શહેરના પીપલોદ વિસ્તારમાં ગુરુવારે રાત્રે વિચિત્ર ઘટના બની હતી. અહીં એક ટ્રેલર ચાલકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજળીના થાંભલાને ટક્કર મારી તોડી પાડ્યો હતો, જેના લીધે સમગ્ર વિસ્તારમાં પાવર કટ થતા અંધારપટ છવાઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર ટ્રેલર લઈ ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ અકસ્માતનો અવાજ સાંભળી ભેગા થયેલા લોકોએ તેને પકડી લીધો હતો. ડ્રાઈવર પીધેલી હાલતમાં જણાઈ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા શાશ્વત સોસાયટીમાં ગુરૂવારે રાતે એક ગંભીર ઘટના બની હતી. એક ટ્રેલર ચાલકે દારૂના નશામાં GEB (વિદ્યુત વિભાગ)ના થાંભલા તોડી નાખ્યા હતાં, જેના કારણે લગભગ 250 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ટ્રેલર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સોસાયટીના સતર્ક રહેવાસીઓએ પીછો કરી તેને પકડી પાડ્યો હતો.
ટ્રેલર ચાલક દારૂના ફુલ નશામાં હોવાનું રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી ટ્રેલર ચાલકને પોલીસના હવાલે સોંપી દીધો.સ્થળ પર વીજ વિભાગની ટીમે પહોચી વિજળી પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.