જીવનમાં ગુરુનો મહિમા અને મહત્ત્વ ઘણા અગત્યના છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ સુધી દોરી જાય એ ગુરુ. કોઈ પણ વ્યક્તિ પાસેથી સાચું અને સારું જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણા ગુરુ પછી એ નાનું શિશું કેમ ન હોય! ગુરુઓના ગુરુદત્તાત્રેય પ્રભુના પણ ચોવીસ ગુરુ હતા. સાચા અને શ્રેષ્ઠ ગુરુ શિષ્યને નિ:સ્વાર્થ ભાવે ઉત્તમ જ્ઞાન પ્રદાન કરતાં હોય છે, જ્યાં શિષ્ય તરફથી એમને કોઈ લોભ કે લાલચની અપેક્ષા હોતી નથી. ગુરુ સંપત્તિવાન નહીં પણ સદગુણસભર હોવા જરૂરી. વર્તમાન સમયમાં ગુરુઓ બી.એમ.ડબ્લ્યુ કારમાં વિહાર કરતા જણાય છે! એમની સંપત્તિ કરોડોમાં હોય છે. ગુરુ વ્યવસાય પણ કરતા હોય છે અને એમના આશ્રમ પણ પંચતારક હોય છે!
આ તમામ સુવિધાઓ શિષ્યોના કારણે જ હોય છે! એક-બે હાથચાલાકીના ચમત્કાર દર્શાવે એટલે ગાડરિયો પ્રવાહ એમના પંથ તરફ વહેતો થઈ જાય! શ્રેષ્ઠ ગુરુ સંપત્તિનો સદઉપયોગ કરી માનવતાલક્ષી કાર્યો કરતા હોય છે. ઘણા ગુરુ મહિલા શિષ્યાઓને મોહાંધ બનાવી એમનો ગેરલાભ લેતા પણ જણાય છે, પછી જેલના સળિયા પણ ગણતા હોય છે! એવા ગુરુ પ્રત્યે કેવી રીતે સન્માનની ભાવના થઈ શકે? ગુરુની દૃષ્ટિ નિર્મળ હોવી જરૂરી. જે જ્ઞાન સાથે શિષ્યને સાચા માર્ગ દોરી શિષ્યનું જીવન ઉર્ધ્વગામી બનાવે. શિષ્યના ચારિત્ર્યનું ઘડતર કરે. શિષ્યા કે વિદ્યાર્થીનીને પુત્રીની દૃષ્ટિએ નિહાળે. સાચા ગુરુની શોધ અને પ્રાપ્તિ માનવીની વિચારશીલતા પર પણ આધારિત હોઈ શકે. વ્યક્તિપૂજા વિચારીને કરવી આવશ્યક.
ન્યૂ રાંદેર રોડ, સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.