ઓડિશાના બાલાસોરમાં B.Ed. બીજા વર્ષની એક વિદ્યાર્થીનીએ કોલેજ કેમ્પસમાં પોતાના પર કેરોસીન છાંટીને પોતાને આગ લગાવી દીધી. આ ઘટના શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. છોકરીને બચાવતી વખતે એક વિદ્યાર્થી પણ દાઝી ગયો હતો. છોકરા અને છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છોકરીની હાલત ગંભીર છે.
આ સમગ્ર ઘટના ફકીર મોહન કોલેજ કેમ્પસમાં લગાવવામાં આવેલા CCTVમાં રેકોર્ડ થઈ છે. B.Ed. વિભાગના HOD સમીર કુમાર સાહુ પર પીડિતા તેમજ અન્ય વિદ્યાર્થીઓનું માનસિક અને શારીરિક શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોલેજ પ્રશાસનને સાહુ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં છોકરીએ પોતાને આગ લગાવી દીધી હતી હતી.
પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી
ફકીર મોહન કોલેજના B.Ed. બીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્ટિગ્રેટેડ B.Ed. વિભાગના HOD સમીર કુમાર સાહુ વિરુદ્ધ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. તેઓએ કહ્યું કે એચઓડી તેમને માનસિક રીતે હેરાન કરે છે. એક વિદ્યાર્થીનીએ તો એમ પણ કહ્યું કે એચઓડીએ તેને શારીરિક સતામણી કરવાનું પણ કહ્યું હતું. એચઓડી સામે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ ઘટના અંગે કોલેજના આચાર્ય દિલીપ કુમાર ઘોષે કહ્યું- 30 જૂને મને એચઓડી સમીર કુમાર સાહુ સામે ફરિયાદ મળી. કેટલીક વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે સમીર કુમાર સાહુ તેમને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. એક છોકરીએ તો એમ પણ કહ્યું હતું કે શિક્ષકે બગીચા પાસે શારીરિક સબંધોની માંગણી કરી હતી. તે જ દિવસે વિદ્યાર્થીઓએ તેમને ઘેરી લીધા હતા અને પોલીસને બોલાવવામાં આવી હતી.
આચાર્યએ કહ્યું કે વિદ્યાર્થીઓની માંગણી પર અમે એક આંતરિક ફરિયાદ સમિતિની રચના કરી હતી. તેમાં વરિષ્ઠ મહિલા શિક્ષકો, પ્રતિનિધિઓ અને કેટલાક બાહ્ય સભ્યો હતા. સમિતિએ 7 દિવસમાં રિપોર્ટ આપ્યો હતો. જોકે કેટલીક વિદ્યાર્થીનીઓ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહી હતી. આજે વિદ્યાર્થી મને મળવા આવી. મેં તેને 20 મિનિટ સુધી સમજાવી પરંતુ તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તે વધુ રાહ જોઈ શકતી નથી અને અહીંથી ચાલી ગઈ. લગભગ 15-20 મિનિટ પછી ખબર પડી કે તેણીએ પોતાને આગ લગાવી દીધી છે.
એચઓડીની ધરપકડ, પ્રિન્સિપાલ સસ્પેન્ડ
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે એચઓડી સમીર કુમાર સાહુની ધરપકડ કરી. ઓડિશા સરકારે આ મામલે કોલેજ પ્રશાસનની ગંભીર બેદરકારી ગણીને પ્રિન્સિપાલ ઘોષને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે પ્રિન્સિપાલ ઘોષ પરવાનગી વિના શહેર છોડી શકતા નથી.