમાં જે વ્યક્તિની નાગરિકતા પર શંકા હોય તેણે પોતાની નાગરિકતા સાબિત કરવાની હોય છે. જ્યારે આપણી આખી વ્યવસ્થા વિદેશીઓ અને દેશદ્રોહીના બચાવ માટે ગોઠવાયેલી છે.
ધામડોદ રોડ, બારડોલી – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top