Vadodara

મેયર અને ચેરમેન વિના શાસક નેતાએ પાલિકામાં અધિકારીઓની બેઠક લેતા વિવાદ

શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ શાસક નેતાને અધિકારીઓ પાસેથી પાંચ વર્ષના કામનો હિસાબ માગવા કહ્યું

શહેર ભાજપ પ્રમુખના સૂચન બાદ પાલિકા ખાતે શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલે અધિકારીઓ સાથે બેઠક કરી, મેયર અને સ્થાયી અધ્યક્ષની અવગણના

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ કરેલા સૂચનથી હવે કોર્પોરેશનના પદાધિકારીઓમાં આંતરિક વિખવાદ થયો છે. તાજેતરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ ડૉ જયપ્રકાશ સોનીએ તમામ કોર્પોરેટર સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોર્પોરેટરોને પોતાના વિસ્તારના બાકી કામો અને ભવિષ્યના કામો અંગે ઝડપ કરવા તાકીદ કરાઈ છે. આગામી મહિનાઓમાં પાલિકાની ચૂંટણીને લઈને શહેર ભાજપ પ્રમુખે આ સૂચનો કર્યા હતા. આ સૂચનો પૈકી તેમને એક એવું સૂચન કર્યું જેને લીધે ભાજપમાં આંતરિક વિખવાદ થયો છે. તેમના કરેલા સૂચન બાદ પાલિકા ખાતે શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા કામો થયા તેની વિગત માંગવામાં આવી હતી. જો કે, આ બેઠક મેયર, ચેરમેન અને ડે, મેયર વગર થતા હવે ભાજપમાં આંતરિક વિખવાદ થયો છે. અત્રે નોંધનીય છે કે, જ્યારે ડૉ. જયપ્રકાશ સોનીની વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થઈ ત્યારે તેમણે શહેરના નેતાઓ અને પાલિકાના પદાધિકારીઓને વિખવાદ ન કરી વિકાસ કામો કરવા સૂચવ્યું હતું. પરંતુ હવે શહેર ભાજપ પ્રમુખ દ્વારા કરાયેલા વિવાદિત સૂચનથી હવે શહેર ભાજપમાં ભડકો થયો છે.

ગુરુવારે સવારે 11 કલાકે પાલિકા ખાતે શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલે અચાનક પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી દેતા વિવાદ સર્જાયો છે. આ બેઠકમાં પાલિકાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નેતા અને દંડકે પાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વિકાસના કામો થયા તેની વિગત માંગી હતી. સાથે જ પેન્ડિંગ કામોની પણ વિગત માંગી હતી. સાથે જ શહેરમાં બીજા કયા નવા કામો કરી શકાય તેની પણ વિગત અધિકારીઓ પાસે માંગી છે. જેના જવાબમાં અધિકારીઓએ સાત દિવસનો સમય માંગ્યો છે. જો કે, મેયર અને ચેરમેનની ગેરહાજરીમાં આ બેઠક યોજાતા શહેર ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે.


ત્રણ મુખ્ય પદાધિકારીઓ ન હોવા છતાં પ્રમુખે કાઉન્સિલરોની બેઠક યોજી હતી

મેયર અને ચેરમેન વડોદરા શહેરની બહાર છે. શહેર ભાજપ પ્રમુખે તમામ કાઉન્સિલરોની બેઠક બોલાવી ત્યારે પણ મેયર, ડે. મેયર અને ચેરમેન શહેરમાં નહોતા. આ બંને દિવસે આ ત્રણ પદાધિકારીઓ હાજર ન હોવા છતાં શહેર ભાજપ પ્રમુખે કાઉન્સિયરો સાથે બેઠક પણ યોજી દીધી. હવે બેઠક યોજ્યા બાદ પાલિકામાં પણ નેતા અને દંડકને અધિકારીઓ સાથે બેઠક યોજવા આદેશ આપી શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોનીએ જાતે જ વિખવાદ ઊભો કરી દીધો છે.


મેયર-ચેરમેન બોખલાયા, શહેર પ્રમુખને કરી રજૂઆત

નેતા અને દંડકે અધિકારીઓ સાથે કરેલી બેઠક બાદ બોખલાઇ ગયેલા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેર ભાજપ પ્રમુખ અને મ્યુ. કમિશનરને આ બાબતે રજૂઆત કરી પોતાને સાઇડ લાઇન કરાતા હોવાનો બળાપો ઠાલવ્યો છે.

Most Popular

To Top