SURAT

ઈમ્પોર્ટેડ વિવિંગ મશીનરી મામલે SGCCIમાં મહત્ત્વની ચર્ચા થઈ

સુરતઃ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝના સૂચનને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે તા. ૮ જુલાઇ ર૦રપના રોજ ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા તથા સુરતના વિવિંગ અને એમ્બ્રોઇડરી મશીનના ઉપયોગકર્તાઓ સાથે મિટીંગ મળી હતી, જેમાં ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી, ઉપ પ્રમુખ અશોક જીરાવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાના એકઝીકયુટીવ ડિરેકટર સચિન અરોરા તથા ગુજરાતના મોટા ભાગના ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ ઉપસ્થિત રહ્યાં હતા.

ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી પર QTR રેગ્યુલેશનની અમલવારીને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે ત્યારે ટેક્ષ્ટાઇલની આખી વેલ્યુ ચેઇન સાથે સમન્વય સાધીને કેન્દ્ર સરકારને કયા કયા મુદ્દાઓ પર રજૂઆત કરી શકાય તે બાબતે આ મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉપયોગકારો દ્વારા આયાત કરવામાં આવતી ટેક્ષ્ટાઇલ મશીનરી સારી કવોલિટીની અને સસ્તી હોય છે એટલે તેઓ એના પર નિર્ભર હોય છે ત્યારે સુરતમાં વાર્ષિક ૧પ હજાર મોડર્ન વિવિંગ મશીનની જરૂર છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની માર્કેટ સાઇઝ ૩પ૦ બિલિયન ડોલરની આંકવામાં આવી છે ત્યારે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ટેક્ષ્ટાઇલ વિવિંગ મશીનરીમાં રૂપિયા ૪૦ હજાર કરોડનું રોકાણ તેમજ ૪ લાખ હાઇસ્પીડ વિવિંગ મશીનની જરૂર છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીનું ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે અને ભારતમાં જ ટેક્ષ્ટાઇલ મશીનરીનું ઉત્પાદન થઇ શકે છે. જોઈન્ટ વેન્ચરની સાથે ભારતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીનું ઉત્પાદન કરી શકાય તેમ છે. ટેક્ષ્ટાઇલ મશીનના ઘણા કોમ્પોનન્ટ ભારતમાં બનતા નથી, આથી તેની આયાત કરીએ ત્યારે એના પર ઇમ્પોર્ટ ડયૂટી લાગે છે ત્યારે ભારતના ટેક્ષ્ટાઇલ મશીનરી ઉત્પાદકો ઇમ્પોર્ટ ડયૂટી વગર કોમ્પોનન્ટ આયાત કરી ભારતમાં જ એસેમ્બલ કરે તો ભારતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની માંગને પહોંચી વળી શકાય તેમ છે તેવી ચર્ચા થઇ હતી.

ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ માટે સ્પેશિયલ પીએલઆઇ સ્કીમ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી શકાય તેવી પણ મિટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં સંશોધન કરી તેનું નિરાકરણ લાવવામાં આવે અને એને રેશનલાઈઝ કરવામાં આવે તેવી ચર્ચા થઈ હતી.

ઇપીસીજી (એક્ષ્પોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્‌સ) સ્કીમ અને મુવર્સ સ્કીમ વચ્ચેના તફાવતને દૂર કરવામાં આવે તેમજ ટેક્ષ્ટાઇલ મશીનરી ઉત્પાદકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સ્પેશિયલ સ્કીમ મળી રહે તે અંગે પણ ચર્ચા થઈ હતી. ડિમાન્ડ અને સપ્લાયનો અભ્યાસ કરવા સંદર્ભે પણ ચર્ચા થઇ હતી. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ માટે અલગથી પાર્કની માંગ કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની માર્કેટ સાઇઝ ૩પ૦ બિલિયન ડોલર સુધી કરવાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ૪ લાખ હાઇસ્પીડ વિવિંગ મશીનરીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ડોમેસ્ટીક મશીન મેન્યુફેકચરર્સની ક્ષમતા શું છે? એનો વિગતવાર રિપોર્ટ ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા પાસે માંગવામાં આવ્યો હતો.

મિટીંગમાં થયેલી ઉપરોકત ચર્ચા વિચારણા બાદ હવે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (TMMAI) સાથે મળીને બધા મુદ્દાઓ પર કામ કરશે અને સાથે મળીને જ કેન્દ્ર તથા રાજ્ય સરકારને વિવિધ મુદ્દાઓ પર રજૂઆત પણ કરશે. જ્યાં સુધી ડોમેસ્ટીક મેન્યુફેકચરર્સની પ્રોડકટની પરફોર્મન્સ વેલિડીટી નહીં થાય ત્યાં સુધી આયાતી મશીનરી પર કોઇ રોક લગાવવી જોઇએ નહીં તેમ પણ આ મિટીંગમાં નકકી કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top