અષાઢી મહિનો, વરસાદી વાતાવરણ હોય અને મોટી હવેલી હોય, ત્રણ-ચાર ભાઈનો સંયુક્ત પરિવાર રહેતો હોય, દરેક ઘરમાં પાંચ–દસ છોકરીઓ હોય તેવા ઘરમાં અલૂણાં વ્રત એટલે દિવાળીનો તહેવાર લાગે. ચઢતી ઊતરતી ઉંમરની છોકરીઓ હોય એટલે મોટીઓ જયા પાર્વતીનું વ્રત કરે અને નાની અલૂણાં વ્રત કરે. સવારે નવાં કપડાં પહેરવાનાં, ભોળાનાથ મહાદેવના મંદિરે જઈ જવારાની પૂજા કરવાની, ઘરે આવી ઉંબરો પૂજવાનો અને યુનિફોર્મ વગર નવાં કપડાં પહેરી શાળાએ જવાનું. નાસ્તામાં સૂકો મેવો અને લીલાં ફળો હોય.
જે સહેલીઓ સાથે કરે. મોટું ઘર હોય એટલે ઘરમાં બે–ત્રણ હીંચકા બંધાય. છોકરીઓ ઘણી હોવાથી હીંચકામાં વારા બંધાય. ત્યાં ભાઈઓ પણ ભાગ પડાવે. ઉપવાસ હોવાથી બપોરે ચોખાની રોટલી, કેરીનો રસ, મઠો, શીખંડ, દૂધપાક, દાણાના લાડુ, દૂધભાતની ફરાળ થાય. સુરતના બાગ બગીચામાં ફક્ત મહિલાઓને પ્રવેશ હોવાથી સાંજે છોકરીઓ બાગમાં જાય, ત્યાં ઊભો ખો, બેઠો ખો, સાંકડી,પકડદાવ જેવી દેશી રમતો રમાય. છેલ્લા દિવસે જાગરણ હોવાથી સુરતની શેરીઓ છોકરીઓથી ઉભરાય. આખી રાત નાનીમોટી રમતો રમાય, આ રીતે જાગરણ કરી અલૂણાંનું સમાપન થાય. બીજે દિવસે શાળામાં રજા હોવાથી શાંતિથી નિંદર પૂરી કરાય. જ્યારે આજે કન્યાઓ ઓછી, વિભક્ત પરિવાર, મોબાઈલનો ક્રેઝ અને ભારવાળા ભણતરમાં અલૂણા વ્રતની ઉજવણીમાં ઊણપ વર્તાય છે.
સલાબતપુરા, સુરત- કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
આકાશવાણી પ્રજાવાણી બને
તા.છઠ્ઠી જુલાઈ – ઈશ્વર સી.પટેલના ચર્ચાપત્ર ‘આ પ્રજાવાણીને કોણ સાંભળશે?’ ના સંદર્ભમાં મને આ લખવાનો વિચાર આવ્યો છે. મારી ૫૧ વરસની ઉંમરે લગભગ જન્મસમયથી રેડિયોના અવાજ વિના દિવસ જતો નથી. પરંતુ છેલ્લા બે–એક વરસથી ‘અમારું’ આકાશવાણી દમણ ઉપરોક્ત ચર્ચાપત્રી જણાવે છે તેમ વારંવાર લોકપ્રિય કાર્યક્રમોની વચ્ચે કંટાળાજનક સમાચારો અને ચર્ચાઓનો મારો અચાનક ચલાવી દે છે, જેના કરણે કર્ણપ્રિય કાર્યક્રમોની મજા જ બગડી જાય છે. આ સંદર્ભે મિડિયાના માધ્યમથી દમણ કેન્દ્રને જણાવેલ પરંતુ કોઈ જવાબ મળેલ નથી. તો આ અંગે સ્થાનિક કેન્દ્રો ઉપલા સ્તરે રજૂઆત કરે અને શ્રોતાઓને મનોરંજક કાર્યક્રમો અવિરતપણે સાંભળવા મળે તો સુખદ અનુભૂતિ થશે.
સોનવાડા, કિલ્લા પારડી – જતિન ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે