સુરત: સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રસ્તાઓમાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા રોડ મેઇન્ટેનન્સ અને રિપેરિંગ કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.
- મેટ્રોને કારણે રસ્તા પર પડેલા ખાડાનું 94 ટકા પુરાણકામ કરાયાનો મેટ્રોનો દાવો
- જીએમઆરસી દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા 477 ખાડા પુરાયા, 7615 સ્ક્વેર મીટરમાં રસ્તાનું સમારકામ કરાયું
દિવસ-રાત રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. મેટ્રો પ્રોજેક્ટ ડિરેક્ટર એ.એસ.બિસ્તના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રસ્તા પરના 477 ખાડા પૂરી દેવામાં આવ્યા છે. લગભગ 7615 સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરી આ ખાડાઓ દૂર કરવામાં આવ્યા છે. મેટ્રો રૂટ અંતર્ગત આવતા રસ્તા પરના ખાડા દૂર કરવાનું 94% જેટલું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે તેમ મેટ્રો તંત્ર દ્વારા જણાવાયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્ય દરમિયાન માર્ગો પર થયેલા ધસારા કે નુકસાનને પહોંચી વળવા માટે GMRC રોડ રિપેરિંગની પ્રક્રિયા સતત કરવામાં આવી રહી છે. ઉપરાંત વરસાદી પાણીને કારણે થયેલા ખાડા દૂર કરવાનું અને ધોવાઈ ગયેલા રસ્તાને રિપેર કરવાનું કામ પણ GMRC યુદ્ધના ધોરણે કરી રહ્યું છે. મેટ્રો રૂટને સમાંતર અઢી કિલોમીટર જેટલા રસ્તા પર રોડને રિસર્ફેસ કરવામાં આવ્યા છે. હોટ મિક્સ અને પેવર ફિનિશરના ઉપયોગથી આ રસ્તાનું રિસર્ફેસિંગ કરાયું છે. મેટ્રો રૂટને સમાંતર માર્ગો પર દિવસે વાહનોનો ટ્રાફિક હોવાને કારણે રસ્તાનું સમારકામ માત્ર રાતે કરવામાં આવે છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે.