સુરત: આ વખતે વરસાદે પહેલા રાઉન્ડમાં જ સુરત મનપાના તંત્રની રીતસર ધોલાઇ કરી નાંખી હોય તેવી હાલત છે. ધોધમાર વરસાદને પગલે સુરત શહેરમાં રસ્તાઓ ખરાબ થયા છે, જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે હાલત એવી છે કે શહેરના રસ્તાઓ પર ખાડા પડ્યા છે, તેમ નહી પણ શહેર આખું ખાડામાં છે, તેવું કહી શકાય. જો કે શહેરમાં જ્યાં જુઓ ત્યાં અનેક સ્થળોએ રસ્તાઓ બેસી ગયા હતા.
- ઝોનના અધિકારીઓએ પોતાની નબળી કામગીરી બાબતે રજૂ કરેલા ઢાંકપિછોડા સાથેનો રિપોર્ટ માની લેવાયો, 754 ખાડાઓ પેચવર્ક કરી દેવાયોના દાવો
સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓની મરામત માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ નબળી ગુણવત્તાના મટીરીયલને કારણે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ પર નાના-મોટા ખાડા પડી ગયા છે અને શહેરીજનોની ખો નિકળી રહ્યો છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે, મનપાના દ્વારા ઝોન પાસે મંગાવાયેલા રિપોર્ટમાં શહેરમાં માત્ર 1800 જગ્યાએ ખાડા પડ્યા હોવાનું બહાર આવ્યું છે.
સિટી ઇજનેર જતીન દેસાઇ દ્વારા શહેરના તમામ ઝોન પાસેથી તેમના વિસ્તારમાં કેટલા રસ્તા ધોવાયા તે અંગે રિપોર્ટ મંગાવાયો હતો. જો કે રસ્તા ધોવાય તેમાં ઝોનની નાલેશી છતી થતી હોવાથી ઝોન દ્વારા જે રીતે તૂટેલા રસ્તાની સંખ્યા મોકલાઇ, તેમાં ઢાંકપિછોડો થયો હોવાની શંકા ઊઠી રહી છે. જો કે હવે લીપાપોતી કરવા માટે મનપા દ્વારા વરસાદમાં ડામર સુકાઈ શકે તેમ ન હોવાથી મનપાએ પ્રથમ વખત ખાડા પુરવા માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
છેલ્લા ચાર દિવસમાં 14570 ચોરસ મીટર વિસ્તારમાં 574 સ્થળોએ ખાડાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું હોવાનો અને 2935 મેટ્રિક ટન છારાનો ઉપયોગ કરાયો હોવાનો મનપાના તંત્ર દ્વારા દાવો કરાયો છે. જો આગામી બેથી ચાર દિવસ વરસાદ નહીં પડે, તો મનપા દ્વારા વધુ ખાડાઓ પુરવાનું કામ ઝડપથી થશે. આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રહેશે.
મનપા હવે ખાડા પુરવા પેવરબ્લોકનો ઉપયોગ કરશે
સતત વરસાદની સ્થિતિમાં મનપાના હોટમિક્ષ પ્લાન્ટ બંધ રહેતા હોવાથી રસ્તાના ખાડા પુરવા માટે ડામર મળવો શક્ય નહી હોવાથી છારૂં અને રોડા નાંખીને ખાડા પુરાય છે. જે ટેમ્પરેરી સોલ્યુશન હોય છે. જો કે વરસાદમાં છારૂં પણ ધોવાઇ જતું હોવાથી ફરી ખાડાઓ પડે છે. એટલે નેશનલ હાઇવેમાં થાય છે તેમ સુરત મનપાએ હવે મોટા ખાડાઓ પડ્યા હોય ત્યા ટેમ્પરેરી ધોરણે બ્લોક નાંખવાનું નકકી કર્યું છે.
બે ઝોનને તા.10 , બાકીનાને તા.9 સુધીમાં ખાડાઓ પુરી દેવા કમિશનરનો આદેશ
આજે મનપા કમિશનર શાલીની અગ્રવાલે તમામ ઝોનના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં ખાડીથી અસરગ્રસ્ત લિંબાયત અને સરથાણા ઝોનમાં 10 તારીખ સુધીમાં અને બાકીના ઝોનમાં 9 તારીખની રાત સુધીમાં રસ્તાઓ રિપેર કરી દેવા આદેશ આપ્યો છે.