કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રિ-મોન્સુન કામગીરીની વધુ એક વખત પોલ ખુલી જવા પામી છે. સુરત શહેરમાં શનિવાર – રવિવારે શ્રીકાર વરસાદને પગલે મોટા ભાગનાં વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થતાં વાહન ચાલકોના માથે જીવનું જોખમ ઉભું થયું છે.
આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં ઉમરપાડામાં એક ઈંચ વરસાદ ખાબકયો હતો. આ સિવાયનાં તમામ તાલુકાઓમાં હળવા વરસાદી ઝાંપટાને બાદ કરતાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો. બીજી બાજુ વરાછા ઝોનમાં ગઈકાલે સાંજે રસ્તાની બાજુમાં મસમોટો ભુવો પડતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલમાં તંત્ર દ્વારા વાહન ચાલકોનાં જીવનાં જોખમને ધ્યાને રાખીને ભેરિકેડ મુકી દેવામાં આવ્યા છે.
સુરત શહેર-જિલ્લામાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ મેઘમહેરને પગલે ઠેર – ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને બારડોલી અને પલસાણામાં સાંબેલાધાર વરસાદને પગલે સુરતમાં પસાર થતી મીઠી ખાડીમાં પુરની સ્થિતિ સર્જાવા પામી હતી. મીઠી ખાડીના ધસમસતાં પાણી વરવટ પાટિયા સહિતનાં નિચાણવાળા વિસ્તારોમાં પ્રસરી જતાં સેંકડો પરિવારોની હાલત દયનીય થવા પામી હતી. બીજી તરફ વરસાદનાં આગમન સાથે જ શહેરનાં રસ્તાઓનું વધુ એક વખત ધોવાણ થઈ જતાં લોકોમાં ભાજપનાં શાસકો અને વહીવટી તંત્ર વિરૂદ્ધ ભારોભાર રોષ જોવા મળ્યો હતો.
ખાસ કરીને રિંગરોડ જેવા ટ્રાફિકથી ભરચક રસ્તાઓ પર પણ મસમોટા ખાડાઓને કારણે વાહન વ્યવહારને પ્રતિકુળ અસર થવા પામી હતી. રસ્તાઓ પર ખાડાને કારણે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ચુકયા છે ત્યારે છેલ્લા બે દિવસથી મહાનગર પાલિકા દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓનાં સમારકામની મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન શહેરના વરાછામાં બોમ્બે માર્કેટ પાસે આવેલ ખાડી મહોલ્લામાં મેઈન રોડ પર રસ્તા વચ્ચે મસમોટો ભુવો પડી જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં જ વરાછા ઝોન દ્વારા હાલમાં જે સ્થળે ભુવો પડ્યો હતો ત્યાં બેરિકેડ મુકી દેવામાં આવ્યા છે.