Columns

રાજ અને ઉદ્ધવ ઠાકરે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા સાથે આવ્યા છે

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતા અને કાયમી શત્રુ નથી હોતા. રાજકારણમાં સ્વાર્થ જ કાયમી હોય છે. જે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છેલ્લાં ૨૦ વર્ષથી એકબીજાનું મોંઢું જોવા પણ તૈયાર નહોતા તેમણે હવે હાથ મિલાવ્યા છે અને તેઓ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ સાથે મળીને લડે તેવી તમામ સંભાવના છે. રાજ ઠાકરે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના ભત્રીજા છે પણ મિજાજમાં અને સ્ટાઈલમાં તેઓ બાળ ઠાકરેના રાજકીય વારસદાર ગણાતા હતા. રાજ ઠાકરેનાં ભાષણોમાં અને વિચારોમાં શિવસૈનિકોને બાળ ઠાકરેનાં દર્શન થતાં હતાં, જેને કારણે બાળ ઠાકરે શિવસેનાનું સુકાન તેમને જ સોંપશે તેમ માનવામાં આવતું હતું પણ બાળ ઠાકરે માટે પાણી કરતાં લોહી વધુ ઘટ્ટ હતું. તેમણે પોતાના જીવતાં જ પોતાના પુત્ર ઉદ્ધવ ઠાકરેને પોતાના રાજકીય વારસદાર જાહેર કરીને તેમને શિવસેનાનું સુકાન સોંપી દેતાં નારાજ થયેલા રાજ ઠાકરેએ શિવસેના સામે બળવો કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. રાજ ઠાકરેની અપેક્ષાથી વિરુદ્ધ મોટા ભાગના શિવસૈનિકો અને શિવસેનાના મતદારો પણ ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા હતા, જેને કારણે રાજ ઠાકરેનો પક્ષ રાજકારણમાં કાઠું કાઢી શક્યો નહોતો.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપ સાથે યુતિ કરી હતી, પણ તેમ કરવાથી તેમની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઝંખના પૂરી થાય તેમ નહોતી, માટે તેમણે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ જેવા પક્ષો સાથે યુતિ કરી હતી. આ પક્ષો મુસ્લિમતરફી મનાતા હોવાથી ઉદ્ધવ ઠાકરેની હિન્દુ હૃદયસમ્રાટની ઇમેજને ધક્કો લાગ્યો હતો, પણ મુખ્ય મંત્રીની ખુરશી સુધી પહોંચવા તેઓ હિન્દુત્વનું બલિદાન દેવા પણ તૈયાર થઈ ગયા હતા. શિવસેનામાં રહેલા કટ્ટર હિન્દુત્વવાદીઓ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભેગાં થયાં હતાં. ભાજપની મદદથી એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા હતા અને ઉદ્ધવ ઠાકરે સત્તાથી બહાર ફેંકાઈ ગયા હતા. ભાજપે પણ એકનાથ શિંદેનો ઉપયોગ કરી લીધા પછી તેમને કદ પ્રમાણે વેતરી કાઢ્યા હતા. હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશની સૌથી શ્રીમંત મહાનગરપાલિકામાં સત્તા ટકાવવા ઉદ્ધવ ઠાકરેને રાજ ઠાકરે સાથે આવવાની ફરજ પડી છે.

બાળ ઠાકરેએ જ્યારે શિવસેનાની સ્થાપના કરી ત્યારે તેમણે મરાઠી માણસોના હક માટે લડવાનું આંદોલન કર્યું હતું અને પહેલાં મુંબઈમાં વસતાં દક્ષિણ ભારતીયોનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ગુજરાતીઓ અને હિન્દીભાષી લોકો સામે પણ તોફાનો શરૂ કર્યાં હતાં. આ કારણે મરાઠીભાષી લોકોનો તેમને સાથ મળ્યો નહોતો, પણ મહારાષ્ટ્રમાં સત્તાના સિંહાસન સુધી પહોંચવા માત્ર મરાઠી લોકોનો સાથ પર્યાપ્ત નહોતો.

૧૯૯૦ના દાયકામાં ભારતભરમાં રામ મંદિરના આંદોલનને લઈને હિન્દુત્વનું મોજું આવ્યું તેના પર સવાર થઈને બાળ ઠાકરેએ પણ હિન્દુત્વનું આંદોલન છેડી દીધું હતું, જેમાં મુખ્યત્વે મુસ્લિમોનો વિરોધ કરવામાં આવતો હતો. બાળ ઠાકરેના જ્વલંત હિન્દુત્વને કારણે તેમને મહારાષ્ટ્રનાં તમામ હિન્દુઓનો ટેકો મળી રહ્યો હતો, જેમાં દક્ષિણ ભારતીયો ઉપરાંત ગુજરાતી, રાજસ્થાની તેમ જ ઉત્તર ભારતીયોનો પણ સમાવેશ થતો હતો. આ કારણે શિવસેના ભાજપનો સાથ લઈને મહારાષ્ટ્રમાં સત્તાના સિંહાસન સુધી પણ પહોંચી ગઈ હતી. શિવસેના-ભાજપની યુતિમાં ભાજપની ભૂમિકા જુનિયર પાર્ટનરની જ હતી.

ભાજપના રાજકારણમાં નરેન્દ્ર મોદીનો ઉદય થયો તે પછી તેમણે શિવસેના પાસેથી મહારાષ્ટ્રમાં હિન્દુઓના ઉદ્ધારક તરીકેનું બિરુદ છીનવી લીધું હતું. શિવસેનાની હિન્દુ મતબેન્ક પર ભાજપે તરાપ મારી હતી અને મુખ્ય પ્રધાનની ખુરશી પર પણ ભાજપે કબજો જમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ હવે સિનિયર પાર્ટનર બની ગયો હતો. ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની આકાંક્ષા ભાજપ સાથે રહીને પૂરી થાય તેમ નહોતી, માટે તેમણે ભાજપ સાથે છેડો ફાડીને મુસ્લિમોના સમર્થક ગણાતા પક્ષો સાથે સત્તામાં ભાગીદારી કરી હતી.

મહારાષ્ટ્રના મતદારો દ્વારા ઉદ્ધવ ઠાકરેના આ પક્ષપલટાને નકારી કાઢવામાં આવ્યો હતો. પરિણામે ઉદ્ધવ ઠાકરેની ગોળા સાથે ગોફણ પણ ઝૂંટવાઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં સત્તા ગઈ હતી અને હિન્દુત્વનો મુદ્દો પણ હાથમાંથી સરકી ગયો હતો. આ બાજુ રાજ ઠાકરે પાસે પણ કોઈ મુદ્દો રહ્યો નહોતો. મુંબઈ મહાનગરપાલિકામાં છેલ્લાં ૩૦ વર્ષથી શિવસેનાનું રાજ છે અને ભાજપ તેમાં જુનિયર પાર્ટનરની ભૂમિકા ભજવી રહ્યો હતો. ભાજપ અને શિવસેના વચ્ચે છૂટાછેડા થયા પછી ભાજપ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકનાથ શિંદે સાથે મળીને લડે તેવા સંયોગો પેદા થયા છે.

બીજી બાજુ જો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તો તેની મરાઠી મતબેન્કમાં પણ ગાબડાંઓ પડે તેવી સંભાવના છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પાસે હવે કોઈ મતબેન્ક રહી ન હોવાથી તેમણે બાળ ઠાકરેએ જ્યાંથી શરૂઆત કરી હતી તે મરાઠી મતબેન્કને શરણે જવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે તેમણે મહારાષ્ટ્રમાં મરાઠીતરફી ઝુંબેશ ચાલુ કરી છે અને જે કોઈ મરાઠી ન બોલે તેની મારપીટ કરવાની શરૂઆત કરી છે. આ કારણે ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને ઉત્તર ભારતીયો તેમનાથી દૂર ચાલ્યા જવાની સંભાવના છે.

ઉદ્ધવ ઠાકરેને અને રાજ ઠાકરેને મરાઠી મતદારોની લાગણી ઉશ્કેરી શકે તેવો કોઈ મુદ્દો જોઈતો હતો અને આ મુદ્દો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે પૂરો પાડ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં નેશનલ એડ્યુકેશન પોલિસી મુજબ રાજ્યમાં ત્રણ ભાષાની નીતિનો અમલ કર્યો તેમાં પહેલા ધોરણથી હિન્દી ભાષા ફરજિયાત કરવાની જોગવાઈ પણ હતી. આ જોગવાઈને ટાર્ગેટ કરીને રાજ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રમાં રહેતા તમામ બિનમરાઠીઓ સામે હિંસક ઝુંબેશ ચાલુ કરી છે. રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો કોઈ પણ બિનમરાઠીની દુકાનમાં કે ઓફિસમાં પહોંચી જાય છે અને તેની સાથે મરાઠીમાં વાત કરવાનો આગ્રહ રાખે છે.

દુકાનદારને મરાઠી ન આવડે તો તેની પિટાઈ કરવામાં આવે છે અને તેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ કરવામાં આવે છે. ચારેક દિવસ પહેલાં મુંબઈ નજીક આવેલા મીરા રોડમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા એક રાજસ્થાની વેપારીની મારપીટ કરવામાં આવી તેની સામે તમામ વેપારીઓ એક થઈ ગયા હતા અને તેમણે જબરદસ્ત મોરચો કાઢ્યો હતો. આ મોરચાની આગેવાની ભાજપના સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ લીધી હતી. વેપારીઓની એકતાને કારણે પોલીસને પણ મનસેના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.

મહારાષ્ટ્ર સરકારની હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિની વિરુદ્ધમાં ઉદ્ધવ ઠાકરેએ અને રાજ ઠાકરેએ મળીને શનિવારે જબરદસ્ત વિરોધયાત્રાનું આયોજન કર્યું હતું, પણ તેના બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે હિન્દી ભાષાને ફરજિયાત બનાવતો પરિપત્ર પાછો ખેંચી લીધો હોવાથી ઠાકરે બંધુઓની જબરદસ્ત આંદોલન કરવાની તક ઝૂંટવાઈ ગઈ હતી. તો પણ તેમણે શનિવારે રેલી કાઢી હતી અને તેને વિજય રેલીનું નામ આપ્યું હતું. આ રેલીમાં ૨૦ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા હતા. રાજ ઠાકરેએ તો કટાક્ષ કરતાં કહ્યું હતું કે જે કામ બાળ ઠાકરે ન કરી શક્યા તે કામ દેવેન્દ્ર ફડનવિસે કરી બતાવ્યું છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે હજુ કોઈ ચૂંટણી જોડાણ થયું નથી પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેઓ હાથ મિલાવે તેવી સંભાવના છે. જો કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવે તો તેમની વચ્ચે બેઠકોની વહેંચણી બાબતમાં વિવાદ થાય તેવી તમામ સંભાવના છે. ઉદ્ધવ ઠાકરે નમ્ર અને શાંત છે, જ્યારે રાજ ઠાકરે તોફાની અને આક્રમક છે. જો બંને સાથે આવે તો ઉદ્ધવ ઠાકરે સાથે રહેલા કેટલાક શિવસૈનિકો રાજ ઠાકરેના પક્ષમાં ચાલ્યા જાય તેવો ડર પણ રહેશે. જો રાજ ઠાકરેને વધુ બેઠકો મળે તો તેઓ એકનાથ શિંદેની જેમ ઉદ્ધવનો સાથ છોડીને ભાજપના ખોળામાં બેસી જાય તેવો ડર પણ રહે છે. બીજી બાજુ ઉદ્ધવ અને રાજ સાથે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ કેવું વર્તન કરશે તેની પણ કોઈને ખબર નથી. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં નવાં વમળો પેદા થશે એટલું તો નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top