સુરત: ભરૂચ-સુરત સેક્શન પર NH-48 ના તાપી બ્રિજ વિસ્તરણ સાંધાઓના સમારકામ માટે વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના એનાથી કિમ સુધીના સેકશનને ટ્રાફિક માટે ખુલ્લું મૂકવા અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર.પાટીલે કેન્દ્રીય હાઇવે અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને તાકીદની રજૂઆત કરી છે.
જો આ સેકશન ખુલશે તો મુંબઈથી આવતા વાહનચાલકો પલસાણા ચોકડીથી એના અને ત્યાંથી કિમ પહોંચી ત્યાંથી ફરી નેશનલ હાઈવે નં.48નો ઉપયોગ કરી શકશે. સંભવત: 24 કલાકમાં જ એક્સપ્રેસ વેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
- તાપી બ્રિજ પરના સમારકામ માટે ભરૂચથી સુરતનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાશે
- આ બ્રિજનો ભરૂચથી સુરત તરફનો ભાગ જર્જરીત હોવાની ધારાસભ્ય સંદીપ દેસાઈએ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલને રજૂઆત કરી હતી
- સીઆર પાટીલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી, કિમથી એનાનો એક્સપ્રેસ વે ખુલ્લો કરી ટ્રાફિકની સરળતા કરાશે
- સંભવત: 24 કલાકમાં નિર્ણય લઈ લેવામાં આવશે, સુરતથી ભરૂચ તરફ જનારા વાહનચાલકો તાપી નદી પરના બ્રિજનો ઉપયોગ કરી શકશે
તાજેતરમાં કામરેજના ખોલવડમાં તાપી નદી પરનો બ્રિજ વાહનચાલકો માટે જોખમી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ એનાથી કીમ સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકી કામરેજ બ્રિજનો સરવે કરવા સી.આર.પાટીલને રજૂઆત કરી હતી. જેને પગલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે એનાથી કીમ સુધી એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવા કેન્દ્રીય પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે.

હાલમાં કામરેજ નજીક નેશનલ હાઈવે 48 ઉપર આવેલા તાપી નદીના બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકીને વાહન વ્યવહાર ચાલું રાખવામાં આવ્યો છે. લોખંડની આ પ્લેટ વારંવાર ખસી જતી હોવાથી મોટી દુર્ઘટનાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ બ્રિજ જર્જરિત બન્યો છે. આ બ્રિજ પર બે ફૂટના ગેપને પુરવા તંત્ર દ્વારા બ્રિજની વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે.
હવે 24 કલાક અને 365 દિવસ આ ઓવરબ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાં રહે છે. ત્યારે ભારે વાહનો બ્રિજ પરથી પસાર થાય ત્યારે લોખંડની પ્લેટ વારંવાર ખસી જાય છે. નેશનલ હાઇવે પરથી રોજિંદા સરેરાશ સવા લાખથી વધુ વાહનો પસાર થઈ રહ્યા છે. કામરેજના બ્રિજ ઉપરથી લાખો વાહનો પસાર થતાં હોવાથી આ બ્રિજ બંધ કરવો અશક્ય છે. ત્યારે સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે કાર્યરત કરી આ બ્રિજને બંધ કરી શકાય તેમ છે.
તાપી નદી પરના બ્રિજના સમારકામ માટે 35થી 40 દિવસનો સમય લાગે તેમ છે, કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે
તાપી નદી પરના જે બ્રિજનું સમારકામ કરવાનું છે તેમાં 3 લેન, ફુટપાથની સાથે સાથે 11 સ્પેન્સ નવેસરથી તૈયાર કરવાની છે. બ્રિજમાં એક્સપાન્શન જોઈન્ટ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. હાલમાં પિયર નંબર P-6 ઉપર મોડ્યુલર એક્સપાન્શન જોઈન્ટ પર 20 મીમી સ્ટીલ પ્લેટ મૂકીને તેનું સંચાલન કરવામાં આવે છે.
હાઈવે ઓથોરિટીએ તાજેતરમાં જ મે. જે ઇન્ફ્રાટેક લિમિટેડને આ બ્રિજની સાથે અન્ય બ્રિજના પુનર્વસન અને સમારકામ માટેનો રૂપિયા 598.50 કરોડનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. જેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાકટરને આ બ્રિજ પર ક્ષતિગ્રસ્ત એક્સપાન્શન જોઈન્ટ બદલવા માટે 35 થી 45 દિવસનો સમય લાગે છે. એક્સપાન્શન જોઈન્ટ બદલવા માટે ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર લઈ જવો પડે તેમ છે. જ્યારે સુરતથી ભરૂચ તરફ નેશનલ હાઈવે નં.48નો ઉપયોગ થઈ શકશે. એનાથી કિમના એક્સપ્રેસ વે પર હાલ પૂરતો ટોલ ઉઘરાવાશે નહીં. આગામી 24 કલાકમાં ટ્રાફિકને એક્સપ્રેસ વે પર મોકલવામાં આવે તેવી સંભાવના છે.