Nasvadi

આમ ભણશે ગુજરાત! વાલીના ખભે બેસી અશ્વિન નદી પાર કરી ભણવા જતા બાળકો

નસવાડી: નસવાડી તાલુકાના પોથલીપુરા ગામે પ્રાથમિક શાળાના અભ્યાસ માટે જીવના જોખમે અશ્વિન નદી ઓળંગીને માતા પિતા બાળકોને ખભે ઉંચકી નદી પાર કરાવે છે. સરકારે દોઢ વર્ષ પહેલા પૂલની દરખાસ્ત મંગાવી હતી. પરંતુ હજુ સુધી પુલ ની કામગીરી શરુ ના થતા લોકોમાં આક્રોશ છે.



નસવાડી તાલુકાનું પોથલીપુરા ગામ બે ભાગમાં વહેચાયેલું છે. આ છેડે પ્રાથમિક શાળા આવેલી છે અને સામેના છેડે 40થી વધારે મકાનો આવેલા છે. આ છેડે 300 જેટલા લોકોની વસ્તી છે, જયારે પ્રાથમિક શાળા વાળા વિસ્તારમાં 100 જેટલા લોકોની વસ્તી છે. નદીના સામે કિનારે રહેતા લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે દરરોજ એક કિલોમીટર નદીના કમર સુધી પાણીમાં બાળકોને ખભે ઉંચકીને નદી પાર કરાવવી પડે છે. વર્ષોથી આ સમસ્યા છે. હાલ તો વધારે પાણી ચોમાસા માં આવી જાય તો દિવસો સુધી બાળકો અભ્યાસ થી વંચિત રહે છે. બાળકોને શિક્ષણ માટે સામેના કિનારે કોઈ શિક્ષણની સુવિધા નથી. બીજા ગામમાં અભ્યાસ કરવા માટે બાળકોને મુકવા હોય તો 10 કિલોમીટર દૂર પ્રાથમિક શાળા આવેલી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અમે જીવના જોખમે ચાર મહિના બાળકોને અભ્યાસ માટે મોકલીએ છીએ. દરવખતે ચૂંટણીમાં નેતાઓ મત લેવા માટે આવે છે અને વચન આપીને જતા રહે છે. પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરી દ્વારા બે વાર સર્વે કરાવ્યું છે અને પુલ બનાવવા માટે દરખાસ્ત પણ મોકલવામાં આવેલી છે. અધિકારીઓ નદીના કિનારેથી માટીના સેમ્પલ પણ લઇ ગયા હતા , પરંતુ ત્યારબાદ અધિકારીઓ આવ્યા નથી. આદિવાસી વિસ્તારમાં બાળકો ને શિક્ષણ મેળવવા માટે જીવનું જોખમ ઉભું કરીને શાળાએ આવવું પડે છે. ત્યારે રજૂઆતો કરીને ગ્રામજનો થાકી ગયા છે.પરંતુ તંત્ર ના અધિકારીઓને પ્રજાની પડી ના હોય તેવું લાગી રહ્યું છે .


વિધાનસભા ચૂંટણી વખતે આપેલું વચન નેતાઓએ પાળ્યું નથી

વિધાનસભાની ચૂંટણી વખતે નેતાઓ અમારા ગામમાં આવ્યા હતા. ત્યારે અમને વચન આપીને ગયા હતા કે પૂલ બની જશે. પરંતુ તેને પણ બે વર્ષ થઇ ગયા. વિકાસની વાતો કરવામાં આવે છે પણ અમારા બાળકોને ચાર મહિના ચોમાસામાં શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડે છે. અમારે સવાર સાંજ બાળકોને લેવા અને મુકવા જવું પડે છે. બાળકો પલળી ના જાય તે માટે અમે ખભે ઉંચકીને જઇયે છીએ. અમારા આદિવાસી સમાજનું દુઃખ દર્દ સરકાર દૂર કરે તેવી અમારી માંગ છે .

નટુભાઈ ભીલ, ગ્રામજન

ચીજ વસ્તુઓ લેવા માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે

અમારું ગામ બે ભાગમાં વહેચાયેલું છે. નદી ના સામે કિનારે 40 ઘર આવેલા છે. ત્યાં પ્રાથમિક શાળા નથી અને બાળકોને અભ્યાસ માટે સામે ના કિનારે મોકલવા પડે છે. ત્યારે અમારા ગામના લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા નસવાડી આવવા માટે 10 કિલોમીટરનો ફેરો પડે છે. તેના માટે નદીના પાણીમાંથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે.

નગીનભાઈ ભીલ, ગ્રામજન

Most Popular

To Top