National

આજે ભારત બંધ, 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની હડતાળ, રેલ્વે, બસ, બેંકો અને વીજ સેવાઓને અસર

દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા આજે, તા.9 જુલાઈ 2025ના રોજ ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. આ દેશવ્યાપી હડતાળમાં બેંકો, પોસ્ટલ વિભાગ, કોલસા અને ખાણ ઉદ્યોગ, વીજળી, બાંધકામ અને વીમા ક્ષેત્રના કામદારો સહિત અંદાજે 25 કરોડથી વધુ કામદારો જોડાનાર છે. હડતાળના કારણે વિવિધ સેવાઓ પર અસર પડવાની શક્યતા છે.

હડતાળના મુખ્ય મુદ્દા શું છે?

ટ્રેડ યુનિયનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા શ્રમ કાયદા કામદારોના અધિકારો છીનવી રહ્યા છે. યૂનિયનોનુ કહેવું છે કે ચાર નવા શ્રમ કાયદાઓના અમલથી;

  • સામૂહિક સોદાબાજી પર બંધ આવી શકે છે,
  • કામના કલાકો વધારવામાં આવ્યા છે,
  • નોકરીદાતાઓને વધુ છૂટછાટ આપવામાં આવી છે,
  • તથા કર્મચારીઓને ન્યાય મેળવવાનો હક ઓછો થયો છે.

કઈ સેવાઓ રહેશે અસરગ્રસ્ત?

બેંકિંગ સેવા:
બેંક કર્મચારી સંગઠનોએ હડતાળમાં જોડાવાની જાહેરાત કરી છે. આમ, કેટલાક બેંકોની કામગીરી અસરગ્રસ્ત થઈ શકે છે. જોકે, કોઈ સત્તાવાર રજા જાહેર કરવામાં આવી નથી.

વીમો અને પોસ્ટલ:
વીમા ક્ષેત્રના કર્મચારીઓ અને પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાવાની સંભાવના છે.

વીજળી વિતરણ:
વીજળી ક્ષેત્રના આશરે 27 લાખ કર્મચારી હડતાળમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે વીજસેવાઓને પણ અસર થવાની શક્યતા છે.

પરિવહન સેવા:
રેલ્વે સેવા ચાલુ રહેશે, પરંતુ કેટલાક રૂટ પર વિલંબ થઈ શકે છે. જાહેર બસ અને અન્ય પરિવહન સેવાઓ પર હડતાળની અસર જોઈ શકાય છે.

શૈક્ષણિક સંસ્થાઓ:
સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ રહેશે. કોઈ રજા જાહેર કરવામાં આવી નથી.

યૂનિયનોની માંગણીઓ:

  • નવી શ્રમ નીતિઓ રદ કરો
  • મનરેગા હેઠળ રોજગારીના દિવસો અને વેતન વધારવો
  • યુવાનો માટે વધુ રોજગારીના અવસર ઊભા કરો
  • કામદારોના અધિકારોનું રક્ષણ કરો

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના મંચ દ્વારા કામદારોને આ હડતાળને “ભવ્ય રીતે સફળ” બનાવવા અપીલ કરવામાં આવી છે. યુનિયનોનું કહેવું છે કે આ હડતાળ સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા દબાણ કરશે.

Most Popular

To Top