દારુણ વિમાન દુર્ઘટનાને હજુ માંડ પંદર દિવસ પણ નહોતા થયા. આ નિયતિએ નિર્મિત, અકસ્માત કદાચ વિમાન સેવાના ઈતિહાસમાં સૌથી મોટો હતો અને દાયકઓ સુધી એને પ્રજા નહિ ભૂલી શકે અને જેમણે સ્વજનો ગુમાવ્યાં એની વ્યથા તો અવર્ણનીય છે. આવા સંજોગોમાં જાણે કશું જ નથી બન્યું એ રીતે અમદાવાદમાં દર વર્ષની જેમ રથયાત્રા નીકળી એ બતાવે છે કે એક માણસ તરીકે આપણે કેટલી હદે સંવેદનશીલતા ગુમાવી બેઠાં છીએ. આ રથયાત્રા પરંપરાગત ધાર્મિક અને વર્ષોથી નીકળે છે એટલું સ્વીકાર્ય માનીએ તો પણ એને કશા ખોટા આડંબર વિના સાદાઈથી આ વર્ષે કાઢી શકાતે. આ લખાણ કોઈની ઉપર દોષારોપણ કર્યા વિના એટલી તો નોંધ આપણને લેવા પ્રેરિત કરે જ છે કે આ ગંભીર બાબતને પારખવામાં પ્રજા, સરકાર અને ધાર્મિક સંસ્થાઓ બધા ઊણાં ઊતર્યાં છે એનો ઈનકાર થઈ શકે એમ નથી.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અડાજણની ટ્રાફિક સમસ્યા
ગુજરાત ગેસ સર્કલ અડાજણ પાસે છ રસ્તા ભેગા થાય છે. આખો દિવસ ભરપૂર ટ્રાફિક દરેક બાજુથી અવિરત ચાલતો રહે છે. હજીરા તરફથી મોટી મોટી બસો અને બીજાં વાહનો અવિરત ચાલુ રહે છે. પરંતુ એક પણ ટ્રાફિક પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરતી નથી. ફકત બેસીને મોબાઇલ જોયા કરે છે અને વાતો કર્યા કરે છે. દરરોજ નાના મોટા અકસ્માતો અહીં થતાં જ રહે છે. કોઇ ટ્રાફિકના મોટા સાહેબો ધ્યાન આપતા નથી. શું પોલીસ ડિપાર્ટમેન્ટ કોઇ મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યું છે? સાંજના સમયે પણ આ જ સમસ્યા છે. ટ્રાફિક પોલીસ સાંજના સમયે હોય છે પરંતુ વ્યવસ્થિત ટ્રાફિક કંટ્રોલ કરતી નથી. ગુજરાત ગેસ સર્કલ અગત્યનું ટ્રાફિક જંકશન હોવા છતાં અહીં ટ્રાફિક સિગ્નલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી તો આ માટે યોગ્ય પગલાં લેવા માટે વિનંતી.
રાંદેર રોડ, સુરત – ગિરીશ દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.