National

ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકી દેવાઈ, હિમાચલના મંડીમાં અત્યાર સુધી 13 ના મોત

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે યાત્રા ત્યારે જ શરૂ કરવામાં આવશે જ્યારે યાત્રાળુઓ માટે યાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત હશે. બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ નજીક ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ કાટમાળ અચાનક પડી ગયો હતો જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો અને શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા. આ પછી રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો છે. 29 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે વધુ 2 મૃતદેહ મળી આવ્યા હતા. ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી શકે છે કારણ કે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર સૌથી વધુ નુકસાન મંડીમાં થયું છે, જ્યાં બુધવાર સાંજ સુધી 151 રસ્તા બંધ હતા. 489 ટ્રાન્સફોર્મર અને 465 પાણી યોજનાઓ પ્રભાવિત થઈ હતી. આ ઉપરાંત 148 ઘરો, 104 ઢોરઢાંખરડા, 31 વાહનો, 14 પુલ અને ઘણા રસ્તાઓને નુકસાન થયું હતું.

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી બચવા માટે ઘરની છત પર આશરો લેનારા બે પરિવારોના 9 સભ્યો તણાઈ ગયા હતા. આ પરિવારોના સંબંધીઓએ બુધવારે આ માહિતી આપી હતી. આ ઘટના સોમવાર અને મંગળવારની રાત્રે ગોહર વિસ્તારના સાંજ પંચાયતના પંગલૂર ગામમાં બની હતી. સંબંધીઓએ જણાવ્યું હતું કે એક મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બે બાળકો સહિત 8 લોકો હજુ પણ ગુમ છે.

છેલ્લા 4 દિવસથી યમુનોત્રી હાઇવે બંધ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદને કારણે ગંગોત્રી હાઇવે પર ભટવાડી પાસે ભૂસ્ખલન થયું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ટીમો ઘટનાસ્થળે પહોંચીને રસ્તો સાફ કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ યમુનોત્રી હાઇવે પર સિલાઇ બૈંડ, ઓજરી અને બનાસ (હનુમાન ચટ્ટી) નજીક ભૂસ્ખલન અને રસ્તાના ધોવાણને કારણે છેલ્લા 4 દિવસથી રસ્તો બંધ છે.

ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ તમામ સ્થળોએ રસ્તો ખોલવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. SDRF, NDRF, પોલીસ અને વન વિભાગની ટીમો વરસાદને કારણે ફસાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને કામચલાઉ રસ્તાઓ અને ફૂટપાથ દ્વારા સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે.

મનાલી-લેહ NH બંધ
ગઈકાલે રાત્રે 12 વાગ્યે મનાલીના સોલાંગ નાલામાં સ્નો-ગેલેરી પાસે પૂર આવ્યું હતું. આ કારણે મનાલીને કેલોંગને જોડતો હાઇવે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. BRO ટીમ રસ્તાને પુનઃસ્થાપિત કરવામાં રોકાયેલી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કાંગડા, મંડી, હમીરપુર, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે 2 દિવસ પછી ભારે વરસાદ માટે ફરીથી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

Most Popular

To Top