એક દિવસ એક ચકલી બચ્ચા માટે દાણા શોધતી હતી. ત્યાં એક શિયાળની નજર તે ચકલી પર પડે છે. શિયાળ ચકલીનો શિકાર કરવા તેની પર તરાપ મારે છે ચકલી થોડી જ દુર હોય છે તે સમજી જાય છે કે હવે તે બચી નહી શકે તેથી તે શિયાળ પાસે પોતાને છોડી દેવાની આજીજી કરે છે પણ શિયાળ તેને છોડવા તૈયાર થતો નથી. ચકલી શિયાળને કહે છે કે, ‘મારા નાનાં-નાનાં બચ્ચા છે જેને ઉડતાં પણ નથી આવડતું તેમના લાલનપાલન માટે મારું જીવવું જરૂરી છે મને જવા દો.’
શિયાળ ચકલીને છોડવા રાજી નથી તેથી તે શરત મુકે છે કે, ‘તું મારી સાથે દોડવાની શરત લગાવ અને જો તું મને હરાવી દઈશ તો હું તને છોડી દઈશ અને જો તું મને નહી હરાવી શકે તો હું તને ખાઈ જઈશ.’ શિયાળ જાણતો હતો કે ચકલી તેને દોડમાં હરાવી જ નહિ શકે; ચકલીને પણ ખબર જ હતી કે તે દોડમાં જીતી નહી શકે પણ તેની પાસે હાં કહેવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. કંઈક વિચારીને ચકલીએ શિયાળને કહ્યું, ‘ઠીક છે હું જીવ બચાવવા આ છેલ્લો પ્રયત્ન પણ કરી લઈશ પણ આ દોડ શરુ થાય અને પૂરી થાય ત્યાં સુધી તમારે મારી પર હુમલો નહી કરવાનો તેવું મને વચન આપો.’
લુચ્ચું હસતા શિયાળે કહ્યું, ‘ઠીક છે દોડ શરુ થશે ત્યારથી પૂરી થશે ત્યાં સુધી હું તને હાથ પણ નહિ લગાડું. ચલ દોડ શરુ કરીએ.’ દોડ શરુ થઇ અને જેવી દોડ શરુ થઇ ચકલી ઉડીને શિયાળની પીઠ પર બેસી ગઈ અને જેવું શિયાળ દોડના અંતિમ પડાવ પર પહોંચ્યું. ચકલી ઉડીને તરત તેની આગળ જઈને લાઈનની પેલી પાર પહોંચી દોડ જીતી ગઈ. લુચ્ચું શિયાળ ચાલક ચકલીને હરાવી ન શક્યું. ચકલીની ચતુરાઈના તેણે વખાણ કર્યા અને ચકલીને જવા દીધી.
ચકલી દાણા વીણીને પોતાનાં બચ્ચા પાસે પહોંચી ગઈ. મુશ્કેલીના સમયમાં ચકલીની જેમ હિંમત જાળવી રાખીએ અને ડર્યા વિના સમજદારી અને ચતુરાઈથી મુશ્કેલીનો સામનો કરીએ તો અચૂક તેમાંથી માર્ગ કાઢી શકીએ. આ પંચતંત્રની વાર્તા સમજાવે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય અને આપણી શારીરિક ક્ષમતા ઓછી હોય છતાં હાર ન માની લેવી હિંમત અને સમજદારીથી સામનો કરવો, પોતાની જાત પર વિશ્વાસ રાખવો તો કોઈપણ સંજોગોમાં જીતી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે