વડોદરા શહેરના નિવાસીઓ માટે શોકભર્યા ક્ષણોમાં પણ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ નિઝામપુરા સ્મશાનમાં સર્જાઈ છે. શહેરની સ્થાયી સમિતિ દ્વારા સ્મશાનોના સંચાલન માટે ઈજારદારોને સોંપવામાં આવેલી કામગીરીમાં નિઝામપુરા સ્મશાન ખાતે ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનોના સંચાલન માટે રૂ. 10.43 કરોડની આઉટસોર્સીંગની કામગિરિ તા. 07-12-2024ના રોજ મુલતવી રાખવામાં આવી હતી. જોકે, તેનો પુનઃ ઠરાવ તા. 13-03-2025ના રોજ મંજૂર કરીને ફરી એજ સંસ્થાને કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી ખાસ કરીને વોર્ડ નં.1માં આવેલ નિઝામપુરા સ્મશાનમાં નિયમિત અને ઠરાવ અનુસાર સેવા આપવામાં આવતી નથી. નાગરિકોની રજૂઆતો મુજબ સ્મશાનમાં પાણીની ટેન્ક હોવા છતાં નળમાં પાણી આવતું નથી. વીડિયો દ્વારા પણ આ બેદરકારી સામે લાવવામાં આવી છે. અંતિમ સંસ્કાર માટે આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
માહિતી અનુસાર, સ્મશાનમાં સફાઈ, પાણી સહિત અન્ય જરૂરિયાતની સુવિધાઓનો અભાવ છે. નાગરિકોએ જણાવ્યું કે અનેક વખત ફરિયાદ કર્યા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ બાબતે સ્થાનિક કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરનાર સંસ્થાને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરીને કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ હાથ ધરવામાં આવે તેવી કડક માંગણી ઊઠી છે.