ઘણી વાર સોશ્યલ મિડિયા કે વાચનસામગ્રીમાં ‘જોકસ’ (રમૂજ) વાંચવા અને જાણવા મળે છે. હાસ્ય શ્રેષ્ઠ ઔષધિ છે એની ના નહીં પણ કયારેક વધુ પડતું હાસ્ય ‘નારીલક્ષી’ હોય છે. જેમાં નારીનું અપમાન થતું હોય એવું લાગે છે. પતિ-પત્નીની રમૂજમાં પત્ની જાણે પતિ પર હાવી થતી હોય, સતત પતિને દુ:ખ આપતી હોય, દમન કરતી હોય એવું દર્શાવાય. લગ્ન કરીને પતિ અનહદ દુ:ખી થઇ ગયો હોય એવું દર્શાવાય! બે ઘડી હાસ્ય માટે ઠીક પણ શું પત્નીઓ આવી હોય છે? એના ગૃહિણીનાં કાર્યો તરફ તો દૃષ્ટિપાત કરો, એના વિના સંસાર કલ્પી તો જુવો.
અજાણ્યા પરિવારમાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. પરિવારજનોની તમામ સુખસગવડ સાચવે, વડીલોના સ્વભાવ સહન કરે. સંતાનોને જન્મ આપી સંસ્કારસિંચન કરે,આજના યુગમાં પતિને આર્થિક ઉર્પાજનમાં સહકાર આપે. સામાજિક વટવ્યવહાર સાચવે વિ. બીજાં અનેક કાર્યો એકલે હાથે નિપટાવતી હોય છે. એનું જ જોકસ દ્વારા ઉપહાસ કરી અપમાન કરવાનું હોય? એને પણ અરમાન હોય, પ્રશંસાના બે શબ્દ સાંભળવાની મહેચ્છા હોય. કયારેક પોતાની રીતે જીવવું હોય, તુલસીદાસ જેવા મહાન સંતશિરોમણી પણ એમ કહે, ‘પશુ, ઢોર ઓર નારી, સબ તાડનકે અધિકારી’ આવું શા માટે? એમની આ વાત સાથે કેટલું સંમત થઇ શકાય? નારી વિના વિશ્વની કલ્પના થઇ શકે?
રાંદેર રોડ, સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે