વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પાંચ દેશોના પ્રવાસે છે. આ દેશોમાંથી એક ત્રિનિદાદ અને ટોબેગો છે. ભારતથી લગભગ ૧૪ હજાર કિલોમીટર દૂર આવેલા આ દેશની ૪૨ ટકા વસ્તી ભારતીય મૂળની છે. ગયા ગુરુવારે મોડી રાત્રે પી.એમ. મોદી ત્રિનિદાદ અને ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા હતા અને પરંપરાગત ભોજપુરી ચૌતાલ લોકગીત સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પછી, પી.એમ. મોદીએ X પર ભોજપુરી ભાષામાં લખ્યું કે એક કિંમતી સાંસ્કૃતિક જોડાણ! આ વર્ષે ભારતીય મૂળની એક મહિલા કમલાપ્રસાદ બિસેસર અહીંની પ્રધાનમંત્રી બની છે.
આ ઉપરાંત, આ દેશની બીજી એક મોટી ઓળખ ક્રિકેટ છે. સુનીલ નારાયણ, દિનેશ રામદીન અને રવિ રામપોલ, આ કેટલાંક નામો છે જેમને કોઈ પરિચયની જરૂર નથી. આ ત્રણેય મૂળ ભારતીયો ત્રિનિદાદ અને ટોબેગોના છે અને તેઓ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યા છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે વડાં પ્રધાન કમલાજીના પૂર્વજો બિહારના બક્સરમાં રહેતાં હતાં. જ્યારે હું ૨૫ વર્ષ પહેલાં અહીં છેલ્લે આવ્યો હતો ત્યારે અમે બધા લારાના કવર ડ્રાઇવ અને પુલ શોટની પ્રશંસા કરતા હતા. આજે સુનીલ નારાયણ અને નિકોલસ પૂરન અમારા યુવાનોના હૃદયમાં એ જ ઉત્સાહ પ્રેરિત કરે છે. ત્યારથી અત્યાર સુધીમાં મિત્રતા વધુ મજબૂત બની છે.
ભારતીય મૂળનાં લોકો ૧૯મી સદીમાં ઇન્ડેન્ચર્ડ લેબર સિસ્ટમ હેઠળ ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા હતા. બ્રિટીશરો દ્વારા ૧૮૪૫ અને ૧૯૧૭ ની વચ્ચે ભારતીય ઉપખંડમાંથી લગભગ ૧,૪૩,૦૦૦ લોકોને મજૂરી માટે ત્રિનિદાદ લાવવામાં આવ્યાં હતાં. બ્રિટિશ વસાહતોમાં ગુલામી નાબૂદ થયા પછી કામદારોની ભારે અછત સર્જાઈ હતી. આ કારણે અંગ્રેજોએ ગિરમીટ યોજના હેઠળ ભારતમાંથી કામદારો મોકલવાનું શરૂ કર્યું. ગિરમીટ શબ્દ અંગ્રેજી શબ્દ એગ્રીમેન્ટ પરથી આવ્યો છે. આ અંતર્ગત ભારતીયોને ૩થી ૫ વર્ષ માટે ખેતી અથવા મજૂરીકામ કરવાનો કરાર આપવામાં આવતો હતો. પછીથી ઘરે પાછા ફરવાનો વિકલ્પ હતો, પરંતુ મોટા ભાગનાં લોકો ત્યાં સ્થાયી થયાં હતાં.
આજે પણ ટોબેગો અને ત્રિનિદાદના કરારબદ્ધ મૂળ ભારતીય વંશનાં મજૂરોનાં વંશજો તેમના પૂર્વજોનાં રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામનો ઉલ્લેખ કરે છે. ત્રિનિદાદ અને ટોબેગો એ વેસ્ટ ઇન્ડીઝના દક્ષિણપૂર્વ ભાગમાં સ્થિત એક જોડિયા ટાપુઓનો દેશ છે. આ દેશ બે મુખ્ય ટાપુઓ, ત્રિનિદાદ અને ટોબેગો તેમ જ કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. તે કેરેબિયન ટાપુઓનો સૌથી દક્ષિણનો ભાગ છે અને દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારાની નજીક સ્થિત છે. આ દેશને ૧૯૬૨માં બ્રિટિશ સંસ્થાનવાદથી સ્વતંત્રતા મળી અને તે જ વર્ષે કોમનવેલ્થ અને સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય બન્યો હતો. ૧૯૭૬માં તે પ્રજાસત્તાક બન્યો હતો. તેની રાજધાની પોર્ટ ઓફ સ્પેન ત્રિનિદાદના ઉત્તર-પશ્ચિમ કિનારે સ્થિત છે.
ત્રિનિદાદ અને ટોબેગો કેરેબિયનના સૌથી ધનિક દેશોમાંનો એક છે, કારણ કે તેની પાસે તેલ અને ગેસના વિશાળ ભંડાર છે જે તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. આ જોડિયા ટાપુઓવાળો દેશ મુખ્યત્વે આફ્રિકન અને ભારતીય મૂળનાં લોકોથી ભરેલો છે અને તેની માથાદીઠ આવક લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોની સરેરાશ કરતાં વધારે છે. તેલ પર નિર્ભરતાને કારણે આ દેશનું અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલના ભાવ પર નિર્ભર બની ગયું છે.
૧૯૮૦ અને ૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં તેલના ભાવ ઘટતાં આ દેશ પર ભારે વિદેશી દેવું થયું, બેરોજગારી વધી અને કામદારોમાં અશાંતિ ફેલાઈ ગઈ. કેરેબિયન ક્ષેત્રના અન્ય દેશોની જેમ ત્રિનિદાદ અને ટોબેગો ડ્રગ અને ગેંગ સંબંધિત હિંસાનો સામનો કરે છે, જે તેના પ્રવાસન ક્ષેત્રને જોખમમાં મૂકે છે. ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેના સંબંધો સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક સંબંધોની અભિવ્યક્તિઓથી ઘણા આગળ વધે છે. અહીંના ૧૪ લાખ લોકોમાંથી લગભગ ૪૨ ટકા લોકો ભારતીય મૂળનાં છે. મજૂર તરીકે શરૂ થયેલી ભારતીય મૂળનાં લોકોની સફર આજે વ્યવસાય, રાજકારણ, દવા અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહી છે.
ત્રિનિદાદ અને ટોબેગોમાં કદાચ એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જ્યાં ભારતીય મૂળનાં લોકોનો સ્પર્શ ન હોય. આમાંનાં મોટા ભાગનાં ભારતીય ઇમિગ્રન્ટ્સ મુખ્યત્વે સંયુક્ત પ્રાંત (હાલના ઉત્તર પ્રદેશ) અને બિહારના જિલ્લાઓમાંથી આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર અહીં બિહારની ભોજપુરી ભાષા બોલતાં લોકોની સંખ્યા વધુ છે. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે, કરારબદ્ધ મજૂરનાં બાળકો, હવે તમારા સંઘર્ષ દ્વારા જાણીતાં નથી. તમે તમારી સેવા અને તમારાં મૂલ્યો દ્વારા જાણીતાં છો. સાચું કહું તો ડબલ્સ અને દાળપુરીમાં ચોક્કસપણે કંઈક જાદુ છે, કારણ કે તમે આ મહાન રાષ્ટ્રની સફળતાને બમણી કરી છે.
દક્ષિણ અમેરિકાનો એક માત્ર અંગ્રેજી બોલતો દેશ ગુયાના પણ ભારતીય મૂળનાં લોકોની મોટી વસ્તી ધરાવે છે. આ દેશ બ્રિટન દ્વારા વસાહત તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ગુલામી નાબૂદ થયા પછી ગુયાના કોઈ પણ બ્રિટિશ વસાહતી દેશમાં ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે સૌથી મોટું સ્થળ હતું. આ જ કારણ છે કે બ્રાઝિલની સરહદે આવેલા અને સદીઓથી વેનેઝુએલા સાથે સરહદ વિવાદ ધરાવતા દેશ ગુયાનામાં દર દસમાંથી ચાર નાગરિકો મૂળ ભારતીય ઉપખંડનાં છે. ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લા દેશનાં નાગરિકોનો પણ આમાં સમાવેશ થાય છે. ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી પણ આ લોકોમાં સામેલ છે. અલી ગુયાનાના પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ છે. લોકો માટે એ જિજ્ઞાસાનો વિષય છે કે આ દૂરના દક્ષિણ અમેરિકન દેશમાં ભારતીય નાગરિકો કેવી રીતે આવીને સ્થાયી થયાં હશે. ગુયાનાનો વિસ્તાર ૧ લાખ ૬૦ હજાર ચોરસ કિલોમીટર છે.
હકીકતમાં, ૧૮૧૪ માં બ્રિટને નેપોલિયન સાથેના યુદ્ધ દરમિયાન ગુયાના પર કબજો કર્યો હતો અને બાદમાં તેને બ્રિટિશ ગુયાના નામની વસાહતમાં રૂપાંતરિત કર્યું હતું. આ પહેલાં આ દેશમાં ફ્રેન્ચ અને ડચ નાગરિકોનું વર્ચસ્વ હતું. ૧૮૩૪ માં વિશ્વભરની બ્રિટિશ વસાહતોમાં ગુલામી અથવા બંધુઆ મજૂરીનો અંત આવ્યો હતો. ગુયાનામાં પણ બંધુઆ મજૂરીના અંત પછી મજૂરોની ભારે માંગ હતી. આ એવો સમય હતો જ્યારે ભારતીય નાગરિકોનું એક જૂથ ગુયાના પહોંચ્યું હતું. આવું ફક્ત ગુયાનામાં જ નહીં પરંતુ જમૈકા, ત્રિનિદાદ, કેન્યા અને યુગાન્ડા જેવા દેશોમાં પણ બન્યું.
ગુયાના પહોંચેલા ભારતીય ઇમિગ્રન્ટ્સના જૂથમાં ૩૯૬ લોકોનો સમાવેશ થતો હતો. આ લોકો ગ્લેડસ્ટોન કુલીઝ તરીકે જાણીતાં હતાં કારણ કે તેઓ બ્રિટિશ ગયાનામાં શેરડીની ખેતી કરતા જોન ગ્લેડસ્ટોનના કામદારો હતાં. ખાસ કરીને ભારત અને ચીનમાં ૧૯મી અને ૨૦મી સદીમાં મજૂરોને ઐતિહાસિક રીતે કૂલી તરીકે ઓળખવામાં આવતાં હતાં. આજે પણ વિકસિત દેશોમાં કૂલી શબ્દનો ઉપયોગ એશિયન મૂળનાં લોકો સામે અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણી કરવા માટે થાય છે. આ સ્થળાંતર કરનારાં લોકો શરૂઆતમાં બે જહાજો, એમવી વ્હિટબી અને એમવી હેસ્પરસ દ્વારા ગુયાના પહોંચ્યા હતા. ગુયાના પહોંચવા માટે આ કામદારોએ પહેલાં હિંદી મહાસાગર અને પછી એટલાન્ટિક મહાસાગરને પાર કર્યો હતો. આ મજૂરોને એક કરાર હેઠળ લાવવામાં આવ્યા હતા જેમાં તેમને થોડા પૈસાના બદલામાં ઘણાં વર્ષો સુધી શેરડીનાં ખેતરોમાં કામ કરવાનું હતું.
એક દાયકાની અંદર ભારતીય ઇમિગ્રન્ટ કામદારોની સખત મહેનતને કારણે ખાંડ ઉદ્યોગ બ્રિટિશ ગુયાનાના અર્થતંત્ર પર પ્રભુત્વ મેળવવા લાગ્યા હતા. કરારની મુદત પૂરી થયા પછી કેટલાક ભારત પાછા ફર્યા જ્યારે કેટલાક તત્કાલીન બ્રિટિશ ગુયાનામાં સ્થાયી થયા હતા. ૧૮૩૮ થી ૧૯૧૭ ની વચ્ચે લગભગ ૫૦૦ જહાજો પર ૨,૩૮,૯૦૯ ભારતીયોને કરારબદ્ધ મજૂર તરીકે બ્રિટિશ ગુયાનામાં લાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજી બોલતી વસાહતો પૈકી ગુયાનામાં ભારતમાંથી સૌથી વધુ સંખ્યામાં કરારબદ્ધ મજૂરો આવતાં હતાં. આજ સુધી ગુયાના જે દિવસે પ્રથમ ભારતીયો આવ્યાં હતાં, તે ૫ મેના દિવસને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવે છે. ગુયાના ૧૯૬૬માં બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું, પરંતુ અહીં દરેક જગ્યાએ ભારતીય મૂળનાં લોકોની હાજરી દેખાય છે. આ જ કારણ છે કે દિવાળી અને હોળી જેવા પ્રખ્યાત ભારતીય તહેવારો પણ ગુયાનાના કેલેન્ડરમાં
હાજર છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.