બિહારની મતદાર યાદીમાં મોટા પાયે અનિયમિતતાઓ સામે આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત યોજાયેલા ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. પટનામાં આવેલી વિગતો અનુસાર, બૂથ લેવલ અધિકારીઓને મતદાર યાદી ચકાસણી દરમ્યાન નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના અનેક ઘૂસણખોરો મળી આવ્યા હતા, જેમના નામ ભારતના મતદારો તરીકે નોંધાયેલા છે.
આ પ્રકારની ઘૂસણખોરી મતદાન પ્રક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. ચૂંટણી પંચે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે જે લોકોને 1 ઓગસ્ટે બહાર પડનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સ્થાન ન મળ્યું હોય, તેઓ મતદાર નોંધણી અધિકારી સમક્ષ જરૂરી દસ્તાવેજો સાથે દાવો દાખલ કરી શકે છે.
અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર થશે.
ચકાસણી માટે આ દસ્તાવેજો જરૂરી છે:
- માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ શૈક્ષણિક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)
- પાસપોર્ટ
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાવાળા દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
- 1 જુલાઈ 1987 પહેલાં બેંક, પોસ્ટ ઓફિસ, LIC વગેરે દ્વારા જારી કરાયેલ કોઈપણ પ્રમાણપત્ર
- વન અધિકાર પ્રમાણપત્ર
- નિયમિત કર્મચારી અથવા પેન્શનર કર્મચારીઓનું ઓળખપત્ર
- કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
- સરકાર તરફથી કોઈપણ જમીન કે મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર
ચૂંટણી પંચ દ્વારા મળેલી આ માહિતી દેશમાં મતદાર ઓળખપત્રોની પ્રક્રિયા કેટલી નાજુક છે તે દર્શાવે છે. SIR પ્રક્રિયાના અંતર્ગત મળેલા આ તથ્યો ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે સમયસર પગલાં લેવાની જરૂરિયાતને સ્પષ્ટ કરે છે.