અત્યંત પીડાદાયક ગણાતા રોગ કેન્સરની હોસ્પીટલમાં બે દર્દીઓની એકબીજા સાથે મુલાકાત થઇ.રોજ ટ્રીટમેન્ટ માટે ત્યાં જતાં હોવાથી રોમેશ અને ઓમકાર બંને વચ્ચે વાતચીત થવા લાગી અને મિત્રતા થઈ ગઈ. આ બે દર્દીમાંથી ઓમકારને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને નાકમાં ખોરાક માટે નળી હતી છતાં તે વધારે સ્વસ્થ અને ખુશ દેખાતો હતો અને રોમેશને કેન્સર બીજા સ્ટેજમાં જ પરખાયું હતું. તે વધુ અસ્વસ્થ અને દુઃખી દેખાતો હતો. એક દિવસ રોમેશે કહ્યું, ‘આજે તો બહુ પીડા થાય છે. ખબર નથી કે હું આગળ જતાં બધું કઈ રીતે સહન કરીશ.
તને કેમ છે? શું તને આ કેમોથેરાપીથી કંઈ પીડા થતી નથી કે હંમેશા ખુશ જ દેખાય છે?’ ઓમકારે કહ્યું, ‘જવા દે ને દોસ્ત, શું કામ પીડા અને તકલીફોની વાતો કરે છે. ચલ કંઈ બીજી વાત કરીએ. તેં કોઈ ફિલ્મ જોઈ કે નહિ?’ રોમેશ બોલ્યો, ‘ફિલ્મ ક્યાંથી જોઉં? આ પીડા એટલી છે કે હું બીજું કંઈ કરી શકતો જ નથી.’ ઓમકાર હસ્યો અને બોલ્યો, ‘અરે મારા દોસ્ત, તું કરી શકે છે?’ રોમેશે કહ્યું, ‘શું કરી શકું છું?’ ઓમકારે રોમેશનો હાથ પોતાના હાથમાં પકડ્યો અને પછી કહ્યું, ‘મારા દોસ્ત, જે પરિસ્થિતિ છે, જે રોગ છે ,જે પીડા છે તેનો સ્વીકાર તું કરી શકે છે.’ રોમેશે કહ્યું, ‘તેનાથી શું થશે?’
ઓમકાર બોલ્યો, ‘અરે દોસ્ત, સ્વીકારમાં જ જાદુ છે.જો તને ખબર હોય કે પાણી એકદમ ઠંડું છે અને ઠંડા પાણીથી જ નાહવું પડશે તો બે ડબલા ઠંડા પાણીના રેડી દીધા બાદ પાણી એટલું ઠંડું લાગતું નથી અને આરામથી નાહી શકાય છે!’ રોમેશે ખીજાઈને કહ્યું, ‘હું મારી તકલીફોની વાત કરું છું. રોજ કોઈ નવી તકલીફ આવે છે અને તને ઠંડા પાણીએ નાહવાની વાતો કરવી છે.એ તો બધાને ખબર છે કે બે ડબલાં નાંખ્યાં બાદ પાણી ઠંડું લાગે નહિ.’ ઓમકારે કહ્યું, ‘દોસ્ત, ગુસ્સે ન થા. હું વાત કરું છું સ્વીકારના જાદુની.મન અને શરીરે ઠંડું પાણી સ્વીકારી લીધું પછી તે બહુ ઠંડું લાગતું નથી તેમ જો મનથી સંજોગોનો સ્વીકાર કરી લો તો અસહ્ય પીડા પણ સહ્ય થઈ જાય છે.
વાત તો મનના સ્વીકારની જ છે.તારી ને મારી જ વાત કરું તો તું તો જાણે જ છે કે મને તારા કરતાં વધારે પીડા થાય છે પણ હું હસતો રહું છું કારણ કે મેં મનથી આ બધું સ્વીકારી લીધું છે.તકલીફો અને પીડા તો આવે અને જાય …વધે અને ઓછી થાય. જો મનથી સ્વીકારી લઈએ તો પછી લહેર જ છે.તેં હજી મનથી સ્વીકાર્યું નથી. તું પીડાનો મનથી સ્વીકાર કરી લે, પછી તે અસહ્ય નહિ લાગે અને તું પણ મારી જેમ પીડા સ્વીકારી …તેની સાથે હસતાં શીખી જઈશ.’એક દોસ્તે ‘મનના સ્વીકાર’નો જીવનમંત્ર શીખવાડી દીધો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.