પ્રતિનિધિ ગોધરા તા.15
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોરવા (હ) તાલુકાના વીરણીયા ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈની સૂચના મુજબ, LCB સ્ટાફ પ્રોહીબીશનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. તે દરમિયાન, LCB ગોધરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. પટેલને બાતમી મળી હતી કે, વીરણીયા ગામના ગિરીશ ઉર્ફે કિરો છત્રસિંહ રાઠોડ અને બળવંતભાઈ સરદારભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના હેતુથી સંતાડવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે, LCB અને મોરવા (હ) પોલીસ સ્ટાફે વીરણીયા ગામમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ₹36,24,432/- ની કિંમતના 15,912 નંગ વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં ગિરીશ ઉર્ફે કિરો છત્રસિંહ રાઠોડ રહે. વીરણીયા, રાઠોડ ફળિયું અને બળવંતભાઈ સરદારભાઈ રાઠોડ રહે. વીરણીયા, પાંડોર ફળિયું, તા. મોરવા (હ), જી. પંચમહાલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.