દર શુક્રવારે કિસ્મત ચમકાવતા સિલ્વર સ્ક્રિન પર આ અઠવાડિયે એક ચમકદાર કિસ્મત સાથે જન્મેલી કપૂર નામધારી સ્ટારની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. વિક્રાંત મેસી અને શનાયા કપૂર અભિનીત ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયા’થી સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી ડેબ્યુ કરશે. કપૂર પરિવારમાં જન્મી છે એટલે ફિલ્મ તો આવવાની જ હતી પણ 25 વર્ષની શનાયાની કારકિર્દી બીજી કપૂર દીકરીઓ કરતા મોડી શરૂ થઇ એમ કહી શકાય. શનાયાનાં ડેબ્યુ પહેલા જ ખુશી કપૂર ડેબ્યુ કરી ચુકી છે, જે જાન્હવી કપૂરની બહેન છે.
તો શનાયા તે જાન્હવીની કઝીન સિસ્ટર છે. અને બીજી ઓળખ તે સુહાના ખાન અને અનન્યા પાંડેની બેસ્ટ ફ્રેન્ડ છે એમ પણ કહી શકાય. આ ફિલ્મ એક મ્યુઝિકલ લવસ્ટોરી છે. ફિલ્મનાં ટ્રેલરને તો ઑડિયન્સ તરફથી પોઝિટિવ રીવ્યુ મળ્યો છે. ફિલ્મ રોમાન્સ અને ગીતથી ભરપૂર હોવાનો મેકર્સનો દાવો છે. એમ તો ફિલ્મના પ્રોડ્યુસર માનસી બગલાનો દાવો એવો પણ છે કે શૂટિંગ પૂરૂ કરવાં તેની કેટલીક કિંમતી પ્રોપર્ટીઓ, ઘર અને કેટલાક ઘરેણાં વેચવા પડ્યા હતાં! પરંતુ તેને કોઈ અફસોસ નથી. (આ અફસોસની વાત ઑડિયન્સ ફિલ્મ જોયા પછી કહે તો જ તેનાં પ્રોડ્યુસરને તે પ્રોપર્ટી ફરી મળશે બાકી અફસોસ જ રહેશે) શનાયા પાસે ઇન્ડસ્ટ્રી કે ઑડિયન્સને કેટલી ઉમ્મીદ હશે તે ખબર નથી પણ કપૂર પરિવારને છે જ.
કારણ કે મોટા ભાગનાં કપૂર સંતાનો હિટ નથી રહ્યાં- જેમાં સોનમ, હર્ષવર્ધન, ખુશીનાં નામ જોડી શકો છો. અર્જુન તો હજી કરિયર ટકાવી રાખવા મથી રહ્યો છે તો મોટી બહેન જાન્હવી સારું કામ કરી રહી છે. એમાં શનાયા પાસેથી પપ્પા સંજય અને મહીપને ઘણી આશા હશે. એમ તો શનાયાનાં લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ કરન કોઠારીને પણ ઘણી ઉમ્મીદ છે- શનાયાને સપોર્ટ કરવા તેણે સોશ્યલ મીડિયામાં સ્ટોરી મૂકી હતી જેમાં તે શનાયા માટે કહીં રહ્યો હતો કે તેણે જીવનમાં કોઈ શોર્ટકટ નથી લીધો, આ તક તેણે જાતે કમાઈ છે!
આ વાત સાંભળી સોશ્યલ મીડિયામાં તે ઘણો ટ્રોલ થયો. તો ‘નેપોકિડ’ નામની ટર્મ ફિલ્મી પરિવારમાંથી આવતા આ સેલેબ્રિટી સંતાનો માટે કઈ રીતે અડચણ ઊભી કરે છે તે સાબિત થાય છે. પહેલી ફિલ્મથી તે હિટ જાય તે શક્યતા ઘણી ઓછી છે. જો કે તેમને ઘણી તક મળતી હોય છે એટલે 3-4 ફિલ્મ રિલીઝ થાય તે પછી આપણે શનાયાની એક્ટિંગ વિષે અનુમાન લગાવી શકીયે છે. બાકી શનાયા પાસે આ પહેલી ફિલ્મ રિલીઝ થયા પછી અત્યારથી 4 ફિલ્મોના પ્રોજેક્ટ તો છે જ. •