Entertainment

સુરતમાં જન્મયો પણ આજે અહીં ફરવા GPS વાપરવું પડે છે : ગૌરવ પાસવાળા

ગુજરાતી અને મૂળ સુરતના એવા રાઇટર, એક્ટર ગૌરવ પાસવાળાની સિધ્ધિઓ આપણે માટે ખરેખર ગૌરવની વાત છે. હાલમાં તેમની ફિલ્મ ‘ડેડા’ના પ્રીમિયર વખતે વતનની મુલાકાત દરમિયાન તેમણે ખાસ ‘ગુજરાતમિત્ર’ સાથે દિલ ખોલીને વાતો કરી… એક્ટિંગ પ્રત્યેના તેમના ‘પ્રેમ પ્રકરણ’ની, ફિલ્મોની અને સુરતની…
લોકો જે સવાલ પૂછે છે, તે જ પૂછી લઉં તો કેટલી ફિલ્મો આવી રહી છે?
આખા મહિનામાં જેટલા શુક્રવાર છે આટલી તો ખરી જ, પાછલા મહિનાથી શરુ કરી જુલાઈના દર બીજા ફ્રાઈડે ફિલ્મ રિલીઝ થવાની છે. અત્યારે તો ડેડા, જલેબી રોક્સ, વેલડન C.A સાહબ થિયેટરમાં ચાલી રહી છે અને બીજી ફિલ્મો પણ રિલીઝ થશે. જે ઑગસ્ટનાં ફર્સ્ટ વિક સુધી આમ જ ચાલશે.

એક સાથે આટલી બધી ફિલ્મ કરવાનો અનુભવ કેવો રહ્યો? 
એમ તો બધી ફિલ્મનાં શેડ્યૂલ અલગ અલગ જ હતા. થોડા થોડા સમય બાદ આ બધી ફિલ્મો શૂટ થઇ છે. પણ આ તમામ ફિલ્મમાં મારો ફિઝિકલ લૂક અલગ છે એટલે એ માટે થોડી મહેનત કરવી પડી.
આવા અલગ કિરદાર પ્લે કરવા શું તૈયારી કરો? એક્ટિંગ ક્રાફટ ગોડ ગિફ્ટ હોય?
બિલકુલ જ નહીં, હું સ્પોર્ટ્સ મેન છું એટલે મહેનતમાં જ માનુ છું. મેં NIDA (ઓસ્ટ્રેલિયા) અને બીજી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગની પ્રોપર તાલીમ લીધી છે, મુંબઈમાં હિન્દી થિયેટર કર્યું અને લગભગ 5 વર્ષ આ એક્ટિંગનો ક્રાફ્ટ શિખવા સમય આપ્યો છે. 

તો આ સ્ક્રિપ્ટ કઈ રીતે પસંદ કરો છો?
મારા માટે વાર્તા મહત્ત્વની છે. જો મને વાર્તા ગમે તો મારા તરફથી ગ્રીન સિગ્નલ હોય છે. તમે જોશો મારી ઘણી ફિલ્મ મલ્ટીસ્ટારર પણ છે, તો જલેબી રૉક્સમાં હું ગેસ્ટ અપિયરન્સમાં હતો. જો એ વાર્તમાં મારા કિરદારનું મહત્ત્વ છે તો મને પસંદ પડે છે.

તો એવું નથી લાગતું કે આવી અલગ સ્ક્રિપ્ટનાં કારણે તમને ‘સુપર સ્ટાર’નું ટેગ નથી મળ્યું?
આવી ફિલ્મો કર્યા પછી પણ એ ટેગ નથી મળ્યું, મને એનાથી ફરક પણ નથી પડતો મારે સુપરસ્ટારનું ટેગ જોતું નથી! મને બસ કામ કરવું છે. હું આ માટે મારી પસંદ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો અને મેં મારો રસ્તો અલગ પસંદ કર્યો છે બસ એટલું જ. હું રોડ પર જાઉં તો કદાચ પબ્લિક મને નથી ઓળખતી પણ મારી ફિલ્મોને જાણે છે! એ વધારે મહત્ત્વનું છે.
તો શું તમે તમારા કામથી ખુશ છે?
હા, હા… હું તો બહું ખુશ છું, પહેલાં જ કહ્યું મારે પેલી સ્ટારવાળી રેસમાં દોડવું જ નથી. મેં ચેલેન્જિંગ સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. બોક્સઓફિસની વાતોથી હાલ દૂર છું. ક્રાફટ એ મારુ કામ છે અને એમાં હું બેસ્ટ કરી રહ્યો છું.

તો ગુજરાતીમાં કેવી ફિલ્મો કરવી છે?
જેવી હું કરી રહ્યો છું તેવી જ! કોઈ પણ એવો રોલ જે કરવો ચેલેન્જિંગ હોય એ ફિલ્મ કરવી છે.
ગુજરાતી ઑડિયન્સને કઈ રીતે જુઓ છો ?
ઑડિયન્સ સમજદાર જ હોય છે. અત્યારે જુઓ તો થિયેટરમાં કેવી અલગ ફિલ્મો ચાલી રહી છે! અત્યાર સુધી જે હિટ થઇ છે તે બધી અલગ પ્રકારની ફિલ્મો છે. તમે જો સુપરસ્ટારની વાત કરતા હોવ તો 2025માં રિલીઝ થયેલી ફિલ્મ જે ચાલી તેમાં કયો સુપર સ્ટાર હતો? છતાં ઑડિયન્સ જોવા જાય છે. અને એક ફિલ્મનાં ચાલવા પાછળ સ્ટારફેસ સિવાય ઘણાં પરિબળો હોય છે.

તો ગૌરવ પાસવાલાને ફિલ્મમાં એન્ટ્રી પાસ કઈ રીત મળ્યો?
યાર હું તો સુરતમાં કોલેજ પછી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો, ત્યાં ડિગ્રી લીધી, કામ કરતો અને ઉપરથી બહું શરમાળ પ્રકૃતિનો! પછી મારી અંદર કંઈક હશે એટલે 22 વર્ષે જ્યારે ભણવાનું પૂરું થયું પછી વિચાર આવ્યો કે બીજું કામ કરવાનું રિસ્ક તો લઈએ! એટલે ઑસ્ટ્રેલિયામાં એક્ટિંગ શીખ્યો અને કામ પણ કરતો પછી મારા ટીચરે મને મુંબઈ જવા કહ્યુંને હું આવ્યો. જોકે કંઈ ખાસ મેળ પડ્યો નહીં- એ દરમ્યાન ઘણી બધી કંપની માટે એડ્વર્ટાઇઝમાં દેખાયો, ટીવી સિરિયલ પણ કરી. ને હું ફરી ઑસ્ટ્રેલિયા ગયો, ત્યાંથી ફરી 6 મહિના માટે આવ્યો મુંબઈ! આ 6 મહિનામાં પણ કંઈ મજા ન આવી એટલે હું તો ફરી ઑસ્ટ્રેલિયા જવાનો હતો! ત્યાં એક દોસ્તનાં ઑડિશનમાં તેની સાથે ગયો. બહાર રાહ જોતો હતો ને એક ક્રૂ મેમ્બર આવ્યો મને ઑડિશન માટે લઇ ગયો! ને ફિલ્મમાં થાય તેમ જ, અચાનક ઓફર મળી, સ્ક્રિપ્ટ વગર મેં ઑડિશન આપ્યું પછી ભૂલી ગયો જ્યારે ઑસ્ટ્રેલિયા જવા નીકળતો હતો તે પહેલા ફિલ્મની ઓફર મળી! તે હતી ‘6-5=2’

સુરતમાં ફિલ્મ શૂટ કરવાનો અનુભવ કેવો રહ્યો? સુરત તો સુરત છે. અહીંયા જ જન્મ થયો, ભણ્યો એ જ શહેરમાં કામ કરવાની મજા કોને ન આવે! અમે ચૌટાબજાર, ગોપીતળાવ અને એવા ઘણા બધા લોકેશન પર શૂટ કર્યું જે કદાચ પહેલા ગુજરાતી ફિલ્મમાં જોવા નહીં મળ્યા હોય. પણ હમણાં ઘણા સમયથી દૂર થઈ ગયો છું, ખરાબ વાત તો એ છે કે મારે હવે સુરતમાં જવા માટે GPS યુઝ કરવું પડે છે! સુરત ઘણું મોટું થઇ ગયું છે. બાકી સુરતના લોકો અને ચા મારી હજી ફેવરિટ છે. તો જ્યારે ફિલ્મ નથી કરતા ત્યારે શું કરો છો? હું લખું છું, વર્કઆઉટ અને ટ્રાવેલ પણ કરું. જોકે સૌથી વધારે ટાઈમ તો હું લખવા અને જીમમાં જ વિતાવું છું. મમ્મી પપ્પા સાથે પણ સમય વિતાવો જરૂરી છે.. તો બસ એ જ કરું… •

Most Popular

To Top