શહેરના વેડ રોડ પંડોળ ખાતે આવેલ હીરાની ઓફિસમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાને અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા કાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી. એટલું જ નહીં આગ અને ધુમાડાને કારણે ત્રીજા અને પાંચમા માળ ઉપર ફસાયેલા 15 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ પંડોલ ખાતે આવેલ કેવીન બિલ્ડીંગમાં બીજા માળ ઉપર રાધાકૃષ્ણ જેમ્સ નામનું ડાયમંડનું કારખાનું આવેલું છે. ગ્રાઉન્ડ સહિત ચાર માળ અને તેની ઉપર પતરાનું શેડ બનાવવામાં આવ્યું હતું. દરમિયાન મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે હીરાની ઓફિસમાં હીરા ગરમ કરવા માટે વપરાતા ઓવન મશીનમાં આગ લાગી ગઈ હતી. ઓવનમાં લાગેલી આગ જોતજોતામાં ઓફિસમાં પ્રસરી ગઈ હતી અને ઘુમાડો પણ વધારે પ્રમાણમાં ફેલાઈ ગયો હતો, જેને પગલે ઓફિસમાં હાજર કર્મચારીઓ તેમજ સ્થળો પર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.
એટલું જ નહીં ત્રીજા માળ ઉપર પાંચ અને પાંચમાં માળે 10 થી 12 લોકો ફસાય ગયા હતા. આ ઘટનાને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમતે રેસ્ક્યુ કામગીરી કરી હતી. પોણા કલાકમાં આગ ઓલવાઈ હતી. ત્રીજા માળેથી પાંચ જણાને લેડર વડે નીચે ઉતાર્યા હતા. જ્યારે પાંચમા માળે ફસાયેલા 10થી 12 લોકોને બાજુની બિલ્ડિંગમાં ઉતારીને સહીસલામત નીચે ઉતારી રેસ્ક્યુ કર્યું હતું.