Comments

સેલ્ફી લેતા પહેલાં સ્વવિવેક શીખવો જરૂરી છે

ટેક્નોલોજીનાં વર્તમાન સમયમાં કેટલાક એવા શબ્દો ચલણી બન્યા કે જેના અનુવાદની કે એનો અર્થ સમજાવવાની કશી જરૂર ન પડે. આવો એક શબ્દ છે ‘સેલ્ફી’. 2002માં નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો હતો. હવે તો આ શબ્દ અને પ્રથાનું ચલણ એ હદે વ્યાપક બની ચૂક્યું છે કે લોકો કોઈ પણ સ્થળે અને સમયે ‘સેલ્ફી’ ખેંચીને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકતા થઈ ગયા છે. જાણેઅજાણે તેઓ પોતાની અંગત અને વ્યક્તિગત ક્ષણોને આ રીતે જાહેર કરી રહ્યા છે. આ પ્રથાનું વળગણ એટલું પ્રસરી ચૂક્યું છે કે તે ‘ન્યૂ નોર્મલ’ બની રહી છે.

‘સેલ્ફી’ ખેંચવા અને તેને જાહેર માધ્યમ પર મૂકવા પાછળની માનસિકતા કંઈક એવી કહી શકાય કે પોતે અન્યોથી વિશેષ છે અને દુનિયાને તેઓ બતાવવા માગે છે કે કેવા વિશિષ્ટ સ્થળ સુધી પોતે પહોંચ્યા છે. ‘સેલ્ફી’ કોઈ પણ સ્થળની હોય, એને જાહેરમાં મૂકવા પાછળની માનસિકતા મોટે ભાગે આનાથી અલગ હોતી નથી. આ માનસિકતાને કારણે જે તે સ્થળની ગરિમા જળવાતી નથી. આ આખા મામલે સૌથી વધુ ભોગ લેવાતો હોય તો સામાન્ય વિવેકનો. આ સમસ્યા કોઈ એકલદોકલ સ્થળ કે ત્યાંના લોકોની નહીં, બલકે વિશ્વવ્યાપી છે એમ કહી શકાય. વખતોવખત વિવિધ દેશોના આ પ્રકારના કિસ્સા પ્રસારમાધ્યમોમાં ચમકતા રહે છે.

જૂન, 2025માં ઈટાલીના ફ્લોરેન્‍સ શહેરની ઉફીઝી આર્ટ ગેલરીમાં એક વિચિત્ર બનાવ બન્યો. ઈટાલીના તસ્કેની પ્રાંતની રાજધાની એવું ફ્લોરેન્‍સ શહેર ચૌદમીથી સોળમી સદી દરમિયાન કળાના નવજાગરણનું મુખ્ય કેન્‍દ્ર બની રહ્યું હતું. આ શહેરમાં આવેલી, ત્રણસો વર્ષ પુરાણી ઉફીઝી ગેલરીમાં ગોયા, ટીયેપોલો, કેનેલેતો જેવા ખ્યાતનામ ચિત્રકારોની અસલ કૃતિઓ પ્રદર્શિત કરાયેલી છે, જેની મુલાકાતે વિશ્વભરમાંથી અનેક પ્રવાસીઓ આવતા રહે છે.

વિખ્યાત ચિત્રકાર એન્‍તોન દોમેનીચી ગેબીઆનીએ ઈ.સ.1712માં ચીતરેલું તસ્કન રાજકુંવરી ફર્દિનાન્‍દ દ મેદીચીનું ચિત્ર અહીં પ્રદર્શિત છે. એક પ્રવાસીએ આ ચિત્ર આગળ ઊભા રહીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો અને એમાં સંતુલન ગુમાવતાં તે ચિત્ર તરફ ગબડ્યો. કેનવાસ પર દોરાયેલા એ અસલ ચિત્રમાં આને કારણે કાણું પડી ગયું. એ પ્રવાસીને પકડીને પોલિસને હવાલે કરાયો છે, અને ગેલરીને થોડો સમય માટે બંધ કરવામાં આવી છે.

પ્રવાસી પર પોલિસ કાર્યવાહી થશે, પણ ચિત્રને જે નુકસાન થયું એનું શું? થોડા સમય પહેલાં વેરોના શહેરની પાલાઝો મેફાઈ ગેલરીમાં પણ એક દુર્ઘટના બની હતી. ખ્યાતનામ ડચ ચિત્રકાર વિન્‍સેન્‍ટ વાન ગોઘની અતિ જાણીતી કૃતિ પરથી પ્રેરિત થઈને નિકોલા બોલા નામના એક કલાકારે એની ‘ખુરશી’નું શિલ્પ બનાવેલું. એક દંપતિએ એની પર બેસવાની ચેષ્ટા કરતાં એ શિલ્પ તૂટી ગયું.

ગેલરી અને મ્યુઝિયમના સત્તાવાળાઓ કંઈ એકેએક કૃતિ માટે સલામતિની વ્યવસ્થા કરી શકે નહીં, કેમ કે, અતિ જાણીતાં આવાં કલાસ્થાનોએ પ્રવાસીઓનો ધસારો પુષ્કળ રહેતો હોય છે. મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવો પણ વ્યવહારુ નથી. કેવળ કડક કાયદો પણ અહીં ચાલી શકે એમ નથી. આ સંજોગોમાં પ્રવાસીઓએ જ કેળવાવું પડે. પ્રવાસીઓએ આવા ઐતિહાસિક સ્થળની ગરિમા જાળવવી જરૂરી છે. તેનું માહાત્મ્ય સમજાય, મૂલ્ય ખબર પડે તો કદાચ એ આવી ચેષ્ટા કરતાં કદાચ વિચારે. જો કે, ટેક્નોલોજી જે ઝડપે પ્રસરીને હાથવગી બની રહી છે એમાં સારાસારનો વિવેક લુપ્ત થઈ ગયો છે. લોકો હજી ટેક્નોલોજીની એક વિશેષતાથી પરિચીત થાય, ટેવાય એ પહેલાં તો નવું પાસું ઊમેરાઈ જાય છે. આવામાં વિવેક કેળવાય શી રીતે? આવી બાબતે કાનૂન બનાવવા મુશ્કેલ છે, કેમ કે, એ અંગેનો ખરડો પસાર થઈને કાનૂન બને એ પહેલાં તો ટેક્નોલોજી ક્યાંય આગળ નીકળી ગઈ હોય.

જાહેર પરિવહનનાં સાધનોમાં મુસાફરી કરનાર સૌ કોઈનો અનુભવ હશે કે કોઈ ને કોઈ સહપ્રવાસી પોતાના ફોનમાં રીલ જોઈ રહ્યો હોય અને ફોનનો અવાજ ખૂબ ઊંચો હોય. આને લઈને નીપજતો ત્રાસ એટલો હોય છે કે સહન કરવો મુશ્કેલ થઈ પડે. એવા જણને અવાજ ધીમો કરવાનું કહેવામાં આવે તો મોટા ભાગના કિસ્સામાં એ નારાજ થઈ જાય એવી શક્યતા રહે છે. કોઈક સ્થળની મુલાકાતની યાદગીરી તરીકે ત્યાં તસવીર ખેંચાવવી અને કોઈ સ્થળે ‘સેલ્ફી’ લેવી એ બન્નેમાં થોડો તફાવત છે. ‘સેલ્ફી’માં કેન્‍દ્રસ્થાને ‘સેલ્ફ’ એટલે કે ‘સ્વ’ હોય છે, અને તેનો મુખ્ય હેતુ અંગત યાદગીરી નહીં, પણ ઘોષણા માટે હોય છે. અનેક લોકોને કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો શોખ હોય છે.

આવી તસવીરોમાં ઘણી બધી વાર એ જાણીતી વ્યક્તિનું ધ્યાન સુદ્ધાં ન હોય અને તેમની સાથે તસવીર ખેંચીને તેને જાહેર માધ્યમમાં મૂકવામાં આવે છે. એ તસવીર ‘સેલ્ફી’ લેનારની મૂર્ખામીને જ ઉજાગર કરે છે. ગમે તે સ્થળે, પોતે પોતાની તસવીર ખેંચવાની લ્હાયમાં ઘણી બધી વાર સામાન્ય વિવેક અને સામાન્ય બુદ્ધિ કોરાણે મૂકાઈ જાય છે. સંવેદનશૂન્યતા અને દેખાડાબાજી આવી તસવીરોમાં સાફ ઝલકે છે. ટેક્નોલોજી અનેક સુવિધા આપે છે, પણ એના ઊપયોગ માટેનો સ્વવિવેક આપણે કેળવવો પડે. એમ કરવા માટે કોઈ વિશેષ સમજણની નહીં, સાદી સમજણ કાફી છે. નાગરિકધર્મના ઘણા પાઠ હવે નવેસરથી કેળવવાનો આ સમય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top