સુરત : તા.13/04/2025 ના રોજ ધી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલી 21 બેઠકોની કારોબારી સમિતિની ચૂંટણી રદ કરવા માટેની દાદ માંગતી પિટિશન ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી, ધી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનને નોટિસ ઈશ્યુ કરી છે.
- SDCAની ચૂંટણી રદ કરવા પિટિશન થતાં હાઇકોર્ટની નોટિસ
- સંસ્થાના બંધારણમાં પેનલ બનાવવાની અને ઉમેદવારોને એક સરખા ચિન્હ આપવાની કોઇ જોગવાઈ નથી
ઘી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા તા.13/04/2025 ના રોજ ઈલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી. એડવોકેટ જયેશ પટેલ (મગદલ્લા) દ્વારા ધી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલી તા. 13/04/2025 ના રોજના ઈલેક્શનને રદ કરવા અંગેની પિટિશન એડવોકેટ ઝમીર શેખ મારફત કરવામાં આવી હતી. અને રજુઆત કરવામાં આવી કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનના બંધારણ મુજબ ચૂંટણીમાં પેનલ બનાવવાની કોઈ જોગવાઈ નથી.
કારોબારી સમિતિની ચૂંટણીમાં ઈન્ડીવિજ્યુઅલ (સ્વતંત્ર) ઉમેદવારો જ હોઈ શકે. પરંતુ કુલ 43 ઉમેદવારો પૈકી માત્ર એડવોકેટ જયેશ પટેલ (મગદલ્લા) જ એકમાત્ર સ્વતંત્ર ઉમેદવાર હતા. બાકીના તમામ ઉમેદવારોને બે પેનલ વચ્ચે વહેંચી દેવામાં આવ્યા હતા. અને બે પેનલના 21/21 ઉમેદવારોને એક સરખા ચિન્હો ફાળવી દેવામાં આવ્યા હતાં. એ સામે સ્વતંત્ર ઉમેદવાર એડવોકેટ જયેશ રામજી પટેલ (મગદલ્લા) એ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત વાંધો પણ લીધો હતો. તેથી તા.13/04/2025 ના રોજ એસોસિએશનની થયેલી ચૂંટણીઓ ગેરબંધારણીય હોય રદ થવા પાત્ર છે.
એડવોકેટ જયેશ પટેલ (મગદલ્લા) ની પિટિશનમાં એડવોકેટ ઝમીર શેખની દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી પીટીશન એડમીટ કરી SDCA ને જવાબ રજૂ કરવા નોટિસ ઈશ્યુ કરી છે. આ કેસની આગામી સુનાવણી તા.12/08/2025 ના રોજ થશે.