ખોટા જન્મ મરણ સહિતના સરકારી પ્રમાણપત્ર માટે માસ્ટર માઇન્ડે રૂપિયા આપી વેબસાઇટ બનાવડાવી
બોગસ જન્મના પ્રમાણપત્રમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ખોટા જન્મના દાખલા બનાવવા અન્ય લોકોને લિંક મોકલતા તરસાલીના ભેજાબાજની ધરપકડ
પ્રતિનિધિ વડોદરા તા.10
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી મહિલાનું બોગસ પ્રમાણપત્ર ઝડપાયું હતું.ત્યારબાદ ઘણા બોગસ જન્મના દાખલાના કેસો બહાર આવતા આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોપાઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ બોલાવીને બોગસ જન્મ મરણના પ્રમાણપત્ર બનાવવાના ગુનામાં માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરી છે. મૂળ બિહારના આરોપીએ રૂપિયા આપીને વેબસાઇટ ડેલવોપર્સ પાસે એક વેબસાઇટ બનાવડાવી હતી. જેના પર ખોટા સરકારી ડોક્યુમેન્ટસ બનાવાતા હતા. અન્ય ઠગ લોકોને આ લિંક વેચાતી આપીને ખોટા સરકારી પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ આચરતો હતો. જેથી પોલીસે વધુ તપાસ માટે આરોપીને બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં તાજેતરમાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં વારસીયા વિસ્તારમાં રહેતા તેજલબેન સંજય મારવાડીએ મહાકાળી વુડાના મકાન સામે આવેલી જય અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક દિપક પટેલ પાસે તેમના પતિ સંજુ મણીલાલ મારવાડીએ ખોટુ જન્મનું પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું. જે ખોટુ જાણતા હોવા છતાં તેજલબેને પાલિકાના વોર્ડ નંબર ચારમા આધાર કાર્ડ બનાવવા માટે રજૂ કર્યું હતું. જેમાં વારસીયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આ કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સોંપાઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીઓની પૂછપરછ કરતા સર્વેશ જયપ્રકાશ તિવારી (રહે.તરસાલી મૂળ બિહાર)નું નામ બહાર આવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે સર્વે તિવારીની ધરપકડ કરી પુછતાછ કરતા વેબસાઇટ ડેવલોપર્સને રૂપિયા આપીને તેણે એક વેબસાઇટ બનાવડાવી હતી. ત્યારબાદ આ વેબસાઇટ દ્વારા ખોટા બનાવટી જન્મ મરણના પ્રમાણપત્ર , માર્કશીટો, પાસપોર્ટ, આધારકાર્ડ જેવા અગત્યના સરકારી દસ્તાવેજ બનાવડાવતો હતો. વેબસાઇટમાં જન્મના પ્રમાણપત્ર માટેની એક લિંક આરોપી દિપક મંગળ પટેલ સહિતના લોકોને વોટ્સએપથી મોકલી આપતો હતો. ત્યારે આ ગુનામા દિપક પટેલે પણ વેબસાઇટનો ઉપયોગ કરીને ખોટુ જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ સર્વેશ તિવારીએ અન્ય લોકોને પણ આ લિંક મોકલી પોતાનો કારોબાર ચલાવતો હતો. જેથી પોલીસ દ્વારા આરોપી પાસેથી મોબાઇલ અને લેપટોપ કબજે કરી અગત્યના પુરાવા મેળવ્યા છે. જેથી અન્ય યુઝર્સ દ્વારા 500થી 1000 રૂપિયા લઇને ખોટા દાખલા બનાવી મોટુ કૌભાંડ ચલાવાતું હોય તેવી શંકાના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્વેશ તિવારીના બે દિવસના રિમાન્ડ પણ મળવ્યાં છે.
– બોગસ સરકારી ડોક્યુમેન્સ બનાવવાની વેબસાઇટના 268 યુઝર્સ
આરોપી સર્વેસ તિવારીના લેપટોપમાંથી અલગ અલગ રાજ્યોના લોકોના જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. આરોપી માસ્ટર માઇન્ડ હોય વેબસાઇટ ચલાવી ખોટા અગત્યના ડોક્યુમેન્સ બનાવતો હતો. ત્યારે આ વેબસાઇટમાં 268 યુઝર્સ જણાયા છે. ઉપરાંત આરોપી આધાર સેવા કેન્દ્રના નામથી સોશિયલ મીડિયા ગ્રૂપ પણ ચલાવતો હતો.