ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાંથી ચાર તોલા સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી
ગત ડિસેમ્બર મહિનામાં પણ બાઇક સવાર ટોળકીએ આ વિસ્તારના 4 મકાનમાં હાથ અજમાવ્યો હતો
વડોદરા તા.15
ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસે તસ્કર ટોળકી છ મહિના બાદ ફરી ત્રાટકી હતી અને અગાઉ ગેરેજ સંચાલકના મકાનમાંથી કાંઈ ન મળ્યું હોય ફરી તેમના જ મકાનને નિશાન બનાવ્યું હતું.
આ તસ્કરો પાછળના દરવાજાનો નકૂચો તાળા સાથે તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી ચાર તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 17 હજારની માલ મતાની સાફસૂફી કરીને ફરાર થઈ ગયા હતા. જોકે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. મકાન માલિકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ પાસે રહેતા આમીરુદ્દીન શેખ ટુ વ્હીલર સર્વિસ તથા રીપેરીંગ માટેનું ગેરેજ ચલાવે છે. તેમના ઘર પાસે જ ગેરેજની દુકાન છે. દરમિયાન 14 જુલાઈના રોજ આમીરુદ્દીન શેખ સહિત તેમના પરિવારજનો મકાનના દરવાજાને તાળું મારી તેમના અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયા હતા. દરમિયાન મોડી રાત્રિના સમયે તસ્કરો તેમના બંધ મકાનમાં ત્રાટકયા હતા. પરંતુ તસ્કરોથી મુખ્ય દરવાજાની જાળી નહીં તૂટતા ચોરો ઘરના પાછળના દરવાજાને મારેલું તાળું નકુજા સાથે કાપી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને ઘર વખરી સહીતનો સામાન વેરવેખરી કરી નાખ્યો હતો. ત્યારબાદ તિજોરીના ડ્રોવરમાં મુકેલા સોનાના દાગીના અને રોકડની સાફસૂફી કરી પલાયન થઈ ગયા હતા. 14 જુલાઈના રોજ વહેલી સવારે પાડોશી મહિલા જાગી જતા તેઓએ મકાન માલિક આમીરૂદ્દીન શેખને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેથી ઇક્રમભાઈ તથા આમીરુદ્દીનભાઈ શેખ તત્કાલિક પોતાના મકાન ખાતે દોડી આવ્યા હતા અને અંદર જઈને તપાસ કરતા ઘરવખરી સહિતનો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. જેથી તેઓએ તિજોરીમાં અંદરના ડ્રોઅરમાં તપાસ ચાર તોલા સોનાના દાગીના અને રૂપિયા 17 હજાર રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આમીરુદ્દીન શેખ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કરો વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગત ડિસેમ્બર મહિનામાં પણ આ જ બાઇક સવાર ત્રિપુટી ત્રાટકી હતી અને એક સાથે ચાર મકાનના દરવાજા તથા જાળી નકુચા સાથે કાપી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પણ તસ્કરોએ આમીરુદ્દીન શેખના મકાનમાં હાથ અજમાવ્યો હતો પરંતુ તેમના મકાન સહિત બે મકાનમાંથી કઈ મળ્યું ન હતું. જ્યારે બાકીના બે મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાઈક સવાર ત્રિપુટી જ છ મહિના બાદ ફરી ફતેગંજ વિસ્તારમાં ચોરી કરવા માટે ત્રાટકી હતી. ગેરેજ સંચાલકના મકાનને નિશાન બનાવ્યું હતું. છ મહિના બાદ ફરી તસ્કર ટોળકી આ વિસ્તારમાં ત્રાટકતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.