સુરત: ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો એક જવાન બાઈક ચલાવતો નજરે પડ્યો હતો. આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે, રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે.
- રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ, મુસાફરોની સુરક્ષા સામે જોખમ
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર બની હતી. જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહે છે. આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઈક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારી પર સવાલો ઊભા કરે છે. આ ઘટનાને લઈ કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન શા કારણે પ્લેટફોર્મ પર બાઈક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, આવી ઘટનાઓ રેલવે સ્ટેશનો પર શિસ્ત અને સુરક્ષાનાં ધોરણોનું પાલન કેટલું જરૂરી છે. ઉધના સ્ટેશન સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે, ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે.