રાઘવ બિઝી બિઝનેસમેન હતો, છતાં રોજ રાત્રે પોતાના સાત વર્ષના દીકરા અયાનને ‘એક નવી સ્ટોરી’ કહીને પોતે જ સુવડાવે. રાઘવની વાર્તા કહેવાની રીતમાં એક ખાસિયત હતી કે રાઘવ જે પણ વાર્તા કહે તેનો હીરો અયાન જ હોય. કોઈ દિવસ રાઘવ અયાનને કહે કે તું ‘સુપર મેન’ છે. આજે તું ‘અલીબાબા’ છે. આજે તું ‘બેટ મેન’ છે. વગેરે વગેરે આમ વાર્તા કહીને રાઘવ રોજ અયાનના મનમાં વિશ્વાસ રોપે કે તે બેસ્ટ છે. તે હીરો છે. તે કઈ પણ કરી શકે છે. તેના માટે કંઈ જ અશક્ય નથી અને ડેડી પાસેથી વાર્તા સાંભળીને અયાન પણ એક આત્મવિશ્વાસ અને આનંદ સાથે શાંતિથી સુઈ જાય અને પોતે સુપરહીરો છે તેવા સુંદર સપના જુએ.
એક દિવસ રાઘવને કામમાં બહુ મોડું થયું, અયાન રાહ જોઇને થાક્યો અને તેની મમ્મીએ માંડ માંડ સમજાવીને તેની સુવડાવ્યો. મોડી રાત્રે રાઘવ આવ્યો તેણે પૂછ્યું અયાન સુઈ ગયો? પત્નીએ કહ્યું હા, બહુ સમજાવ્યો ત્યારે સુતો છે. રાઘવ અને તેની પત્ની કોફી પીતા બેઠા હતા, ત્યાં અચાનક અયાન ઉઠીને તેની રૂમમાંથી બહાર આવ્યો. રાઘવે કહ્યું, ‘શું થયું દીકરા, કેમ ઉઠી ગયો?’ અયાન બોલ્યો, ‘ડેડી, આજે મમ્મીએ તમારી જેમ સ્ટોરી નથી કીધી એટલે મને બરાબર ઊંઘ આવતી નથી. આજે હું કોણ છું તે મને ખબર નથી એટલે સપના પણ આવતા નથી. તમારી પાસેથી સ્ટોરી નથી સાંભળી એટલે.’ રાઘવ તરત ઊભો થયો અને અયાનને તેડી લઈને સ્ટોરી કહેતા કહેતા તેની રૂમમાં લઇ ગયો. એક સરસ સુપર હીરોની સ્ટોરી સાંભળી અયાન સુઈ ગયો.
આ વાત નાનકડી છે પણ એક પેરેન્ટિંગ મેસેજની સાથે સાથે એક ઊંડી જીવન સમજ પણ આપે છે. રોજ તમે તમારા બાળકને, તે કોઇ પણ ઉંમરનું હોય અચૂક કહો કે તે ‘બેસ્ટ’ છે. તે સુપર હીરો છે. તો તેનો આત્મવિશ્વાસ વધશે અને તે બેસ્ટ બનશે. હવે વધુ સમજવા જેવી વાત- જીવનમાં સતત આગળ વધવા તમારા મનને એક બાળક ગણો અને રોજ પોતાની જાતને એક સુપર હીરો વાર્તા અચૂક કહો. મનને સમજાવો અને વિશ્વાસ આપો કે તમે પોતે બેસ્ટ છો. જીવનની નાની મોટી દરેક મુશ્કેલીઓની સામે તમે સુપર હીરોની જેમ લડીને જીતી જશો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધતા જશે અને તમે સાચે જ જીવનના દરેક કદમ પર જીતતા જશો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.