ચીન પાકિસ્તાનને અનેક ક્ષેત્રે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે અઢળક મદદ કરી રહ્યું છે તે હવે જગજાહેર છે. તાજેતરની ભારત સાથેની લડાઇમાં પણ પાકિસ્તાને ચીનના ઘણા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો તે પણ જાણીતી બાબત છે. પરંતુ ઘણાને શંકા હતી કે ચીન આ લડાઇમાં પાકિસ્તાનને અંદરખાનેથી મદદ કરી રહ્યું છે અને ભારતની ગુપ્તચર માહિતીમાં આ શંકા સાચી પુરવાર થઇ છે. એવી માહિતી બહાર આવી છે કે ઓપરેશન સિંદુર પછીની લડાઇમાં મોરચા પર ભલે ભારત સામે પાકિસ્તાન લડી રહ્યું હોય પરંતુ ચીન પડદા પાછળ સક્રિય હતું અને તે પાકિસ્તાનને માર્ગદર્શન પણ પુરુ પાડી રહ્યું હતું.
સાથો સાથ પોતે પાકિસ્તાનને આપેલા શસ્ત્રોની ચકાસણી પણ તેણે આ લડાઇમાં કરી લીધી હતી. પહેલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું અને તેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાટી નિકળેલી લડાઇનો ઉપયોગ ચીને એક જીવંત પ્રયોગશાળા તરીકે કર્યો હતો અને તે પાકિસ્તાનને સંભવિત તમામ સહાય કરી રહ્યું હતું એમ ભારતીય લશ્કરના એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં માહિતી આપી હતી. તે ઉછીના ચાકુથી શત્રુને મારવાની પ્રાચીન લશ્કરી વ્યુહરચના અપનાવી રહ્યું હતું એમ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફટેનન્ટ જનરલ રાહુલ આર. સિંહે આ શુક્રવારે જણાવ્યું હતું.
લશ્કરના નાયબ વડા કહી શકાય તેવા આ વરિષ્ઠ અધિકારીએ આ માહિતી જો કે કોઇ સત્તાવાર બ્રીફિંગમાં નથી આપી પરંતુ દેશની મોખરેની વ્યાપાર ઉદ્યોગ સંસ્થા દ્વારા આયોજીત એક સેમિનારમાં જણાવી છે, પરંતુ તેમના જેવા વરિષ્ઠ અધિકારી જ્યાં પણ આવી માહિતી જાહેર કરે તે વિશ્વસનીય તો હોય જ પરંતુ મહત્વની પણ બની રહે તે સ્વાભાવિક છે. ઇન્ડસ્ટ્રી ચેમ્બર FICCI દ્વારા આયોજીત નવા યુગની લશ્કરી ટેકનોલોજીઓ એ વિષય પર એક સેમિનારને સંબોધન કરતા રાહુલ સિંહે હાલની ભારત-પાકિસ્તાનની લડાઇમાં પાકિસ્તાનને અન્ય દેશોના ટેકા અંગેની વિગતો આપી હતી.
તેમણે એક મોટા ઘટસ્ફોટમાં જણાવ્યું હતું કે યુદ્ધ ભૂમિ પર પાકિસ્તાન લડી રહ્યું હતું અને ચીન તથા તુર્કી પણ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. જ્યારે ચીન પોતાના આ સદાબહાર સાથીદારને શક્ય તમામ ટેકો આપી રહ્યું હતું ત્યારે તુર્કી પાકિસ્તાનને લશ્કરી સરંજામ પહોંચાડીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હતું. ચીન આ લડાઇનો ઉપયોગ લાઇવ લેબ તરીકે કરી રહ્યું હતું અને પોતાના શસ્ત્રો તે પાકિસ્તાનને આપીને આ શસ્ત્રોની યુદ્ધ ભૂમિ પર કામગીરીની ચકાસણી પણ કરી રહ્યું હતું.
તુર્કીની ભૂમિકા જો કે આમ પણ જાહેર થઇ ગઇ હતી, તેણે પાકિસ્તાનના ટેકામાં જહાજ મોકલ્યું હતું તો અન્ય શસ્ત્રોની પણ તેણે મદદ કરી હોય તે સ્વાભાવિક છે. પોતાના સંબોધનમાં રાહુલ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાને આ લડાઇમાં જેનો ઉપયોગ કર્યો હતો તેમાંથી ઘણા ડ્રોન તુર્કી બનાવટના હતા. ભારત એક મોરચે લડી રહ્યું હતું પણ તેના ત્રણ શત્રુઓ હતા. જો કે ભારત હિંમતપૂર્વક આ ત્રણેય સામે લડ્યું. એક તબક્કે ભારતની એક જબરજસ્ત મુક્કો મારવાની તૈયારી હતી. પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે જો તે સફળ થશે, તો તેમની હાલત ખૂબ જ ખરાબ થશે. તેથી જ તેમણે યુદ્ધવિરામની માંગણી કરી એમ લેફ. જનરલ રાહુલ સિંહે 7 મે થી 10 મે સુધી ચાલેલા ચાર દિવસના સંઘર્ષમાં આવેલા નિર્ણાયક વળાંક વિશે વાત કરતા કહ્યું.
તેમણે કહ્યું હતું કે જો તમે આંકડાઓ પર નજર નાખો તો, છેલ્લા પાંચ વર્ષમાં, પાકિસ્તાનને જે લશ્કરી હાર્ડવેર મળી રહ્યું છે તેમાંથી 81 ટકા બધું ચીની છે. તેમણે ઉમેર્યું કે અથડામણ દરમિયાન પાકિસ્તાન દ્વારા J-10 અને JF-17, PL-15 મિસાઇલો અને HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જેવા ચીની ફાઇટર જેટ સક્રિય રીતે તૈનાત કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ સિંહે જણાવ્યું હતું કે ચીને ભારતીય સૈન્ય તૈનાતી પર નજર રાખવા માટે તેના ઉપગ્રહોનો ઉપયોગ કર્યો હતો જ્યારે કે પાકિસ્તાન સૈન્યને DGMO (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) સ્તરની ફોન વાટાઘાટો દરમિયાન તેના વિશે લાઇવ ઇનપુટ મળી રહ્યા હતા. સ્પષ્ટપણે ચીન પાકિસ્તાનને પોતાના સેટેલાઇટોથી મળેલા ડેટાનો ઉપયોગ કરીને માર્ગદર્શન આપી રહ્યું હતું.
ભારત-પાકિસ્તાનની હાલની લડાઇમાં આમ તો આઝારબૈજાને પણ પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપ્યો હતો પણ તે સક્રિય ન હતું. તુર્કીની ભૂમિકા શસ્ત્રો પુરા પાડવા સુધી મર્યાદિત હતી. પરંતુ ચીન સૌથી વધુ સક્રિય હતું. તેના અંગે બહાર આવેલી આ માહિતી પછી ભારતે હવે વધુ સતર્ક રહેવું પડશે. ચીનનો જરાયે વિશ્વાસ કરાઇ નહીં. જો પાકિસ્તાનને વધુ ફટકા પડતા જણાય તો ચીન ભારતની ઉત્તરીય સરહદે છમકલાઓ પણ શરૂ કરી શકે છે. આથી હવે ભવિષ્યના કોઇ પણ સંઘર્ષમાં ભારતે ચીન અંગે વધુ સાવધ રહેવું પડશે.