Charchapatra

મહારાષ્ટ્રથી તમિલનાડુ સુધી ભાષાનો વિવાદ

હિન્દી ભાષા રાષ્ટ્રભાષા ખરી પણ આજેય હિન્દી ભાષા મુદે્ વિવાદો થતા રહે છે. દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી થોપવા મુદે્ વિરોધ છે અને મહારાષ્ટ્રમાં વિવાદ થતાં શાળાઓમાં હિન્દી ફરજિયાત કરવાનો નિર્ણય એનડીએ સરકારે પાછો ખેંચવો પડ્યો છે. તાજેતરના ઘટનાક્રમ મુજબ, મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો નિર્ણય રદ કરી દીધો છે.

મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ 2025 માં સરકારી ઠરાવ બહાર પાડ્યો હતો, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણના ભાગરૂપે ધોરણ 1 થી 5 માં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય મરાઠી અને અંગ્રેજી માધ્યમની બંને શાળાઓને લાગુ પડતો હતો પણ આ મુદે્ રાજકારણ શરૂ થયું. મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષો – શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ), NCP (શરદચંદ્ર પવાર જૂથ) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ નિર્ણયને હિન્દીનું આરોપણ ગણાવીને સખત વિરોધ કર્યો.

બીજી બાજુ, ઘણાં શિક્ષણવિદો અને ભાષાશાસ્ત્રીઓએ દલીલ કરી કે પ્રાથમિક સ્તરે હિન્દીને ફરજિયાત બનાવવાથી વિદ્યાર્થીઓ પર બિનજરૂરી બોજ પડશે અને તે માતૃભાષા મરાઠીના મહત્ત્વને ઓછો કરી શકે છે. આ મુદે્ એનડીએ અને ખાસ કરીને ભાજપને લાગ્યું કે આ મુદો્ એના વિરુદ્ધ જઈ શકે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં આ મુદો્ ભારે પડી શકે. વિરોધ વધતાં, જૂન 2025 માં મહારાષ્ટ્ર સરકારે એક સુધારેલો ઠરાવ બહાર પાડ્યો. આ સુધારેલા ઠરાવમાં ફરજિયાત શબ્દ હટાવી દેવામાં આવ્યો, પરંતુ જણાવ્યું કે હિન્દી ત્રીજી ભાષા રહેશે.

આ સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જો કોઈ ધોરણમાં ઓછામાં ઓછાં 20 વિદ્યાર્થીઓ હિન્દી સિવાયની અન્ય કોઈ ભારતીય ભાષા પસંદ કરશે તો શાળા તે ભાષા શીખવવા માટે વ્યવસ્થા કરશે. જો કે, આ સુધારેલો ઠરાવ પણ વિરોધ પક્ષો અને મરાઠી સંગઠનોને સંતોષી શક્યો નહીં, કારણ કે તેઓ તેને પાછલા બારણેથી હિન્દી દાખલ કરવાનો પ્રયાસ માનતા હતા. આખરે, વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલાં વિરોધ વધુ ઉગ્ર બનતાં મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ અને જૂનમાં બહાર પાડેલા બંને ઠરાવોને રદ કરી દીધા. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે, ત્રણ-ભાષાનીતિ સંબંધિત અગાઉના તમામ ઠરાવો રદ કરવામાં આવ્યા છે અને આ મુદે્ એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.

જો કે, મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા અંગેનો વિવાદ તમિલનાડુ જેવો નથી, જ્યાં હિન્દીને સીધી રીતે થોપવામાં આવતી ભાષા તરીકે જોવામાં આવે છે. તમિલનાડુમાં હિન્દી ભાષાનો વિરોધ એક લાંબા સમયથી ચાલતો અને રાજ્યના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક માળખામાં ઊંડે ઊતરેલો મુદ્દો છે. આ વિરોધ માત્ર ભાષાકીય નથી, પરંતુ તમિલ ઓળખ, સ્વાયત્તતા અને સંઘવાદ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

તમિલનાડુનાં લોકો અને તેમના રાજકીય નેતાઓ માને છે કે કેન્દ્ર સરકાર દ્વારા હિન્દીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તમિલ ભાષા અને સંસ્કૃતિ પર હિન્દીને થોપવા સમાન છે. તેમને ડર છે કે હિન્દી ફરજિયાત કરવાથી તેમની માતૃભાષા તમિલનું મહત્ત્વ ઘટશે અને સરકારી નોકરીઓ તેમજ અન્ય તકોમાં હિન્દીભાષીઓને અયોગ્ય લાભ મળશે, જ્યારે તમિલ લોકોને અન્યાય થશે. આ જ કારણે તમિલનાડુમાં હિન્દીવિરોધી આંદોલનો 1930ના દાયકાથી થતા આવ્યા છે અને એ હિંસક પણ બન્યા હતા.

૧૯૬૮થી, તમિલનાડુ રાજ્યે તમિલ અને અંગ્રેજી એમ બે ભાષાઓની નીતિ અપનાવી છે. આ નીતિ મુજબ, રાજ્યની શાળાઓમાં માત્ર આ બે ભાષાઓ શીખવવામાં આવે છે. તમિલનાડુ ભારતનું એક માત્ર રાજ્ય છે જે કેન્દ્રની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભલામણ કરાયેલી ત્રણ ભાષા-ફોર્મ્યુલા (પ્રાદેશિક ભાષા, હિન્દી અને અંગ્રેજી/અન્ય આધુનિક ભારતીય ભાષા) ને સંપૂર્ણપણે લાગુ કરતું નથી. વર્તમાન ડીએમકે સરકાર પણ વિરોધ કરે છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ નીતિને હિન્દી સંસ્થાનવાદ ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય તેની બે ભાષાનીતિમાં કોઈ ફેરફાર નહીં કરે.

ગુજરાતમાં ભાજપ અને કોન્ગ્રેસના પ્રમુખ કોણ?
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં એક મથામણ છે અને એ છે કોને પ્રદેશ પ્રમુખ બનાવવા? ગુજરાત ભાજપના પ્રમુખપદે સી. આર. પાટીલ છે. એમની ટર્મ તો પૂરી થયે દોઢ વર્ષ થઇ ગયું છે અને એ હવે કેન્દ્રમાં મંત્રી પણ છે પણ એમની જગ્યાએ નવા કોઈ નેતાની નિયુક્તિ થઇ નથી. કારણ શું છે? પાટીલની આગેવાનીમાં ભાજપે ઐતિહાસિક દેખાવ કર્યો છે. કોંગ્રેસને તોડવામાં એ સફળ રહ્યા છે અને અત્યારે ધારાસભામાં સંખ્યાબળ ૧૬૦થી વધુ છે પણ પાટીલને હવે લાંબો સમય આ પદ પર રાખી શકાય એમ નથી.

વિસાવદરમાં ભાજપે હાર ખમવી પડી છે અને આ હાર ભાજપ પચાવી શકે એમ નથી અને આવતા વર્ષે જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને ૨૦૨૭માં ધારાસભાની ચૂંટણી થશે. એટલે હવે નવા પ્રમુખની નિયુક્તિ પાકી ગઈ છે. એને થોડો સમય મળે એ જરૂરી છે. નામો તો ઘણાં ચાલી રહ્યાં છે પણ સવાલ એ છે કે, પસંદગી ઓબીસીમાંથી કરવી કે આરએસએસની ભલામણ સ્વીકારવી કે પછી કોઈ પટેલ નેતાને પક્ષની બાગડોર સોંપવી. દેવુસિંહ ચૌહાણ, મયંક નાયકથી માંડી ઉદય કાનગડ સુધીનાં નામો છે. પાટીલ સામે આંતરિક વિરોધ ઘણો બધો છે. એટલે જરા કોરી પાટી હોય અને પીઢ હોય એવા નેતાની પસંદગી થઇ શકે છે.

કોંગ્રેસની સમસ્યા જુદી છે. કોંગ્રેસની હાલત ગુજરાતમાં સૌથી વધુ ખરાબ છે. વિસાવદરમાં કોંગ્રેસની શી હાલત થઇ એ સુવિદિત છે. ધારાસભામાં સંખ્યાબળ ઐતિહાસિક સ્તરે નીચે છે. વિસાવદર અને કડીની હાર બાદ શક્તિસિંહે રાજીનામું આપ્યું. હવે કોણ? કોંગ્રેસની સમસ્યા એ છે કે,સત્તા ત્રણ દાયકાથી ના હોવાથી કાર્યકર્તા હતાશ ને નિરાશ છે. કોંગ્રેસ છેલ્લા દાયકામાં તૂટી પણ સારી એવી છે. આર્થિક સમસ્યા એથીય ગંભીર છે. આવા સંજોગોમાં કોણ તૈયાર થાય એ પ્રશ્ન છે. બધાને સાથે લઇ ચાલી શકે એવાં નામો જ જૂજ છે પણ મોટા ભાગે પટેલ નેતાની પસંદગી થાય એવી શક્યતા વધુ છે અને એ સૌરાષ્ટ્રમાંથી હોય એવું વધુ શક્ય છે. થોડા દિવસોમાં આ બંને પ્રશ્નોના જવાબ મળી જવાના છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top