બીલીમોરા: બીલીમોરાના વાઘરેચ ગામમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થતાં કુતૂહુલ સર્જાયું હતું.
બીલીમોરા નજીક વાઘરેચ ખાતે આવેલા હેલિપેડ પર હેલિકોપ્ટરનું સોમવારે મોડી સાંજે ઇમરજન્સી લેન્ડિંગ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પણ બીલીમોરા પોલીસ વાઘરેચ ખાતે પહોંચે એ પહેલાં જ હેલિકોપ્ટર ઉડાન ભરી લેતાં તેની તપાસમાં એવું જાણવા મળ્યું કે ખરાબ હવામાનને કારણે દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે ઇમરજન્સી વાઘરેજ હેલિપેડ ઉપર લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગ થયેલા હેલિકોપ્ટર પ્રકરણમાં બીલીમોરા પોલીસ તપાસમાં જોતરાઇ છે.
કોઈ ઇમરજન્સી લેન્ડિંગ નથી થયું: ડી.આઈ.જી. દમણ કોસ્ટગાર્ડ
દમણ: જે પ્રમાણે વાઘરેચ ગામે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનનું હેલિકોપ્ટર લેન્ડ થયું તેને જોતાં ગામના લોકોને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાનું જણાયું હતું. પરંતુ સમગ્ર મામલે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનના ડી.આઈ.જી. એસ.એસ.બાજપાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટરનું કોઈપણ પ્રકારનું ઇમરજન્સી લેન્ડિંગ નથી થયું. પણ હાલ ચાલી રહેલી વરસાદની ઋતુમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય ત્યારે રિમોટ એરિયામાં બચાવ કામગીરી દરમિયાન કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું કેવી રીતે એક સુરક્ષિત સ્થળે ઉતરાણ કરવાનું હોય તેની એક્સરસાઈઝના ભાગરૂપે આ પ્રેક્ટિસ કરવામાં આવી છે.