Charchapatra

વૃક્ષારોપણ

જંગલોના આડેધડ વિનાશને કારણે આપણે સૌ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક તાપ વૃદ્ધિ (ગ્લોબલ વોર્મિંગ) અને ઋતુઓની અનિયમિતતા માટે પ્રદુષણની સાથે સાથે જંગલોનું ઘટતું જતું પ્રમાણ પણ વિશેષ જવાબદાર છે. અનુકૂળ આબોહવા અને યોગ્ય વાતાવરણ માટે કુલ જમીન વિસ્તારના ૩૩ ટકા વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે. જ્યારે એક અંદાજ મુજબ આપણા ભારત દેશમાં કુલ જમીન વિસ્તારના ૨૩ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે અને ગુજરાતમાં તો માત્ર ૧૦ ટકા વિસ્તારમાં જ જંગલો આવેલા છે. આજે આપણા દેશને ૪૦૦ કરોડથી પણ વધુ વૃક્ષોની જરૂર છે. મૌસમી આબોહવા ધરાવતા આપણા દેશમાં જુલાઈ માસ વરસાદથી ભર્યો ભર્યો રહે છે.

આ માસ દરમિયાન જો વૃક્ષારોપણ કરવામાં આવે તો વૃક્ષોનું પ્રમાણ વધવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો, શૈક્ષણિક તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા જો વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવે તો પર્યાવરણની ઉમદા સેવા થઇ શકે. ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વાડાની ખુલ્લી પડતર જમીન પર રસ્તાઓની બન્ને બાજુ તથા રેલ્વે લાઈનની આજુબાજુની જગ્યાઓ પર વૃક્ષારોપણ કરી શકે છે. જ્યારે શહેરી વિસ્તારના લોકો પણ પોતાના ઘરની અગાશી પર કે ફ્લેટની ગેલેરીમાં તુલસી એલોવીરા તથા નાના-મોટાં ફૂલછોડ ઉછેરીને પર્યાવરણની સુરક્ષામાં સહભાગી થઇ શકે છે. વૃક્ષોના જતન માટે કટિબદ્ધ થઇએ.
જહાંગીરાબાદ , સુરત – પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top