Charchapatra

માણસ ફૂટે છે ત્યારે..

વડોદરા-પાદરા વચ્ચે મહીસાગર નદી પરનો વધુ એક બ્રિજ તૂટી પડ્યો, નિર્દોષોના મોત થયાં. નફ્ફટ, નઘરોળ, અસંવેદનશીલ તંત્રને ખાસ કંઈ ફરક પડતો નથી. આગ લાગે, બ્રિજ તૂટે, નિર્દોષો મૃત્યુ પામે! તપાસ.. તપાસ.. તપાસ.. નકરું નાટક. ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, કડક પગલાં લેવાશે  એ જ તકિયા કલામ! ભૂલમાંથી ક્યાં શીખવું જ છે. કશું નક્કર કરવાનું વૃત્તિ જ નથી. ફરી ફરી ઘટનાઓનું પુનરાવર્તન. માણસ ફૂટે છે ત્યારે નિર્દોષો મરે છે, પરિવાર નોંધારો થાય છે. કોને પડી છે..! જેની ગોદડી જાય એને જ ટાઢ વાય. આપણે ય એવાં ને એવાં. તક મળે એનો ઉપયોગ નથી કરતાં, હવે રાજ્યના બધા બ્રિજની ચકાસણીનું નાટક શરૂ થશે. રિપોર્ટ મંગાવાશે. પછી આગળ શું? નવી દુર્ઘટનાની રાહ જોવાની?
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્માર્ટ રાજ્યપાલોની દેશને જરૂર પડશે
સર્વોચ્ચ અદાલતના એક કેસમાં રાજ્યપાલ તરફથી લાંબા સમયથી અનુમતિ માટે રાખી મુકેલ ખરડાઓ માટે જે હુકમ કરેલ છે, તે સાથે મહામહિન્ રાષ્ટ્રપતિ માટે પણ એમનાં સમક્ષ રજૂ થતા ખરડાઓ માટે સમયસીમા બાંધી છે. જે બાદ દેશમાં હંગામો થયો એ સમાચારની આપણે ચર્ચા વિચારણા પણ કરી છે. હવે બંધારણ નિષ્ણાંતોના અભિપ્રાય પણ મળેલ છે. દેશનું બંધારણ જ સર્વોચ્ય છે.

દરેક તંત્ર પોતાની મર્યાદામાં રહે એવું દરેક નાગરિકો, જેઓ દેશને વફાદાર કહી શકાય એમની ઈચ્છા આ જ હોય શકે. મૂળ વાત પરિવર્તનનાં સમયમાં સ્માર્ટ ફોનવાપરતા થયાં ત્યારે આ પ્રકારની જવાબદાર પદ ઉપર બહોળો રાજકીય અનુભવ ધરાવતા, યોગ્ય શિક્ષણ પામેલા અને કાયદાનું વિશેષ માર્ગદર્શન મેળવવાની આવડત – ઈચ્છા રાખનારાઓ રહે તો કેટલાંક રાજ્યોમાં જે સંઘર્ષ પેદા થયો તે ન થાય. સંવાદ અને બંધારણે સુચવેલ હક્ક – ફરજ અને સિધ્ધાંતોનો વિવેક રાખી અનુસરે તો ઝડપથી ઘણું થઈ શકે.
નવસારી           – મનુભાઈ ડી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top